Shrimad bhagvat geeta (SBG)

View All >>

અધ્યાય 2

॥ ॐ श्री परमात्मने नमः ॥

श्रीमद्भगवद्गीता

|| અધ્યાય 2 ||

|| સાઙ્ખ્યયોગ ||

|| શ્લોક : ૧ ||

 

सञ्जय उवाच ।

 

तं तथा कृपयाविष्टमश्रुपूर्णाकुलेक्षणम् ।

विषीदन्तमिदं वाक्यमुवाच मधुसूदनः ॥ १ ॥

 

અનુવાદ

 

સંજય બોલ્યા :

કરુણાથી વ્યાપ્ત, શોયુક્ત અને આંસુ ભરેલાં નેત્રવાળા અર્જુનને જોઈને મધુસૂદન, કૃષ્ણે નીચે મુજબનાં વચન કહ્યાં.

* * *

 

|| શ્લોક : ૨ ||

 

श्रीभगवानुवाच ।

 

कुतस्त्वा कश्मलमिदं विषमे समुपस्थितम् ।

अनार्यजुष्टमस्वर्ग्यमकीर्तिकरमर्जुन ॥ २ ॥

 

અનુવાદ

 

પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહ્યું :

હે અર્જુન, તારાં મનમાં આવી મલિનતા ક્યાંથી આવી? જીવનનું મૂલ્ય જાણનાર મનુષ્ય માટે, તે લેશમાત્ર યોગ્ય નથી. તેનાથી ઉચ્ચતર લોકની નહીં, પરંતુ અપયશની પ્રાપ્તિ થાય છે.

* * *

 

|| શ્લોક : ૩ ||

 

क्लैब्यं मा स्म गमः पार्थ नैतत्त्वय्युपपद्यते ।

क्षुद्रं हृदयदौर्बल्यं त्यक्त्वोत्तिष्ठ परन्तप ॥ ३ ॥

 
અનુવાદ

 

હે પૃથાપુત્ર, આવી હીન નામર્દાઈને તાબે થઈશ. તને તે શોભતી નથી. હે શત્રુઓનું દમન કરનાર, હૃદયની આવી ક્ષુદ્ર દુર્બળતાનો ત્યાગ કર અને ઊભો થા.

* * *

 

|| શ્લોક : ૪ || 

 

अर्जुन उवाच ।

 

कथं भीष्ममहं सङ्ख्ये द्रोणं च मधुसूदन ।

इषुभिः प्रतियोत्स्यामि पूजार्हावरिसूदन ॥ ४ ॥

 

અનુવાદ

 

અર્જુને કહ્યું :

હે શત્રુહત્તા! હે મધુસૂદન! હું યુદ્ધમાં ભીષ્મ તથા દ્રોણ જેવા પૂજનીય પુરુષો ઉપર બાણોથી વળતું આક્રમણ કેવી રીતે કરીશ?

* * *

 

|| શ્લોક : ૫ ||

 

गुरूनहत्वा हि महानुभावान्

श्रेयो भोक्तुं भैक्ष्यमपीह लोके ।

हत्वार्थकामांस्तु गुरूनिहैव

भुञ्जीय भोगान् रुधिरप्रदिग्धान् ॥ ५ ॥

 

અનુવાદ

 

જેઓ મારા ગુરુજનો છે, એવા મહાપુરુષોને હણીને જીવવા કરતાં, ભીખ માગીને જીવવું વધારે સારું છે. તેઓ ભલે દુન્યવી લાભની ઇચ્છા રાખતા હોય, તો પણ તેઓ ગુરુજનો છે. જો તેમનો વધ થશે, તો અમારી ભોગવવા યોગ્ય દરેક વસ્તુ રક્તરંજિત હશે.

* * *

 

|| શ્લોક : ૬ ||

 

न चैतद्विद्मः कतरन्नो गरीयो

यद्वा जयेम यदि वा नो जयेयुः ।

यानेव हत्वा न जिजीविषाम-

स्तेऽवस्थिताः प्रमुखे धार्तराष्ट्राः ॥ ६ ॥

 

અનુવાદ

 

અમે પણ જાણતા નથી કે અમારે માટે સારું શું છેતેમને જીતવા કે તેઓ દ્વારા જીતાઇ જવું? જો અમે ધૃતરાષ્ટ્રના પુત્રોનો વધ કરીશું, તો અમને જીવિત રહેવાની ઇચ્છા રહેશે નહીં. છતાં, તેઓ હવે રણક્ષેત્રમાં અમારી સામે ઊભા છે.

* * *

 

|| શ્લોક : ૭ ||

 

कार्पण्यदोषोपहतस्वभावः

पृच्छामि त्वां धर्मसम्मूढचेताः ।

यच्छ्रेयः स्यान्निश्चितं ब्रूहि तन्मे

शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम् ॥ ७ ॥

 

અનુવાદ

 

હવે હું સંકુચિતતા યુક્ત દુર્બળતાને કારણે મારું કર્તવ્ય ભૂલી ગયો છું અને મનની બધી સ્વસ્થતા ખોઈ બેઠો છું. આવી સ્થિતિમાં હું આપને પૂછી રહ્યો છું કે જે મારે માટે કલ્યાણકારી હોય, તે ચોક્કસપણે કહેવાની કૃપા કરો. હું હવે આપનો શિષ્ય છું અને આપનો શરણાગત છું. કૃપા કરી મને ઉપદેશ આપો.

* * *

 

|| શ્લોક : ૮ ||

 

न हि प्रपश्यामि ममापनुद्याद्

यच्छोकमुच्छोषणमिन्द्रियाणाम् ।

अवाप्य भूमावसपत्नमृद्धं

राज्यं सुराणामपि चाधिपत्यम् ॥ ८ ॥

 

અનુવાદ

 

મારી ઇન્દ્રિયોને સૂકવી નાખનાર શોકને દૂર કરી શકે એવું કોઈ સાધન મને દેખાતું નથી. સ્વર્ગ પર દેવોના સાર્વભૌમ અધિકારની જેમ સર્વથા સમૃદ્ધ પૃથ્વીનું નિષ્કંટક રાજ્ય પ્રાપ્ત કરીન પણ હું શોકને દૂર કરી શકીશ નહીં.

* * *

 

|| શ્લોક : ૯ ||

 

सञ्जय उवाच ।

 

एवमुक्त्वा हृषीकेशं गुडाकेशः परन्तप ।

न योत्स्य इति गोविन्दमुक्त्वा तूष्णीं बभूव ह ॥ ९ ॥

 

અનુવાદ

 

સંજય બોલ્યો :

પ્રમાણે કહ્યા પછી શત્રુઓનું દમન કરનાર અર્જુને કૃષ્ણને કહ્યું, “હે ગોવિંદ, હું લડીશ નહીં,” અને મૌન થઈ ગયો.

* * *

 

|| શ્લોક : ૧૦ ||

 

तमुवाच हृषीकेशः प्रहसन्निव भारत ।

सेनयोरुभयोर्मध्ये विषीदन्तमिदं वचः ॥ १० ॥

 

અનુવાદ

 

હે ભરતવંશી ધૃતરાષ્ટ્ર, તે વખતે બંને સૈન્યોની વચ્ચે ભગવાન કૃષ્ણ, શોકગ્રસ અર્જુનને સ્મિતપૂર્વક વચન કહ્યાં.

* * *

 

|| શ્લોક : ૧૧ || 

 

श्रीभगवानुवाच ।

 

अशोच्यानन्वशोचस्त्वं प्रज्ञावादांश्च भाषसे ।

गतासूनगतासूंश्च नानुशोचन्ति पण्डिताः ॥ ११ ॥

 

અનુવાદ

 

પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા :

તું વિદ્વત્તાભરી વાતો કરે છે, પરંતુ જેનો શોક કરવા જેવો નથી, તેના માટે તું શોક કરી રહ્યો છે. જેઓ વિદ્વાન હોય છે, તેઓ જીવિત કે મૃત માટે શોક કરતા નથી.

* * *

 

|| શ્લોક : ૧૨ ||

 

 न त्वेवाहं जातु नासं न त्वं नेमे जनाधिपाः ।

न चैव न भविष्यामः सर्वे वयमतः परम् ॥ १२ ॥

 

અનુવાદ

 

એવું ક્યારેય હતું કે જ્યારે હું રહ્યો હોઉં કે તું રહ્યો હોય અથવા તો બધા રાજાઓ રહ્યા હોય અને એવું પણ નથી કે પછી ભવિષ્યમાં આપણે બધા નહીં હોઈએ.

* * *

 

|| શ્લોક : ૧૩ ||

 

देहिनोऽस्मिन्यथा देहे कौमारं यौवनं जरा ।

तथा देहान्तरप्राप्तिर्धीरस्तत्र न मुह्यति ॥ १३ ॥

 

અનુવાદ

 

જેવી રીતે દેહધારી આત્મા (વર્તમાન) શરીરમાં કુમારાવસ્થામાંથી યુવાવસ્થામાં અને પછી વૃદ્ધાવસ્થામાં એમ નિરંતર પસાર થતો રહે છે, તેવી રીતે, મૃત્યુ પછી આત્મા બીજા શરીરમાં પ્રવેશે છે. ધીર પુરુષ આવાં પરિવર્તનથી મૂંઝાતો નથી.

* * *

 

|| શ્લોક : ૧૪ ||

 

मात्रास्पर्शास्तु कौन्तेय शीतोष्णसुखदुःखदाः ।

आगमापायिनोऽनित्यास्तांस्तितिक्षस्व भारत ॥ १४ ॥

 

અનુવાદ

 

હે કુંતીપુત્ર, સુખ તથા દુ:ખનું ક્ષણિક આવવું અને કાળાંતરે તેમનું અદૃશ્ય થવું, શિયાળા તથા ઉનાળાની ઋતુઓના આવવા તથા જવા સમાન છે. હે ભરતવંશી, તેઓ ઇન્દ્રિયાનુભૂતિમાંથી જન્મે છે અને મનુષ્ય તેમને અસ્વસ્થ થયા વિના, સહન કરતાં અવશ્ય શીખવું જોઈએ.

* * *

 

|| શ્લોક : ૧૫ || 

 

यं हि न व्यथयन्त्येते पुरुषं पुरुषर्षभ ।

समदुःखसुखं धीरं सोऽमृतत्वाय कल्पते ॥ १५ ॥

 

અનુવાદ

 

હે પુરુષશ્રેષ્ઠ (અર્જુન)! જે પુરુષ સુખ તથા દુઃખમાં વિચલિત થતો નથી અને બંનેમાં એક સમાન રહે છે, તે મુક્તિ પામવા માટે સર્વથા યોગ્ય છે.

* * *

 

|| શ્લોક : ૧૬ || 

 

नासतो विद्यते भावो नाभावो विद्यते सतः ।

उभयोरपि दृष्टोऽन्तस्त्वनयोस्तत्त्वदर्शिभिः ॥ १६ ॥

 

અનુવાદ

 

સત્યના દૃષ્ટાઓ એવા નિષ્કર્ષ પર આવ્યા છે કે અસત્(ભૌતિક શરીર)નું કોઈ સ્થાયિત્વ નથી અને સત્(આત્મા)નું કોઈ પરિવર્તન નથી. બંનેની પ્રકૃતિના અધ્યયન દ્વારા તેમણે આવો નિર્ણય કર્યો છે.

* * *

 

|| શ્લોક : ૧૭ ||

 

अविनाशि तु तद्विद्धि येन सर्वमिदं ततम् ।

विनाशमव्ययस्यास्य न कश्चित्कर्तुमर्हति ॥ १७ ॥

 

અનુવાદ

 

જે સમગ્ર શરીરમાં વ્યાપ્ત છે તેને તું અવિનાશી જાણ. તે અવિનાશી આત્માનો નાશ કરવા કોઈ સમર્થ નથી.

* * *

 

|| શ્લોક : ૧૮ || 

 

अन्तवन्त इमे देहा नित्यस्योक्ताः शरीरिणः ।

अनाशिनोऽप्रमेयस्य तस्माद्युध्यस्व भारत ॥ १८ ॥

 

અનુવાદ

 

અવિનાશી, અમાપ તથા સનાતન જીવના ભૌતિક શરીરનો નાશ અવશ્ય થાય છે; હે ભરતવંશી, યુદ્ધ કર.

* * *

 

|| શ્લોક : ૧૯ ||

 

य एनं वेत्ति हन्तारं यश्चैनं मन्यते हतम् ।

उभौ तौ न विजानीतो नायं हन्ति न हन्यते ॥ १९ ॥

 

અનુવાદ

 

જે આ જીવાત્માને હણનારો  સમજે છે તથા જે એને હણાયેલો માને છે, તે બંને અજ્ઞાની છે, કારણ કે આત્મા નથી હણતો કે નથી હણાતો.

* * *

 

|| શ્લોક : ૨૦ ||

 

न जायते म्रियते वा कदाचिन्

नायं भूत्वा भविता वा न भूयः ।

अजो नित्यः शाश्वतोऽयं पुराणो

न हन्यते हन्यमाने शरीरे ॥ २० ॥

 

અનુવાદ

 

આત્મા માટે કોઈ પણ વખતે જન્મ નથી અને મરણ પણ નથી. તે ક્યારેય જન્મ્યો ન હતો, જન્મ લેતો નથી અને જન્મવાનો પણ નથી. તે અજન્મા, સનાતન, ચિરસ્થાયી તથા પુરાતન છે. જ્યારે શરીર હણાય જાય છે ત્યારે પણ તે હણાતો નથી.

* * *

 

|| શ્લોક : ૨૧ ||

 

वेदाविनाशिनं नित्यं य एनमजमव्ययम् ।

कथं स पुरुषः पार्थ कं घातयति हन्ति कम् ॥ २१ ॥

 

અનુવાદ

 

હે પાર્થ, આત્મા અવિનાશી, સનાતન, અજન્મા અને અવિકારી છે જાણનાર મનુષ્ય, કોઈને કેવી રીતે હણી શકે અથવા હણાવી શકે?

* * *

 

|| શ્લોક : ૨૨ ||

 

वासांसि जीर्णानि यथा विहाय

नवानि गृह्णाति नरोऽपराणि ।

तथा शरीराणि विहाय जीर्णा-

न्यन्यानि संयाति नवानि देही ॥ २२ ॥

 

અનુવાદ

 

જેવી રીતે મનુષ્ય જૂનાં વસ્ત્રો તજીને નવાં વસ્ત્રો ધારણ કરે છે, તેવી રીતે આત્મા વૃદ્ધ તથા નકામાં શરીરો તજીને નવાં ભૌતિક શરીર ધારણ કરે છે.

* * *

 

|| શ્લોક : ૨૩ || 

 

नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः ।

न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः ॥ २३ ॥

 

અનુવાદ

 

આત્માને કોઈ પણ શસ્ત્રથી છેદી શકાતો નથી, અગ્નિથી બાળી શકાતો નથી, પાણીથી ભીંજવી શકાતો નથી કે પવનથી સૂકવી શકાતો નથી.

* * *

 

|| શ્લોક : ૨૪ ||

 

अच्छेद्योऽयमदाह्योऽयमक्लेद्योऽशोष्य एव च ।

नित्यः सर्वगतः स्थाणुरचलोऽयं सनातनः ॥ २४॥

 

અનુવાદ

 

વ્યક્તિગત આત્મા અખંડ તથા અદ્રાવ્ય છે અને તેને નથી બાળી શકાતો કે નથી સૂકવી શકાતો. તે ચિરસ્થાયી, સર્વત્ર વિદ્યમાન, અવિકારી, સ્થિર તથા સદા એકસમાન રહેનારો છે.

* * *

 

|| શ્લોક : ૨૫ ||

 

अव्यक्तोऽयमचिन्त्योऽयमविकार्योऽयमुच्यते ।

तस्मादेवं विदित्वैनं नानुशोचितुमर्हसि ॥ २५ ॥

 

અનુવાદ

 

સુવિદત છે કે આત્મા અદૃશ્ય, અચિંત્ય, તથા અપરિવર્તનશીલ છે. આવું જાણ્યા પછી, તારે શરીર માટે શોક કરવો જોઈએ.

* * *

 

|| શ્લોક : ૨૬ || 

 

अथ चैनं नित्यजातं नित्यं वा मन्यसे मृतम् ।

तथापि त्वं महाबाहो नैवं शोचितुमर्हसि ॥ २६ ॥

 

અનુવાદ

 

હે મહાબાહુ, જો તું એમ વિચારતો હોય કે આત્મા (અથવા જીવનનાં લક્ષણો) સદા જન્મે છે અને હંમેશને માટે મૃત્યુ પામે છે, તો પણ તારે શોક કરવાનું કોઈ કારણ નથી.

* * *

 

|| શ્લોક : ૨૭ || 

 

जातस्य हि ध्रुवो मृत्युर्ध्रुवं जन्म मृतस्य च ।

तस्मादपरिहार्येऽर्थे न त्वं शोचितुमर्हसि ॥ २७ ॥

 

અનુવાદ

 

જેણે જન્મ લીધો છે તેનું મરણ નિશ્ચિત છે અને મરણ પછી તેનો પુનર્જન્મ પણ નિશ્ચિત છે. માટે જે નિવારી શકાય એવાં તારાં કર્તવ્યકર્મ અંગે તું શોક કરે તે યોગ્ય નથી.

* * *

 

|| શ્લોક : ૨૮ || 

 

अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत ।

अव्यक्तनिधनान्येव तत्र का परिदेवना ॥ २८ ॥

 

અનુવાદ

 

બધા જીવો આરંભે અવ્યક્ત હોય છે, મધ્યાવસ્થામાં વ્યક્ત થાય છે અને વિનાશ થયા પછી, ફરીથી અવ્યક્ત થઈ જાય છે. તો પછી શોક કરવાની શી જરૂર છે?

* * *

 

|| શ્લોક : ૨૯ ||

 

आश्चर्यवत्पश्यति कश्चिदेन-

माश्चर्यवद्वदति तथैव चान्यः ।

आश्चर्यवच्चैनमन्यः श‍ृणोति

श्रुत्वाप्येनं वेद न चैव कश्चित् ॥ २९ ॥

 

અનુવાદ

 

કોઈ આત્માને આશ્ચર્ય તરીકે જુએ છે, કોઈ તેનું આશ્ચર્ય તરીકે વર્ણન કરે છે અને કોઈ તેના વિષે આશ્ચર્ય તરીકે સાંભળે છે, જ્યારે બીજા તેના વિષે સાંભળ્યા પછી પણ, તેને લેશમાત્ર સમજી શકતા નથી.

* * *

 

|| શ્લોક : ૩૦ ||

 

देही नित्यमवध्योऽयं देहे सर्वस्य भारत ।

तस्मात्सर्वाणि भूतानि न त्वं शोचितुमर्हसि ॥ ३० ॥

 

અનુવાદ

 

હે ભરતવંશી, શરીરમાં રહેનારો(આત્મા) સનાતન છે અને તેનો ક્યારેય વધ કરી શકાતો નથી. માટે, તારે કોઈ પણ જીવ માટે શોક કરવાની જરૂર નથી.

* * *

 

|| શ્લોક : ૩૧ || 

 

स्वधर्ममपि चावेक्ष्य न विकम्पितुमर्हसि ।

धर्म्याद्धि युद्धाच्छ्रेयोऽन्यत्क्षत्रियस्य न विद्यते ॥ ३१ ॥

 

અનુવાદ

 

ક્ષત્રિય તરીકે તારાં વિશિષ્ટ કર્તવ્ય ધર્મનો વિચાર કરીને તારે જાણવું જોઈએ કે તારા માટે ધર્મ અર્થે યુદ્ધ કરવાથી વધુ સારો કોઈ ઉદ્યમ નથી અને તેથી તેમાં જરા પણ અચકાવાની જરૂર નથી.

* * *

 

|| શ્લોક : ૩૨ ||

 

यदृच्छया चोपपन्नं स्वर्गद्वारमपावृतम् ।

सुखिनः क्षत्रियाः पार्थ लभन्ते युद्धमीदृशम् ॥ ३२ ॥

 

અનુવાદ

 

હે પાર્થ, જે ક્ષત્રિયોને માટે સ્વર્ગલોકનાં પ્રવેશદ્વારો ઉઘાડનારા યુદ્ધના આવા અવસરો અનાયાસે પ્રાપ્ત થાય છે, તેઓ ખરેખર ધન્ય છે.

* * *

 

|| શ્લોક : ૩૩ ||

 

अथ चेत्त्वमिमं धर्म्यं सङ्ग्रामं न करिष्यसि ।

ततः स्वधर्मं कीर्तिं च हित्वा पापमवाप्स्यसि ॥ ३३ ॥

 

અનુવાદ

 

માટે, જો તું યુદ્ધ કરવાના તારા સ્વધર્મનું આચરણ નહીં કરે, તો પોતાનાં કર્તવ્યની ઉપેક્ષા કરવાનાં પાપનું ફળ તને અવશ્ય મળશે અને તેથી યોદ્ધા તરીકેની તારી કીર્તિ પણ તારે ગુમાવવી પડશે.

* * *

 

|| શ્લોક : ૩૪ ||

 

अकीर्तिं चापि भूतानि

कथयिष्यन्ति तेऽव्ययाम् ।

सम्भावितस्य चाकीर्ति-

र्मरणादतिरिच्यते ॥ ३४ ॥

 

અનુવાદ

 

લોકો હંમેશાં તારા અપયશનું વર્ણન કરતા રહેશે અને સન્માનપાત્ર વ્યક્તિ માટે અપયશ તો મૃત્યુથી પણ વધારે ખરાબ છે.

* * *

 

|| શ્લોક : ૩૫ ||

 

भयाद्रणादुपरतं मंस्यन्ते त्वां महारथाः ।

येषां च त्वं बहुमतो भूत्वा यास्यसि लाघवम् ॥ ३५ ॥

 

અનુવાદ

 

જે જે મહાન યોદ્ધાઓ તારાં નામ તથા યશ વિષે બહુ ઊંચો અભિપ્રાય ધરાવે છે તેઓ માની  લેશે કે તેં  ભયના કારણે રણક્ષેત્ર છોડી દીધું છે અને તેથી તેઓ તને કાયર ગણશે.

* * *

 

|| શ્લોક : ૩૬ ||

 

अवाच्यवादांश्च बहून्वदिष्यन्ति तवाहिताः ।

निन्दन्तस्तव सामर्थ्यं ततो दुःखतरं नु किम् ॥ ३६ ॥

 

અનુવાદ

 

તારા શત્રુઓ અનેક પ્રકારનાં  કડવા વેણથી તારું વર્ણન કરશે અને તારા સામર્થ્યને ધિક્કારશે. તારા માટે આનાથી વધારે દુઃખદાયી બીજું શું હોઈ શકે?

* * *

 

|| શ્લોક : ૩૭ || 

 

हतो वा प्राप्स्यसि स्वर्गं जित्वा वा भोक्ष्यसे महीम् ।

तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चयः ॥ ३७ ॥

 

અનુવાદ

 

હે કુંતીપુત્ર, જો તું યુદ્ધમાં હણાઈ જઈશ તો સ્વર્ગ પ્રાપ્ત કરીશ, અથવા જો તું જીતીશ, તો પૃથ્વીનાં સામ્રાજ્યનું સુખ ભોગવીશ. તેથી, દર્ઢ  નિશ્ચયપૂર્વક ઊભો થા અને યુદ્ધ કર.

* * *

 

|| શ્લોક : ૩૮ ||

 

सुखदुःखे समे कृत्वा लाभालाभौ जयाजयौ ।

ततो युद्धाय युज्यस्व नैवं पापमवाप्स्यसि ॥ ३८ ॥

 

અનુવાદ

 

તું સુખ કે દુઃખ, હાનિ કે લાભ તથા જાય કે પરાજય વિષે વિચાર કાર્ય વગર, યુદ્ધ કરવા ખાતર યુદ્ધ કર-અને આ પ્રમાણે કરવાથી, તને કદાપિ પેપ લાગશે નહીં.

* * *

 

|| શ્લોક : ૩૯ || 

 

एषा तेऽभिहिता साङ्ख्ये

बुद्धिर्योगे त्विमां श‍ृणु ।

बुद्ध्या युक्तो यया पार्थ

कर्मबन्धं प्रहास्यसि ॥ ३९ ॥

 

અનુવાદ

 

મેં અહીં પૃથ્થક્કરણાત્મક અભ્યાસ (સાંખ્ય ) દ્વારા આ જ્ઞાનનું વર્ણન કર્યું છે. હવે નિષ્કામભાવે કર્મ કરવા વિષે સમજાવું છું  તે સાંભળ. હે પૃથાપુત્ર, જો તું એવાં જ્ઞાનથી કર્મ કરીશ, તો કર્મબંધનમાંથી પોતાને મુક્ત કરી શકીશ.

* * *

 

|| શ્લોક : ૪૦ || 

 

नेहाभिक्रमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते ।

स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात् ॥ ४० ॥

 

અનુવાદ

 

(બુદ્ધિયોગ)માં પ્રયાસ કરવામાં કોઈ હાનિ નથી કે હ્રાસ પણ નથી, અને માર્ગે કરેલી થોડીશી પ્રગતિ પણ વ્યક્તિનું મહાન ભયમાંથી રક્ષણ કરી શકે છે.

* * *

 

|| શ્લોક : ૪૧ ||

 

व्यवसायात्मिका बुद्धिरेकेह कुरुनन्दन ।

बहुशाखा ह्यनन्ताश्च बुद्धयोऽव्यवसायिनाम् ॥ ४१  ॥

 

અનુવાદ

 

હે કુરુનન્દન, જે મનુષ્યો માર્ગ પર છે તેઓ ઉદેશ્યમાં દઢ સંકલ્પવાળા હોય છે અને તેમનું ધ્યેય પણ એક હોય છે. જેઓ દૃઢનિશ્ચયી નથી, તેમની બુદ્ધિ અનેક શાખાઓમાં વિભક્ત થયેલી હોય છે.

* * *

 

|| શ્લોક : ૪૨, ૪૩ ||

 

यामिमां पुष्पितां वाचं प्रवदन्त्यविपश्चितः ।

वेदवादरताः पार्थ नान्यदस्तीति वादिनः ॥ ४२ ॥

 

कामात्मानः स्वर्गपरा जन्मकर्मफलप्रदाम् ।

क्रियाविशेषबहुलां भोगैश्वर्यगतिं प्रति ॥ ४३ ॥

 

અનુવાદ

 

અલ્પજ્ઞાની મનુષ્યો વેદોની તે આલંકારિક વાણી પ્રત્યે અતિશય આસક્તિ ધરાવે છે કે જે સ્વર્ગપ્રાપ્તિ, ઉત્તમ જન્મ, સત્તા વગેરે માટે વિવિધ સકામ કર્મો કરવાની ભલામણ કરે છે. વિષયભોગ તથા વૈભવી જીવનના ઇચ્છુક હોવાથી તેઓ કહે છે કે આનાથી વધારે સારું કંઈ નથી.

* * *

 

|| શ્લોક : ૪૪ ||

 

भोगैश्वर्यप्रसक्तानां तयापहृतचेतसाम् ।

व्यवसायात्मिका बुद्धिः समाधौ न विधीयते ॥ ४४ ॥

  

અનુવાદ

 

જે મનુષ્યો ઇન્દ્રિયભોગ તથા ભૌતિક ઐશ્વર્ય પ્રત્યે અતિશય આસક્તિ ધરાવે છે તથા આવી વસ્તુઓથી મોહગ્રસ્ત થઈ જાય છે, તેમના મનમાં પરમેશ્વરની ભક્તિમય સેવા વિષે દૃઢ સંક્લ્પ થતો નથી.

* * *

 

|| શ્લોક : ૪૫ ||

 

त्रैगुण्यविषया वेदा निस्त्रैगुण्यो भवार्जुन ।

निर्द्वन्द्वो नित्यसत्त्वस्थो निर्योगक्षेम आत्मवान् ॥ ४५ ॥

 

અનુવાદ

 

વેદોમાં મુખ્યત્વે ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણોનું વર્ણન થયું છે. હે અર્જુન, ત્રણ ગુણોથી પર થા. સર્વ દ્વન્દ્વોથી તેમજ લાભ તથા સુરક્ષાની બધી ચિંતાઓથી રહિત થઈને આત્મપરાયણ થા.

* * *

 

|| શ્લોક : ૪૬ ||

 

यावानर्थ उदपाने सर्वतः सम्प्लुतोदके ।

तावान्सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानतः ॥ ४६ ॥

 

અનુવાદ

 

જે જે હેતુઓ એક નાના કૂવાથી સરે છે તે બધા હેતુઓ વિશાળ જળાશયથી તરત પરિપૂર્ણ થઈ જાય છે. તે પ્રમાણે, વેદોમાં રહેલા ઉદેશને જાણનાર માટે વેદોના સર્વ આશયો સિદ્ધ થઈ જાય છે.

* * *

 

|| શ્લોક : ૪૭ ||

 

कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन ।

मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि ॥ ४७ ॥

 

અનુવાદ

 

તને તારું નિયત કર્તવ્ય કર્મ કરવાનો અધિકાર છે, પરંતુ તને કર્મનાં ફળો પર અધિકાર નથી. તું પોતાની જાતને કદાપિ પોતાનાં કર્મનાં ફળોનું કારણ માનીશ નહીં અને સ્વકર્મ કરવામાં પણ કદી આસક્ત થઈશ નહીં.

* * *

 

|| શ્લોક : ૪૮ ||

 

योगस्थः कुरु कर्माणि सङ्गं त्यक्त्वा धनञ्जय ।

सिद्ध्यसिद्ध्योः समो भूत्वा समत्वं योग उच्यते ॥ ४८ ॥

 

અનુવાદ

 

હે અર્જુન, યોગમાં સ્થિર રહે. સફળતા કે નિષ્ફળતાની સર્વ આસક્તિ છોડી દઈને તારાં કર્તવ્ય કર્મો કર. મનની આવી સમતા યોગ કહેવાય છે.

* * *

 

|| શ્લોક : ૪૯ ||

 

दूरेण ह्यवरं कर्म बुद्धियोगाद्धनञ्जय ।

बुद्धौ शरणमन्विच्छ कृपणाः फलहेतवः ॥ ४९ ॥

 

અનુવાદ

 

હે ધનંજય, ભક્તિમય સેવા દ્વારા બધાં નિંદ્ય કર્મથી દૂર રહી એવા ભાવથી ભગવાનને શરણાગત થા. જે લોકો પોતાનાં કર્મનાં ફળ ભોગવવાની ઇચ્છા રાખે છે, તેઓ કૃપણ છે.

* * *

 

|| શ્લોક : ૫૦ ||

 

बुद्धियुक्तो जहातीह उभे सुकृतदुष्कृते ।

तस्माद्योगाय युज्यस्व योगः कर्मसु कौशलम् ॥ ५० ॥

 

અનુવાદ

 

ભક્તિમય સેવામાં પરોવાયેલો મનુષ્ય, આ જીવનમાં જ સારાં કે નરસાં કાર્યોથી પોતાને મુક્ત કરી શકે છે. માટે યોગ અર્થે પ્રયાસ કર, કારણ કે યોગ જ કર્મનું કૌશલ્ય છે.

* * *

 

|| શ્લોક : ૫૧ ||

 

कर्मजं बुद्धियुक्ता हि फलं त्यक्त्वा मनीषिणः ।

जन्मबन्धविनिर्मुक्ताः पदं गच्छन्त्यनामयम् ॥ ५१ ॥

 

અનુવાદ

 

ભક્તિમય સેવામાં પરોવાયેલા મહાન ભક્તો ભગવાનનું  શરણ ગ્રહણ કરે છે અને આ ભૌતિક જગતમાં કર્મનાં ફળનો ત્યાગ કરીને પોતાની જાતને જન્મ-મરણના ચક્રમાંથી મુક્ત કરે છે. આ રીતે તેઓ (ભગવાનના ધામમાં પાછા જઈને ) સર્વ દુઃખોથી પાર એવું એ પદ પામે છે.

* * *

 

|| શ્લોક : ૫૨ ||

 

यदा ते मोहकलिलं बुद्धिर्व्यतितरिष्यति ।

तदा गन्तासि निर्वेदं श्रोतव्यस्य श्रुतस्य च ॥ ५२ ॥

 

અનુવાદ

 

જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી ગાઢ જંગલને પાર કરી જશે, ત્યારે તારે સર્વ સાંભળવા યોગ્ય બાકી તથા તેં સાંભળેલ હશે, તે પ્રત્યે તું ઉદાસીન થઈ જઈશ.

* * *

 

|| શ્લોક : ૫૩ ||

 

श्रुतिविप्रतिपन्ना ते यदा स्थास्यति निश्चला ।

समाधावचला बुद्धिस्तदा योगमवाप्स्यसि ॥ ५३ ॥

 

અનુવાદ

 

જ્યારે વેદોની અલંકારપ્રચુર ભાષાથી તારું મન વિચલિત થશે નહીં અને આત્મસાક્ષાત્કારની સમાધિમાં તે સ્થિર થઈ જશે, ત્યાર પછી તને દિવ્ય ચેતનારૂપ યોગ પ્રાપ્ત થશે.

* * *

 

|| શ્લોક : ૫૪ ||

 

अर्जुन उवाच ।

 

स्थितप्रज्ञस्य का भाषा समाधिस्थस्य केशव ।

स्थितधीः किं प्रभाषेत किमासीत व्रजेत किम् ॥ ५४ ॥

 

અનુવાદ

 

અર્જુને કહ્યું :

હે કૃષ્ણ, અધ્યાત્મમાં લીન થયેલી ચેતનાવાળા મનુષ્ય (સ્થિતપ્રજ્ઞ)નાં લક્ષણો કયાં છે? તે કેવી રીતે બોલે છે અને તેની ભાષા કેવી છે? તે કેવી રીતે બેસે છે અને કેવી રીતે ચાલે છે?

* * *

 

|| શ્લોક :  ૫૫ ||

 

श्रीभगवानुवाच ।

 

प्रजहाति यदा कामान्सर्वान्पार्थ मनोगतान् ।

आत्मन्येवात्मना तुष्टः स्थितप्रज्ञस्तदोच्यते ॥ ५५ ॥

 

અનુવાદ

 

પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા :

હે પાર્થ, મનુષ્ય જ્યારે મનમાં ઉદ્ભવતી ઇન્દ્રિયતૃપ્તિની સર્વ કામનાઓનો પરિત્યાગ કરે છે અને જ્યારે પ્રમાણે વિશુદ્ધ થયલું તેનું મન, આત્મામાં સંતોષ પ્રાપ્ત કરે છે, ત્યારે તે વિશુદ્ધ દિવ્ય ચેતનામાં રહેલો, સ્થિતપ્રજ્ઞ કહેવાય છે.

* * *

 

|| શ્લોક : ૫૬ || 

 

दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः ।

वीतरागभयक्रोधः स्थितधीर्मुनिरुच्यते ॥ ५६ ॥

 

અનુવાદ

 

જે મનુષ્ય, ત્રિવિધ સંતાપોમાં પણ મનમાં વિચલિત થતો નથી અથવા સુખ પમી રાજી થતો નથી અને જે આસક્તિ, ભય તથા ક્રોધથી મુક્ત છે, તે સ્થિર મનવાળો મુનિ કહેવાય છે.

* * *

 

|| શ્લોક : ૫૭ || 

 

यः सर्वत्रानभिस्नेहस्तत्तत्प्राप्य शुभाशुभम् ।

नाभिनन्दति न द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥ ५७ ॥

 

અનુવાદ

 

જે મનુષ્ય આસક્તિથી રહિત છે, જે શુભ પામી હરખાતો નથી તેમજ અશુભ પામી શોક કરતો નથી, તે પૂર્ણ જ્ઞાનમાં દૃઢપણે સ્થિર થયેલો છે.

* * *

 

|| શ્લોક : ૫૮ ||

 

यदा संहरते चायं कूर्मोऽङ्गानीव सर्वशः ।

इन्द्रियाणीन्द्रियार्थेभ्यस्तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥ ५८ ॥

 

અનુવાદ

 

જેવી રીતે કાચબો તેનાં સર્વ અંગોને પોતાનાં કોચલામાં સંકેલી લે છે, તેવી રીતે, જે મનુષ્ય પોતાની ઇન્દ્રિયોને વિષયોમાંથી ખેંચી લેવા શક્તિમાન બને છે, તે પૂર્ણ ચેતનામાં દૃઢતાપૂર્વક સ્થિર હોય છે.

* * *

 

|| શ્લોક : ૫૯ ||

 

विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः ।

रसवर्जं रसोऽप्यस्य परं दृष्ट्वा निवर्तते ॥ ५९ ॥

 

અનુવાદ

 

દેહધારી જીવને ઇન્દ્રિયભોગ પરત્વે ભલે પ્રતિબંધિત કરવામાં આવે, તો પણ પણ વિષયોને ભોગવવાની ઇચ્છા રહે છે. પરંતુ (કૃષ્ણભાવનામય) ઉત્કૃષ્ટ રસનો અનુભવ થયા પછી, વિષયોનો રસ જતો રહે છે અને તે ભક્તિમાં સ્થિર થઈ જાય છે.

* * *

 

|| શ્લોક : ૬૦ || 

 

यततो ह्यपि कौन्तेय पुरुषस्य विपश्चितः ।

इन्द्रियाणि प्रमाथीनि हरन्ति प्रसभं मनः ॥ ६० ॥

 

અનુવાદ

 

હે અર્જુન, ઇન્દ્રિયો એવી તો પ્રબળ તથા વેગવાન હોય છે કે તેમને વશમાં રાખવાનો પ્રયત્ન કરનાર વિવેકયુક્ત મનુષ્યનાં મનને પણ તે બળપૂર્વક હરી લે છે.

* * *

 

|| શ્લોક : ૬૧ ||

 

तानि सर्वाणि संयम्य युक्त आसीत मत्परः ।

वशे हि यस्येन्द्रियाणि तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥ ६१ ॥

 

અનુવાદ

 

જે મનુષ્ય સમગ્ર ઇન્દ્રિયોને સંપૂર્ણપણે નિયંત્રણમાં રાખીને ઇન્દ્રિયનિગ્રહ કરે છે અને તેની ચેતના મારામાં સ્થિર કરે છે, તે સ્થિર બુદ્ધિવાળો કહેવાય છે.

* * *

 

|| શ્લોક : ૬૨ ||

 

ध्यायतो विषयान्पुंसः सङ्गस्तेषूपजायते ।

सङ्गात्सञ्जायते कामः कामात्क्रोधोऽभिजायते ॥ ६२ ॥

 

અનુવાદ

 

ઇન્દ્રિયવિષયોનું ચિંતન કરવાથી, મનુષ્યને તેમાં આસક્તિ થાય છે અને આવી આસક્તિથી કામના ઉત્પન્ન થાય છે તથા કામમાંથી ક્રોધ ઉદ્ભવે છે.

* * *

 

|| શ્લોક : ૬૩ || 

 

क्रोधाद्भवति सम्मोहः सम्मोहात्स्मृतिविभ्रमः ।

स्मृतिभ्रंशाद् बुद्धिनाशो बुद्धिनाशात्प्रणश्यति ॥ ६३ ॥

 

અનુવાદ

 

ક્રોધમાંથી પૂર્ણ મોહ ઉત્પન્ન થાય છે અને મોહથી સ્મરણશક્તિનો વિભ્રમ થાય છે. જ્યારે સ્મરણશક્તિ ભ્રમિત થઈ જાય છે, ત્યારે બુદ્ધિ નષ્ટ થાય છે અને બુદ્ધિ નષ્ટ થવાથી મનુષ્ય સંસારકૂપમાં પુનઃ પતન પામે છે.

* * *

 

|| શ્લોક : ૬૪ ||

 

रागद्वेषविमुक्तैस्तु विषयानिन्द्रियैश्चरन् । 

आत्मवश्यैर्विधेयात्मा प्रसादमधिगच्छति ॥ ६४ ॥

 

અનુવાદ

 

પરંતુ સમસ્ત રાગ તથા દ્વેષથી મુક્ત અને મુક્તિના નીતિનિયમોના આચરણ દ્વારા, પોતાની ઇન્દ્રિયોને સંયમિત કરીને તેમને વશમાં રાખવામાં સમર્થ મનુષ્ય ભગવાનની પૂર્ણ કૃપા પ્રાપ્ત કરી શકે છે.

* * *

 

|| શ્લોક : ૬૫ ||

 

प्रसादे सर्वदुःखानां हानिरस्योपजायते ।

प्रसन्नचेतसो ह्याशु बुद्धिः पर्यवतिष्ठते ॥ ६५ ॥

 

અનુવાદ

 

પ્રમાણે કૃષ્ણભાવનામૃતમાં સંતુષ્ટ થયેલા મનુષ્ય માટે ભૌતિક અસ્તિત્વના ત્રિવિધ તાપ નષ્ટ થઈ જાય છે; આવી સંતુષ્ટ અવસ્થામાં, તેની બુદ્ધિ તરત સારી રીતે સ્થિર થઈ જાય છે.

* * *

 

|| શ્લોક : ૬૬ ||

 

नास्ति बुद्धिरयुक्तस्य न चायुक्तस्य भावना ।

न चाभावयतः शान्तिरशान्तस्य कुतः सुखम् ॥ ६६ ॥

 

અનુવાદ

 

કૃષ્ણભાવનાપરાયણ થઈને જે મનુષ્ય પરમેશ્વરના સંબંધમાં રહેતો નથી, તેની બુદ્ધિ દિવ્ય થતી નથી અને ચિત્ત પણ સંયમિત થતું નથી, જેના વિના શાંતિની કોઈ શક્યતા રહેતી નથી અને શાંતિ વિના, સુખ પણ કેવી રીતે સંભવે?

* * *

 

|| શ્લોક : ૬૭ ||

 

इन्द्रियाणां हि चरतां यन्मनोऽनुविधीयते ।

तदस्य हरति प्रज्ञां वायुर्नावमिवाम्भसि ॥ ६७ ॥

 

અનુવાદ

 

જેવી રીતે પાણીમાંની નૌકા પ્રબળ પવન દ્વારા દૂર ખેંચાઇ જાય છે, તેવી રીતે વિચરણશીલ ઇન્દ્રિયોમાંથી કોઈ એક પર પણ જો મન કેન્દ્રિત થાય, તો તે મનુષ્યની બુદ્ધિને હરી લે છે.

* * *

 

|| શ્લોક : ૬૮ ||

 

तस्माद्यस्य महाबाहो निगृहीतानि सर्वशः ।

इन्द्रियाणीन्द्रियार्थेभ्यस्तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥ ६८ ॥

 

અનુવાદ

 

તેથી હે મહાબાહુ, જે મનુષ્યની ઇન્દ્રિયો તેમના વિષયોમાંથી સંયમિત થયેલી હોય છે, તેની બુદ્ધિ નિઃસંદેહ સ્થિર હોય છે.

* * *

 

|| શ્લોક : ૬૯ || 

 

या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी ।

यस्यां जाग्रति भूतानि सा निशा पश्यतो मुनेः ॥ ६९ ॥

 

અનુવાદ

 

સર્વ જીવો માટે જે રાત્રિ છે, તે આત્મસંયમી મનુષ્ય માટે જાગતા રહેવાનો સમય છે અને જે સમસ્ત જીવોનો જાગવાનો સમય છે, તે આત્મનિરીક્ષણ કરનારા મુનિ માટે રાત્રિ છે.

* * *

 

|| શ્લોક : ૭૦ ||

 

आपूर्यमाणमचलप्रतिष्ठं

समुद्रमापः प्रविशन्ति यद्वत् ।

तद्वत्कामा यं प्रविशन्ति सर्वे

स शान्तिमाप्नोति न कामकामी ॥ ७० ॥

 

અનુવાદ

 

જેવી રીતે સમુદ્રમાં નદીઓ નિરંતર પ્રવેશ કરતી રહે છે, છતાં સમુદ્ર હંમેશાં સ્થિર રહે છે, તેમ વાસનાઓના અવિરત પ્રવાહથી વિચલિત નહીં થનાર મનુષ્ય શાંતિ પ્રાપ્ત કરી શકે છે, પરંતુ આવી ઇચ્છાઓને સંતુષ્ટ કરવા મથતો મનુષ્ય શાંતિ પ્રાપ્ત કરી શકતો નથી.

* * *

 

|| શ્લોક : ૭૧ || 

 

विहाय कामान्यः सर्वान्पुमांश्चरति निःस्पृहः ।

निर्ममो निरहङ्कारः स शान्तिमधिगच्छति ॥ ७१ ॥

 

અનુવાદ

 

જે મનુષ્ય ઇન્દ્રિયતૃપ્તિની સમસ્ત ઇચ્છાઓનો ત્યાગ કર્યો છે, જે નિઃસ્પૃહ રહે છે અને જેણે સ્વામિત્વના ભાવનો સર્વથા ત્યાગ કરી દીધો છે તથા મિથ્યા અહંકારથી રહિત થયલો છે, તે વાસ્તવિક શાંતિ પ્રાપ્ત કરી શકે છે.

* * *

 

|| શ્લોક : ૭૨ ||

 

एषा ब्राह्मी स्थितिः पार्थ नैनां प्राप्य विमुह्यति ।

स्थित्वास्यामन्तकालेऽपि ब्रह्मनिर्वाणमृच्छति ॥ ७२ ॥

  

અનુવાદ

 

આધ્યાત્મિક તથા ઈશ્વરમય જીવનનો માર્ગ છે, જેને પામ્યા પછી મનુષ્ય મોહવશ થતો નથી. જો મનુષ્ય મરણ સમયે પણ આવી અવસ્થામાં રહે, તો તે ભગવાનના ધામમાં પ્રવેશ પામી શકે છે.

* * *

 

तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु

ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे

साङ्ख्ययोगो नाम द्वितीयोऽध्यायः ॥ २॥

॥ જય શ્રી કૃષ્ણ ॥
——————

♣ ♣ ♣