|| શ્લોક : ૧ ||
अर्जुन उवाच ।
संन्यासस्य महाबाहो तत्त्वमिच्छामि वेदितुम् ।
त्यागस्य च हृषीकेश पृथक्केशिनिषूदन ॥ १ ॥
અનુવાદ
અર્જુને કહ્યું :
હે મહાબાહુ, હું સંન્યાસ(ત્યાગ)નો ઉદ્દેશ્ય જાણવા ઇચ્છું છું અને હે કેશિનિહૂદન, હે ઋષિકેશ, હું ત્યાગમય જીવન (સંન્યાસ આશ્રમ) વિષે પણ જાણવા ઇચ્છું છું.
♣ ♣ ♣
|| શ્લોક : ૨ ||
श्रीभगवानुवाच ।
काम्यानां कर्मणां न्यासं संन्यासं कवयो विदुः ।
सर्वकर्मफलत्यागं प्राहुस्त्यागं विचक्षणाः ॥ २ ॥
અનુવાદ
પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા :
ભૌતિક ઇચ્છા પર આધારિત કાર્યોના પરિત્યાગને વિદ્વાનો સંન્યાસ કહે છે અને સર્વ કર્મોનાં ફળત્યાગને બુદ્ધિશાળી લોકો ત્યાગ કહે છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૩ ||
त्याज्यं दोषवदित्येके कर्म प्राहुर्मनीषिणः ।
यज्ञदानतपःकर्म न त्याज्यमिति चापरे ॥ ३ ॥
અનુવાદ
કેટલાક વિદ્વાનો જણાવે છે કે સર્વ પ્રકારનાં સકામ કર્મોને દોષપૂર્ણ ગણી ત્યજવાં જોઈએ. છતાં અન્ય વિદ્વાનો માને છે કે યજ્ઞ, દાન તથા તપનાં કાર્યો કદાપિ ત્યજવાં ન જોઈએ.
♣ ♣ ♣
|| શ્લોક : ૪ ||
निश्चयं शृणु मे तत्र त्यागे भरतसत्तम ।
त्यागो हि पुरुषव्याघ्र त्रिविधः सम्प्रकीर्तितः ॥ ४ ॥
અનુવાદ
હે ભરતશ્રેષ્ઠ, હવે ત્યાગ વિષે મારો નિર્ણય સાંભળ. હે નરશાર્દૂલ, શાસ્ત્રોમાં ત્યાગ ત્રણ પ્રકારનો કહેવામાં આવ્યો છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૫ ||
यज्ञदानतपःकर्म न त्याज्यं कार्यमेव तत् ।
यज्ञो दानं तपश्चैव पावनानि मनीषिणाम् ॥ ५ ॥
અનુવાદ
યજ્ઞ, દાન તથા તપનાં કાર્યોનો કદાપિ ત્યાગ કરવો ન જોઈએ, પણ તે અવશ્ય કરવાં જોઈએ. ખરેખર, યજ્ઞ, દાન તથા તપ મહાત્માઓને પણ શુદ્ધ કરે છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૬ ||
एतान्यपि तु कर्माणि सङ्गं त्यक्त्वा फलानि च ।
कर्तव्यानीति मे पार्थ निश्चितं मतमुत्तमम् ॥ ६ ॥
અનુવાદ
આ બધાં કાર્યો કોઈ પણ પ્રકારની આસક્તિ કે ફળની આશા રાખ્યા વગર કરવાં જોઈએ. હે પૃથાપુત્ર, આ કાર્યો કર્તવ્ય સમજીને કરવાં જોઈએ. આ જ મારો અંતિમ મત છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૭ ||
नियतस्य तु संन्यासः कर्मणो नोपपद्यते ।
मोहात्तस्य परित्यागस्तामसः परिकीर्तितः ॥ ७ ॥
અનુવાદ
નિર્દિષ્ટ કર્તવ્યોને કદાપિ ત્યજવાં ન જોઈએ. જો કોઈ મનુષ્ય મોહવશ પોતાનાં નિયત કર્તવ્યો તજી દે છે, તો એવા ત્યાગને તામસી કહેવામાં આવે છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૮ ||
दुःखमित्येव यत्कर्म कायक्लेशभयात्त्यजेत् ।
स कृत्वा राजसं त्यागं नैव त्यागफलं लभेत् ॥ ८ ॥
અનુવાદ
જે મનુષ્ય નિયત કર્મોને કષ્ટપ્રદ સમજીને કે શારીરિક ક્લેશના ભયથી ત્યજી દે છે, તો તેને માટે કહેવાય છે કે તેણે આ ત્યાગ રજોગુણમાં કર્યો છે. આમ કરવાથી ત્યાગનું ઉચ્ચ ફળ કદાપિ મળતું નથી.
♣ ♣ ♣
|| શ્લોક : ૯ ||
कार्यमित्येव यत्कर्म नियतं क्रियतेऽर्जुन ।
सङ्गं त्यक्त्वा फलं चैव स त्यागः सात्त्विको मतः ॥ ९ ॥
અનુવાદ
હે અર્જુન, મનુષ્ય જ્યારે નિયત કર્મને કર્તવ્ય સમજીને કરે છે અને સમસ્ત ભૌતિક સંગ તથા ફળની આસક્તિનો સર્વથા ત્યાગ કરે છે, ત્યારે તેનો ત્યાગ સાત્ત્વિક કહેવાય છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૧૦ ||
न द्वेष्ट्यकुशलं कर्म कुशले नानुषज्जते ।
त्यागी सत्त्वसमाविष्टो मेधावी छिन्नसंशयः ॥ १० ॥
અનુવાદ
સત્ત્વગુણમાં સ્થિત બુદ્ધિમાન ત્યાગી કે જે અશુભ કર્મ પ્રતિ ઘૃણા કરતો નથી કે શુભ કાર્યમાં લિપ્ત થતો નથી. તે કર્મ બાબત કોઈ સંદેહ ધરાવતો નથી.
♣ ♣ ♣
|| શ્લોક : ૧૧ ||
न हि देहभृता शक्यं त्यक्तुं कर्माण्यशेषतः ।
यस्तु कर्मफलत्यागी स त्यागीत्यभिधीयते ॥ ११ ॥
અનુવાદ
ખરેખર, કોઈ પણ દેહધારી માટે સર્વ કર્મોનો ત્યાગ કરવો અશક્ય છે. પરંતુ જે મનુષ્ય કર્મનાં ફળનો ત્યાગ કરે છે, તે જ વાસ્તવમાં ત્યાગી કહેવાય છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૧૨ ||
अनिष्टमिष्टं मिश्रं च त्रिविधं कर्मणः फलम् ।
भवत्यत्यागिनां प्रेत्य न तु संन्यासिनां क्वचित् ॥ १२ ॥
અનુવાદ
જે ત્યાગી નથી તેને માટે ઇચ્છિત (ઇષ્ટ), અનિચ્છિત (અનિષ્ટ) તથા મિશ્રિત એમ ત્રણ પ્રકારનાં કર્મફળ મૃત્યુ પછી મળે છે. પરંતુ જે સંન્યાસી છે, તેમને આવાં ફળનાં સુખ–દુઃખ ભોગવવાં પડતા નથી.
♣ ♣ ♣
|| શ્લોક : ૧૩ ||
पञ्चैतानि महाबाहो कारणानि निबोध मे ।
साङ्ख्ये कृतान्ते प्रोक्तानि सिद्धये सर्वकर्मणाम् ॥ १३ ॥
અનુવાદ
હે મહાબાહુ અર્જુન, વેદાંત અનુસાર સર્વ કર્મોની સિદ્ધિ માટે પાંચ કારણ હોય * છે. હવે તું મારી પાસેથી તે વિષે સાંભળ.
♣ ♣ ♣
|| શ્લોક : ૧૪ ||
अधिष्ठानं तथा कर्ता करणं च पृथग्विधम् ।
विविधाश्च पृथक्चेष्टा दैवं चैवात्र पञ्चमम् ॥ १४ ॥
અનુવાદ
કર્મનું સ્થાન (શરીર), કર્તા, વિભિન્ન ઇન્દ્રિયો અનેક પ્રકારના પ્રયાસો અને અંતે પરમાત્મા—આ પાંચ કર્મના કારણ છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૧૫ ||
शरीरवाङ्मनोभिर्यत्कर्म प्रारभते नरः ।
न्याय्यं वा विपरीतं वा पञ्चैते तस्य हेतवः ॥ १५ ॥
અનુવાદ
મનુષ્ય પોતાનાં શરીર, વાણી તથા મનથી જે કંઈ ઉચિત કે અનુચિત કર્મ કરે છે, તે આ પાંચ કારણોનાં પરિણામે થાય છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૧૬ ||
तत्रैवं सति कर्तारमात्मानं केवलं तु यः ।
पश्यत्यकृतबुद्धित्वान्न स पश्यति दुर्मतिः ॥ १६ ॥
અનુવાદ
માટે જે મનુષ્ય આ પાંચ કારણોનો વિચાર કર્યા વિના માત્ર પોતાને જ એકમાત્ર કર્તા માને છે, તે નિઃસંદેહ બુદ્ધિમાન નથી અને વસ્તુઓને યથાર્થરૂપે જોઈ શકતો નથી.
♣ ♣ ♣
|| શ્લોક : ૧૭ ||
यस्य नाहङ्कृतो भावो बुद्धिर्यस्य न लिप्यते ।
हत्वाऽपि स इमाँल्लोकान्न हन्ति न निबध्यते ॥ १७ ॥
અનુવાદ
જે મનુષ્ય મિથ્યા અહંકારથી પ્રેરાયેલો નથી, જેની બુદ્ધિ બદ્ધ થયેલી નથી, તે આ જગતમાં મનુષ્યોને હણતો હોવા છતાં હણતો નથી અને પોતાનાં કર્મોથી તે બંધનયુક્ત (બદ્ધ) પણ થતો નથી.
♣ ♣ ♣
|| શ્લોક : ૧૮ ||
ज्ञानं ज्ञेयं परिज्ञाता त्रिविधा कर्मचोदना ।
करणं कर्म कर्तेति त्रिविधः कर्मसङ्ग्रहः ॥ १८ ॥
અનુવાદ
જ્ઞાન, શેય તથા જ્ઞાતા, આ ત્રણે કર્મનાં પ્રેરક બળ છે; ઇન્દ્રિયો, કર્મ તથા કર્તા આ ત્રણ કર્મના સંઘટક છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૧૯ ||
ज्ञानं कर्म च कर्ता च त्रिधैव गुणभेदतः ।
प्रोच्यते गुणसङ्ख्याने यथावच्छृणु तान्यपि ॥ १९ ॥
અનુવાદ
ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણો પ્રમાણે જ જ્ઞાન, કર્મ તથા કર્તાના ત્રણ ત્રણ પ્રકાર હોય છે. હવે તેમના વિષે મારી પાસેથી સાંભળ.
♣ ♣ ♣
|| શ્લોક : ૨૦ ||
सर्वभूतेषु येनैकं भावमव्ययमीक्षते ।
अविभक्तं विभक्तेषु तज्ज्ञानं विद्धि सात्त्विकम् ॥ २० ॥
અનુવાદ
જે જ્ઞાનથી અસંખ્ય રૂપોમાં વિભક્ત થયેલાં સર્વ જીવોમાં એક જ અવિભક્ત આધ્યાત્મિક પ્રકૃતિ જોવામાં આવે છે, તે જ્ઞાનને સાત્ત્વિક જાણવું.
♣ ♣ ♣
|| શ્લોક : ૨૧ ||
पृथक्त्वेन तु यज्ज्ञानं नानाभावान्पृथग्विधान् ।
वेत्ति सर्वेषु भूतेषु तज्ज्ञानं विद्धि राजसम् ॥ २१ ॥
અનુવાદ
જે જ્ઞાનથી મનુષ્ય જુદાં જુદાં શરીરોમાં જુદાં જુદાં પ્રકારના જીવ જુએ છે, તે જ્ઞાનને તું રજોગુણી જાણ.
♣ ♣ ♣
|| શ્લોક : ૨૨ ||
यत्तु कृत्स्नवदेकस्मिन्कार्ये सक्तमहैतुकम् ।
अतत्त्वार्थवदल्पं च तत्तामसमुदाहृतम् ॥ २२ ॥
અનુવાદ
અને તે જ્ઞાન તામસી કહેવાય છે કે જેનાથી મનુષ્ય અતિ તુચ્છ એવાં કોઈ એક પ્રકારના કાર્યને સર્વેસર્વા માનીને તથા સત્યને જાણ્યા વિના તેમાં જ આસક્ત રહે છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૨૩ ||
नियतं सङ्गरहितमरागद्वेषतः कृतम् ।
अफलप्रेप्सुना कर्म यत्तत्सात्त्विकमुच्यते ॥ २३ ॥
અનુવાદ
જે કર્મ નિયત થયેલું છે અને જે આસક્તિ, રાગ કે દ્વેષથી રહિત અને ફળની ઇચ્છા રાખ્યા વગર કરવામાં આવે છે, તે સાત્ત્વિક કહેવાય છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૨૪ ||
यत्तु कामेप्सुना कर्म साहङ्कारेण वा पुनः ।
क्रियते बहुलायासं तद्राजसमुदाहृतम् ॥ २४ ॥
અનુવાદ
પરંતુ જે કાર્ય પોતાની ઇચ્છાતૃપ્તિ માટે મહાન પ્રયાસથી અને મિથ્યા અહંકારના ભાવથી કરાય છે, તે રજોગુણી કહેવાય છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૨૫ ||
अनुबन्धं क्षयं हिंसामनपेक्ष्य च पौरुषम् ।
मोहादारभ्यते कर्म यत्तत्तामसमुच्यते ॥ २५ ॥
અનુવાદ
જે કર્મ મોહવશ, શાસ્ત્રોક્ત આદેશોની અવગણના કરીને અને ભાવિ બંધનની પરવા કર્યા વિના અથવા હિંસા કે બીજાને દુઃખ આપવા માટે કરવામાં આવે છે, તે તામસી કહેવાય છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૨૬ ||
मुक्तसङ्गोऽनहंवादी धृत्युत्साहसमन्वितः ।
सिद्ध्यसिद्ध्योर्निर्विकारः कर्ता सात्त्विक उच्यते ॥ २६ ॥
અનુવાદ
જે મનુષ્ય ભૌતિક ગુણોના સંસર્ગથી રહિત, અહંકાર વગર, ધૈર્ય તથા ઉત્સાહપૂર્વક પોતાનાં કર્મ કરે છે અને સફળતા કે નિષ્ફળતામાં અવિચલિત રહે છે, તે સાત્ત્વિક કર્તા કહેવાય છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૨૭ ||
रागी कर्मफलप्रेप्सुर्लुब्धो हिंसात्मकोऽशुचिः ।
हर्षशोकान्वितः कर्ता राजसः परिकीर्तितः ॥ २७ ॥
અનુવાદ
જે કર્તા કર્મ તથા કર્મફળમાં આસક્તિ રાખીને ફળો ભોગવવાની ઇચ્છા રાખે તથા જે લોભી, હંમેશાં ઈર્ષા કરનાર, અપવિત્ર તથા સુખ–દુઃખથી વિચલિત થનારો હોય છે, તે રાજસી અર્થાત્ રજોગુણી કહેવાય છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૨૮ ||
अयुक्तः प्राकृतः स्तब्धः शठो नैष्कृतिकोऽलसः ।
विषादी दीर्घसूत्री च कर्ता तामस उच्यते ॥ २८ ॥
અનુવાદ
જે કર્તા હંમેશાં શાસ્ત્રાજ્ઞા વિરુદ્ધ કર્મ કરે છે, જે ભૌતિકતાવાદી, જિદ્દી, કપટી તથા અન્ય લોકોનું અપમાન કરવામાં કાબેલ હોય છે અને જે સદા આળસુ, ખિન્ન તથા કામ કરવામાં નાહક ઢીલ કરનાર હોય છે, તે તમોગુણી કહેવાય છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૨૯ ||
बुद्धेर्भेदं धृतेश्चैव गुणतस्त्रिविधं शृणु ।
प्रोच्यमानमशेषेण पृथक्त्वेन धनञ्जय ॥ २९ ॥
અનુવાદ
હે ધનંજય, હવે તને ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણો અનુસાર વિભિન્ન પ્રકારની બુદ્ધિ તથા ધૃતિ વિષે વિસ્તારથી કહીશ, તે કૃપા કરી સાંભળ.
♣ ♣ ♣
|| શ્લોક : ૩૦ ||
प्रवृत्तिं च निवृत्तिं च कार्याकार्ये भयाभये ।
बन्धं मोक्षं च या वेत्ति बुद्धिः सा पार्थ सात्त्विकी ॥ ३० ॥
અનુવાદ
હે પાર્થ, જે સમજણ દ્વારા મનુષ્ય જાણી શકે કે શું કરવા યોગ્ય છે અને શું કરવા યોગ્ય નથી, શેનો ભય રાખવો જોઈએ અને શેનાથી ભય પામવું ન જોઈએ, શું બંધનકર્તા છે અને શું મુક્તિ આપનાર છે, તે સત્ત્વગુણમાં રહેલી બુદ્ધિ છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૩૧ ||
यया धर्ममधर्मं च कार्यं चाकार्यमेव च ।
अयथावत्प्रजानाति बुद्धिः सा पार्थ राजसी ॥ ३१ ॥
અનુવાદ
હે પૃથાપુત્ર, જે બુદ્ધિ ધર્મ તથા અધર્મ, કરવા યોગ્ય તથા કરવા માટે અયોગ્ય કર્મનો ભેદ કરી શકતી નથી, તે રાજસી અર્થાત્ રજોગુણી હોય છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૩૨ ||
अधर्मं धर्ममिति या मन्यते तमसावृता ।
सर्वार्थान्विपरीतांश्च बुद्धिः सा पार्थ तामसी ॥ ३२ ॥
અનુવાદ
જે બુદ્ધિ મોહ તથા અંધકારને વશ થઈને, અધર્મને ધર્મ તથા ધર્મને અધર્મ માને છે અને હંમેશાં અવળી દિશામાં પ્રયાસ કરે છે તે, હે પાર્થ, તામસી બુદ્ધિ છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૩૩ ||
धृत्या यया धारयते मनःप्राणेन्द्रियक्रियाः ।
योगेनाव्यभिचारिण्या धृतिः सा पार्थ सात्त्विकी ॥ ३३ ॥
અનુવાદ
હે પૃથાપુત્ર, જે અતૂટ છે, જેને યોગાભ્યાસ દ્વારા અચળ રહીને ધારણ કરાય છે અને એ રીતે જે મન, પ્રાણ તથા ઇન્દ્રિયોનાં કાર્યોને નિયંત્રણમાં રાખે છે, તે ધૃતિ સાત્ત્વિક કહેવાય છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૩૪ ||
यया तु धर्मकामार्थान्धृत्या धारयतेऽर्जुन ।
प्रसङ्गेन फलाकाङ्क्षी धृतिः सा पार्थ राजसी ॥ ३४ ॥
અનુવાદ
પરંતુ હે અર્જુન, જે ધૃતિ વડે મનુષ્ય ધર્મ, અર્થ તથા કામનાં ફળોમાં સદા લિપ્ત રહેતો હોય છે, તે રજોગુણી હોય છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૩૫ ||
यया स्वप्नं भयं शोकं विषादं मदमेव च ।
न विमुञ्चति दुर्मेधा धृतिः सा पार्थ तामसी ॥ ३५ ॥
અનુવાદ
હે પાર્થ, જે ધૃતિ સ્વપ્ન, ભય, શોક, વિષાદ તથા મોહની પેલે પાર જતી નથી, એવી દુર્બુદ્ધિપૂર્ણ કૃતિ તમોગુણી હોય છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૩૬ ||
सुखं त्विदानीं त्रिविधं शृणु मे भरतर्षभ ।
अभ्यासाद्रमते यत्र दुःखान्तं च निगच्छति ॥ ३६ ॥
અનુવાદ
હે ભરતશ્રેષ્ઠ, હવે મારી પાસેથી ત્રણ પ્રકારનાં સુખો વિષે સાંભળ કે જેમના વડે બદ્ધ જીવ ભોગ કરે છે અને જેનાથી કેટલીક વખત તેનાં દુઃખનો અંત આવે છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૩૭ ||
यत्तदग्रे विषमिव परिणामेऽमृतोपमम् ।
तत्सुखं सात्त्विकं प्रोक्तमात्मबुद्धिप्रसादजम् ॥ ३७ ॥
અનુવાદ
જે શરૂઆતમાં ઝેર જેવું લાગે છે, પરંતુ અંતે અમૃત સમાન હોય છે તથા મનુષ્યમાં આત્મ–સાક્ષાત્કાર જાગૃત કરે છે, તે સાત્ત્વિક સુખ કહેવાય છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૩૮ ||
विषयेन्द्रियसंयोगाद्यत्तदग्रेऽमृतोपमम् ।
परिणामे विषमिव तत्सुखं राजसं स्मृतम् ॥ ३८ ॥
અનુવાદ
જે સુખ ઇન્દ્રિયો દ્વારા તેમના વિષયોના સંસર્ગથી પ્રાપ્ત થાય છે અને જે શરૂઆતમાં અમૃત જેવું પણ અંતે ઝેર જેવું હોય છે, તે રજોગુણી કહેવાય છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૩૯ ||
यदग्रे चानुबन्धे च सुखं मोहनमात्मनः ।
निद्रालस्यप्रमादोत्थं तत्तामसमुदाहृतम् ॥ ३९ ॥
અનુવાદ
અને જે સુખ આત્મ–સાક્ષાત્કાર પ્રતિ અંધ છે, જે શરૂઆતથી અંત સુધી ભ્રમણા ૪ છે અને જે નિદ્રા, આળસ તથા પ્રમાદમાંથી ઉત્પન્ન થાય છે, તે તામસી કહેવાય છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૪0 ||
न तदस्ति पृथिव्यां वा दिवि देवेषु वा पुनः ।
सत्त्वं प्रकृतिजैर्मुक्तं यदेभिः स्यात्त्रिभिर्गुणैः ॥ ४० ॥
અનુવાદ
આ પૃથ્વીલોકમાં, સ્વર્ગલોકમાં કે દેવોમાં કોઈ પણ એવી વ્યક્તિ વિદ્યમાન નથી કે જે પ્રકૃતિના ત્રણ ગુણોથી મુક્ત હોય.
♣ ♣ ♣
|| શ્લોક : ૪૧ ||
ब्राह्मणक्षत्रियविशां शूद्राणां च परन्तप ।
कर्माणि प्रविभक्तानि स्वभावप्रभवैर्गुणैः ॥ ४१ ॥
અનુવાદ
હે પરંતપ, બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો તથા શૂદ્રોમાં ભૌતિક પ્રકૃતિના ગુણો દ્વારા ઉત્પન્ન થયેલા તેમના સ્વભાવ પ્રમાણે ભેદ કરવામાં આવે છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૪૨ ||
शमो दमस्तपः शौचं क्षान्तिरार्जवमेव च ।
ज्ञानं विज्ञानमास्तिक्यं ब्रह्मकर्म स्वभावजम् ॥ ४२ ॥
અનુવાદ
શાંતિપ્રિયતા, આત્મસંયમ, તપ, પવિત્રતા, સહિષ્ણુતા, સત્યનિષ્ઠા, જ્ઞાન, વિજ્ઞાન તથા ધાર્મિકતા–આ સર્વ સ્વાભાવિક ગુણો છે કે જેમના થકી બ્રાહ્મણો કર્મ કરે છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૪૩ ||
शौर्यं तेजो धृतिर्दाक्ष्यं युद्धे चाप्यपलायनम् ।
दानमीश्वरभावश्च क्षात्रं कर्म स्वभावजम् ॥ ४३ ॥
અનુવાદ
વીરતા, શક્તિ, સંકલ્પ, દક્ષતા, યુદ્ધમાં ધૈર્ય, ઉદારતા તથા નેતૃત્વ, આ ક્ષત્રિયોના સ્વાભાવિક ગુણો છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૪૪ ||
कृषिगौरक्ष्यवाणिज्यं वैश्यकर्म स्वभावजम् ।
परिचर्यात्मकं कर्म शूद्रस्यापि स्वभावजम् ॥ ४४ ॥
અનુવાદ
ખેતી, ગોરક્ષા અને વેપાર વૈશ્યોનાં સ્વાભાવિક કર્મ છે અને શ્રમ તથા બીજાઓની સેવા કરવી એ શૂદ્રોનાં કર્મ છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૪૫ ||
स्वे स्वे कर्मण्यभिरतः संसिद्धिं लभते नरः ।
स्वकर्मनिरतः सिद्धिं यथा विन्दति तच्छृणु ॥ ४५ ॥
અનુવાદ
દરેક મનુષ્ય પોતપોતાનાં કર્મના ગુણોનું પાલન કરીને પૂર્ણતા પામી શકે છે. હવે આ કેવી રીતે કરી શકાય છે, તે મારી પાસેથી સાંભળ.
♣ ♣ ♣
|| શ્લોક : ૪૬ ||
यतः प्रवृत्तिर्भूतानां येन सर्वमिदं ततम् ।
स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानवः ॥ ४६ ॥
અનુવાદ
જે જીવમાત્રનું ઉદ્દ્ભવસ્થાન છે અને જે સર્વવ્યાપી છે, તે ભગવાનની ઉપાસના કરીને મનુષ્ય પોતાનાં નિયત કર્મો કરતો રહીને પૂર્ણત્વ પ્રાપ્ત કરી શકે છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૪૭ ||
श्रेयान्स्वधर्मो विगुणः परधर्मात्स्वनुष्ठितात् ।
स्वभावनियतं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम् ॥ ४७ ॥
અનુવાદ
અન્ય કોઈના સ્વધર્મરૂપ કર્મને સ્વીકારીને તેને સારી રીતે કરવા કરતાં પોતાના નિયત સ્વધર્મરૂપ કર્મને કરતા રહેવું વધારે સારું છે, ભલે પછી તે ક્ષતિયુક્ત રીતે કરવામાં આવતું હોય. પોતાના સ્વભાવ પ્રમાણેનું નિર્દિષ્ટ કર્મ કદાપિ પાપથી પ્રભાવિત થતું નથી.
♣ ♣ ♣
|| શ્લોક : ૪૮ ||
सहजं कर्म कौन्तेय सदोषमपि न त्यजेत् ।
सर्वारम्भा हि दोषेण धूमेनाग्निरिवावृताः ॥ ४८ ॥
અનુવાદ
જેવી રીતે અગ્નિ ધુમાડાથી આવૃત હોય છે, તેવી રીતે દરેક પ્રયાસ કોઈક દોષથી આવૃત હોય છે. માટે હે અર્જુન, મનુષ્ય સ્વભાવજન્ય કર્મનો ત્યાગ કરવો જોઈએ નહીં, ભલેને તે દોષોથી ભરપૂર હોય.
♣ ♣ ♣
|| શ્લોક : ૪૯ ||
असक्तबुद्धिः सर्वत्र जितात्मा विगतस्पृहः ।
नैष्कर्म्यसिद्धिं परमां संन्यासेनाधिगच्छति ॥ ४९ ॥
અનુવાદ
જે આત્મસંયમી તથા અનાસક્ત છે અને જે સર્વ ભૌતિક ભોગોની પરવા કરતો નથી, તે સંન્યાસના અભ્યાસ દ્વારા કર્મફળમાંથી મુક્તિની સર્વોચ્ચ સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરે છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૫૦ ||
सिद्धिं प्राप्तो यथा ब्रह्म तथाप्नोति निबोध मे ।
समासेनैव कौन्तेय निष्ठा ज्ञानस्य या परा ॥ ५० ॥
અનુવાદ
હે કુંતીપુત્ર, જે મનુષ્ય આ પૂર્ણતા પામ્યો છે, તે હવે સર્વોચ્ચ સિદ્ધાવસ્થારૂપ, સર્વોચ્ચ જ્ઞાનના સ્તરરૂપ આ બ્રહ્મને કેવી રીતે પામી શકે છે, તેની પદ્ધતિ હવે હું સંક્ષેપમાં વર્ણવીશ, તે તું મારી પાસેથી જાણ.
♣ ♣ ♣
|| શ્લોક : ૫૧, ૫૨, ૫૩ ||
बुद्ध्या विशुद्धया युक्तो धृत्यात्मानं नियम्य च ।
शब्दादीन्विषयांस्त्यक्त्वा रागद्वेषौ व्युदस्य च ॥ ५१ ॥
विविक्तसेवी लघ्वाशी यतवाक्कायमानसः ।
ध्यानयोगपरो नित्यं वैराग्यं समुपाश्रितः ॥ ५२ ॥
अहङ्कारं बलं दर्पं कामं क्रोधं परिग्रहम् ।
विमुच्य निर्ममः शान्तो ब्रह्मभूयाय कल्पते ॥ ५३ ॥
અનુવાદ
પોતાની બુદ્ધિથી શુદ્ધ થઈને તથા ધૈર્યપૂર્વક મનને સંયમમાં રાખીને, ઇન્દ્રિયતૃપ્તિના વિષયોનો ત્યાગ કરીને, રાગ તથા દ્વેષથી મુક્ત થઈને, જે મનુષ્ય એકાંત સ્થાનમાં નિવાસ કરે છે, જે અલ્પાહારી છે, જે પોતાનાં શરીર, મન તથા વાણીને વશમાં રાખે છે, સદા સમાધિમાં રહે છે, સંપૂર્ણપણે વિરક્ત છે, મિથ્યા અહંકાર, મિથ્યા શક્તિ, મિથ્યા ગર્વ, કામ, ક્રોધ તથા ભૌતિક વસ્તુઓના સંગ્રહથી મુક્ત છે, જે મિથ્યા સ્વામિત્વના ભાવથી રહિત અને શાંત છે, તે આત્મ–સાક્ષાત્કારના પદને પામે છે એમાં સંદેહ નથી.
♣ ♣ ♣
|| શ્લોક : ૫૪ ||
ब्रह्मभूतः प्रसन्नात्मा न शोचति न काङ्क्षति ।
समः सर्वेषु भूतेषु मद्भक्तिं लभते पराम् ॥ ५४ ॥
અનુવાદ
આ પ્રમાણે જે દિવ્ય અવસ્થામાં રહેલો હોય છે, તે તરત જ પરમ બ્રહ્મની અનુભૂતિ કરે છે અને પૂર્ણપણે આનંદમય બને છે. તે કદાપિ શોક કરતો નથી કે કશાયની કામના પણ કરતો નથી. તે જીવમાત્ર પર સમભાવ રાખે છે. તે અવસ્થામાં તે મારી શુદ્ધ ભક્તિ પામે છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૫૫ ||
भक्त्या मामभिजानाति यावान्यश्चास्मि तत्त्वतः ।
ततो मां तत्त्वतो ज्ञात्वा विशते तदनन्तरम् ॥ ५५ ॥
અનુવાદ
મને કેવળ ભક્તિ દ્વારા જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે મૂળરૂપે જાણી શકાય છે, અને આવી ભક્તિ વડે જ્યારે મનુષ્ય મારી પૂર્ણ ચેતનામાં હોય છે, ત્યારે તે વૈકુંઠ જગતમાં પ્રવેશ કરી શકે છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૫૬ ||
सर्वकर्माण्यपि सदा कुर्वाणो मद्व्यपाश्रयः ।
मत्प्रसादादवाप्नोति शाश्वतं पदमव्ययम् ॥ ५६ ॥
અનુવાદ
મારાં રક્ષણમાં રહેલો મારો શુદ્ધ ભક્ત, બધા પ્રકારનાં કાર્યો કરતો હોવા છતાં, મારી કૃપાથી સનાતન તથા અવિનાશી ધામને પ્રાપ્ત કરે છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૫૭ ||
चेतसा सर्वकर्माणि मयि संन्यस्य मत्परः ।
बुद्धियोगमुपाश्रित्य मच्चित्तः सततं भव ॥ ५७ ॥
અનુવાદ
બધાં કાર્યોમાં મારી ઉપર આધાર રાખ અને મારાં સંરક્ષણમાં સર્વ કાર્યો કર. આવી ભક્તિસભર સેવામાં લાગેલો રહી સદા ચિત્તને મારામાં પરોવેલું રાખ.
♣ ♣ ♣
|| શ્લોક : ૫૮ ||
मच्चित्तः सर्वदुर्गाणि मत्प्रसादात्तरिष्यसि ।
अथ चेत्त्वमहङ्कारान्न श्रोष्यसि विनङ्क्ष्यसि ॥ ५८ ॥
અનુવાદ
જો તું મારાંમાં ચિત્તવાળો થઈશ, તો તું મારી કૃપાથી બદ્ધ જીવનનાં સર્વ વિઘ્નોને ઓળંગી જઈશ. પરંતુ જો મિથ્યા અહંકારવશ તું આવી ચેતના(ભાવના)માં કાર્ય કરીશ નહીં અને મારી વાત સાંભળીશ નહીં તો તું નષ્ટ થઈ જઈશ.
♣ ♣ ♣
|| શ્લોક : ૫૯ ||
यदहङ्कारमाश्रित्य न योत्स्य इति मन्यसे ।
मिथ्यैष व्यवसायस्ते प्रकृतिस्त्वां नियोक्ष्यति ॥ ५९ ॥
અનુવાદ
જો તું મારા આદેશાનુસાર કર્મ નહીં કરે અને લડીશ નહીં, તો તું ગેરમાર્ગે તું દોરવાઇશ. પોતાના સ્વભાવે કરીને તારે યુદ્ધમાં જોડાવું પડશે.
♣ ♣ ♣
|| શ્લોક : ૬૦ ||
स्वभावजेन कौन्तेय निबद्धः स्वेन कर्मणा ।
कर्तुं नेच्छसि यन्मोहात्करिष्यस्यवशोऽपि तत् ॥ ६० ॥
અનુવાદ
અત્યારે તું મોહવશ મારા નિર્દેશ પ્રમાણે કર્મ કરવાની ના પાડી રહ્યો છે. પરંતુ હે કુંતીપુત્ર, તારા પોતાના સ્વભાવજન્ય કર્મથી વિવશ બનીને તું તે જ કરીશ.
♣ ♣ ♣
|| શ્લોક : ૬૧ ||
ईश्वरः सर्वभूतानां हृद्देशेऽर्जुन तिष्ठति ।
भ्रामयन्सर्वभूतानि यन्त्रारूढानि मायया ॥ ६१ ॥
અનુવાદ
હે અર્જુન, પરમેશ્વર જીવમાત્રનાં હૃદયમાં વસે છે અને ભૌતિક શક્તિના બનેલાં યંત્ર પર આરૂઢ થયેલા સર્વ જીવોને પોતાની માયાથી ભ્રમણ કરાવી રહ્યા છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૬૨ ||
तमेव शरणं गच्छ सर्वभावेन भारत ।
तत्प्रसादात्परां शान्तिं स्थानं प्राप्स्यसि शाश्वतम् ॥ ६२ ॥
અનુવાદ
હે ભારત, સર્વથા સંપૂર્ણપણે તેમના જ શરણે જા. તેમની કૃપાથી તું પરમ શાંતિ તથા સર્વોપરી સનાતન ધામ પ્રાપ્ત કરીશ.
♣ ♣ ♣
|| શ્લોક : ૬૩ ||
इति ते ज्ञानमाख्यातं गुह्याद्गुह्यतरं मया ।
विमृश्यैतदशेषेण यथेच्छसि तथा कुरु ॥ ६३ ॥
અનુવાદ
આ પ્રમાણે મેં તને ગુહ્યતમ જ્ઞાન વિષે સમજૂતી આપી છે. આ વિષે પૂરું મનન કર અને પછી તારી જેવી ઇચ્છા હોય તેમ કર.
♣ ♣ ♣
|| શ્લોક : ૬૪ ||
सर्वगुह्यतमं भूयः शृणु मे परमं वचः ।
इष्टोऽसि मे दृढमिति ततो वक्ष्यामि ते हितम् ॥ ६४ ॥
અનુવાદ
તું મારો ખૂબ જ વહાલો મિત્ર છે, તેથી હું તને મારો અત્યંત ઉપદેશ કહી રહ્યો છું. તે તું મારી પાસેથી સાંભળ, કારણ કે તે તારા માટે હિતકારક ગુહ્ય એવો પરમ છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૬૫ ||
मन्मना भव मद्भक्तो मद्याजी मां नमस्कुरु ।
मामेवैष्यसि सत्यं ते प्रतिजाने प्रियोऽसि मे ॥ ६५ ॥
અનુવાદ
સદૈવ મારું ચિંતન કર, મારો ભક્ત થા, મારી પૂજા કર અને મને નમસ્કાર કર. આ પ્રમાણે તું નિઃશંકપણે મારી પાસે આવીશ. હું તને આનું વચન આપું છું, કારણ કે તું મારો બહુ વહાલો મિત્ર છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૬૬ ||
सर्वधर्मान्परित्यज्य मामेकं शरणं व्रज ।
अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः ॥ ६६ ॥
અનુવાદ
સર્વ પ્રકારના ધર્મોનો ત્યાગ કર અને મારી શરણમાં આવી જા. હું તારો સર્વ પાપોમાંથી ઉદ્ધાર કરીશ. ડરીશ નહીં.
♣ ♣ ♣
|| શ્લોક : ૬૭ ||
इदं ते नातपस्काय नाभक्ताय कदाचन ।
न चाशुश्रूषवे वाच्यं न च मां योऽभ्यसूयति ॥ ६७ ॥
અનુવાદ
જે મનુષ્યો સંયમી નથી, નિષ્ઠાવાન નથી તથા ભક્તિમાં પરોવાયેલા નથી, તેમને આ ગુહ્યજ્ઞાન આપવું નહીં. વળી, મારો દ્વેષ કરનારને પણ તે આપવું નહીં.
♣ ♣ ♣
|| શ્લોક : ૬૮ ||
य इदं परमं गुह्यं मद्भक्तेष्वभिधास्यति ।
भक्तिं मयि परां कृत्वा मामेवैष्यत्यसंशयः ॥ ६८ ॥
અનુવાદ
મનુષ્ય ભક્તોને આ પરમ રહસ્ય બતાવે છે, તે શુદ્ધ ભક્તિ પ્રાપ્ત કરે છે અને અંતે તે મારી પાસે પાછો આવશે. એમાં લેશમાત્ર શંકાને સ્થાન નથી.
♣ ♣ ♣
|| શ્લોક : ૬૯ ||
न च तस्मान्मनुष्येषु कश्चिन्मे प्रियकृत्तमः ।
भविता न च मे तस्मादन्यः प्रियतरो भुवि ॥ ६९ ॥
અનુવાદ
આ જગતમાં તેના કરતાં અન્ય કોઈ સેવક મને વધારે પ્રિય નથી અને કદી વધારે પ્રિય થશે પણ નહીં.
♣ ♣ ♣
|| શ્લોક : ૭૦ ||
अध्येष्यते च य इमं धर्म्यं संवादमावयोः ।
ज्ञानयज्ञेन तेनाहमिष्टः स्यामिति मे मतिः ॥ ७० ॥
અનુવાદ
અને હું જાહેર કરું છું કે જે મનુષ્ય આપણા આ સંવાદનું અધ્યયન કરે છે, તે પોતાની બુદ્ધિથી મારી પૂજા કરે છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૭૧ ||
श्रद्धावाननसूयश्च शृणुयादपि यो नरः ।
सोऽपि मुक्तः शुभाँल्लोकान्प्राप्नुयात्पुण्यकर्मणाम् ॥ ७१ ॥
અનુવાદ
અને જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક તથા દ્વેષરહિત થઈને આ સાંભળે છે તે સર્વ પાપમાંથી મુક્ત થાય છે અને પુણ્યાત્માઓના શુભ લોકોને પ્રાપ્ત કરે છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૭૨ ||
कच्चिदेतच्छ्रुतं पार्थ त्वयैकाग्रेण चेतसा ।
कच्चिदज्ञानसम्मोहः प्रनष्टस्ते धनञ्जय ॥ ७२ ॥
અનુવાદ
હે પૃથાપુત્ર, હે ધનંજય, શું તેં આને (આ શાસ્ત્રને) એકાગ્ર ચિત્તે સાંભળ્યું છે? અને શું હવે તારાં અજ્ઞાન તથા મોહ દૂર થઈ ગયાં છે?
♣ ♣ ♣
|| શ્લોક : ૭૩ ||
अर्जुन उवाच ।
नष्टो मोहः स्मृतिर्लब्धा त्वत्प्रसादान्मयाच्युत ।
स्थितोऽस्मि गतसन्देहः करिष्ये वचनं तव ॥ ७३ ॥
અનુવાદ
અર્જુને કહ્યું :
હે કૃષ્ણ, હે અચ્યુત, હવે મારો મોહ દૂર થઈ ગયો છે. આપની કૃપાથી મને મારી સ્મરણશક્તિ પાછી મળી ગઈ છે. હવે હું સંશયરહિત તથા દેઢ છું અને આપના આદેશ પ્રમાણે કર્મ કરવા તૈયાર છું.
♣ ♣ ♣
|| શ્લોક : ૭૪ ||
सञ्जय उवाच ।
इत्यहं वासुदेवस्य पार्थस्य च महात्मनः ।
संवादमिममश्रौषमद्भुतं रोमहर्षणम् ॥ ७४ ॥
અનુવાદ
સંજયે કહ્યું :
આ પ્રમાણે મેં કૃષ્ણ તથા અર્જુન બંને મહાપુરુષોનો સંવાદ સાંભળ્યો. આ સંદેશ એટલો અદ્ભુત છે કે મારા શરીરે રોમાંચ થાય છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૭૫ ||
व्यासप्रसादाच्छ्रुतवानेतद्गुह्यमहं परम् ।
योगं योगेश्वरात्कृष्णात्साक्षात्कथयतः स्वयम् ॥ ७५ ॥
અનુવાદ
વ્યાસદેવની કૃપાથી મેં આ પરમ ગુહ્ય સંવાદ પ્રત્યક્ષપણે યોગેશ્વર કૃષ્ણના મુખેથી અર્જુનને કહેવામાં આવતો સાંભળ્યો છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૭૬ ||
राजन्संस्मृत्य संस्मृत्य संवादमिममद्भुतम् ।
केशवार्जुनयोः पुण्यं हृष्यामि च मुहुर्मुहुः ॥ ७६ ॥
અનુવાદ
હે રાજા, જ્યારે હું કૃષ્ણ તથા અર્જુન વચ્ચે થયેલા આ અદ્ભુત તથા પવિત્ર સંવાદનું વારંવાર સ્મરણ કરું છું, ત્યારે પ્રતિ ક્ષણે હર્ષવિભોર થઈ જાઉં છું.
♣ ♣ ♣
|| શ્લોક : ૭૭ ||
तच्च संस्मृत्य संस्मृत्य रूपमत्यद्भुतं हरेः ।
विस्मयो मे महान् राजन्हृष्यामि च पुनः पुनः ॥ ७७ ॥
અનુવાદ
હે રાજા, જ્યારે હું ભગવાન કૃષ્ણનાં અદ્ભુત રૂપનું સ્મરણ કરું છું, ત્યારે હું વધારેને વધારે આશ્ચર્યચકિત થઈ જાઉં છું તથા વારંવાર હર્ષવિભોર થઈ જાઉં છું.
♣ ♣ ♣
|| શ્લોક : ૭૮ ||
यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः ।
तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवा नीतिर्मतिर्मम ॥ ७८ ॥
અનુવાદ
જ્યાં યોગેશ્વર કૃષ્ણ છે અને જ્યાં ધનુર્ધર અર્જુન છે, ત્યાં ઐશ્વર્ય, વિજય, અસાધારણ શક્તિ તેમજ નીતિ પણ નિશ્ચિતપણે રહે છે. એવો મારો મત છે.