|| શ્લોક : ૧ ||
अर्जुन उवाच ।
ये शास्त्रविधिमुत्सृज्य यजन्ते श्रद्धयान्विताः ।
तेषां निष्ठा तु का कृष्ण सत्त्वमाहो रजस्तमः ॥ १ ॥
અનુવાદ
અર્જુને કહ્યું :
હે કૃષ્ણ, જે લોકો શાસ્ત્રોના નિયમોનું પાલન નહીં કરીને પોતાની કલ્પના પ્રમાણે પૂજા કરે છે, તેમની સ્થિતિ કઈ છે? તેઓ સત્ત્વગુણી છે, રજોગુણી છે કે તમોગુણી છે?
♣ ♣ ♣
|| શ્લોક : ૨ ||
श्रीभगवानुवाच ।
त्रिविधा भवति श्रद्धा देहिनां सा स्वभावजा ।
सात्त्विकी राजसी चैव तामसी चेति तां शृणु ॥ २ ॥
અનુવાદ
પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહ્યું :
દેહધારી જીવ દ્વારા પ્રાપ્ત કરાયેલા પ્રકૃતિના ગુણો પ્રમાણે તેની શ્રદ્ધા ત્રણ પ્રકારની હોઈ શકે છે–સત્ત્વગુણી, રજોગુણી તથા તમોગુણી. હવે આ વિષે મારી પાસેથી સાંભળ.
♣ ♣ ♣
|| શ્લોક : ૩ ||
सत्त्वानुरूपा सर्वस्य श्रद्धा भवति भारत ।
श्रद्धामयोऽयं पुरुषो यो यच्छ्रद्धः स एव सः ॥ ३ ॥
અનુવાદ
હે ભરતપુત્ર, પ્રકૃતિના વિભિન્ન ગુણો હેઠળ મનુષ્યનાં અસ્તિત્વ પ્રમાણે તે એક વિશેષ પ્રકારની શ્રદ્ધા વિકસિત કરે છે. જીવે સ્વયં અર્જિત કરેલા ગુણો અનુસાર જ તેને અમુક વિશેષ શ્રદ્ધાયુક્ત કહેવામાં આવે છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૪ ||
यजन्ते सात्त्विका देवान्यक्षरक्षांसि राजसाः ।
प्रेतान्भूतगणांश्चान्ये यजन्ते तामसा जनाः ॥ ४ ॥
અનુવાદ
સત્ત્વગુણી મનુષ્યો દેવોને પૂજે છે, રજોગુણી મનુષ્યો અસુરોની પૂજા કરે છે અને તમોગુણી લોકો ભૂતપ્રેતને પૂજે છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૫, ૬ ||
अशास्त्रविहितं घोरं तप्यन्ते ये तपो जनाः ।
दम्भाहङ्कारसंयुक्ताः कामरागबलान्विताः ॥ ५ ॥
कर्षयन्तः शरीरस्थं भूतग्राममचेतसः ।
मां चैवान्तःशरीरस्थं तान्विद्ध्यासुरनिश्चयान् ॥ ६ ॥
અનુવાદ
જે લોકો દંભ તથા અહંકારને તાબે થઈને શાસ્ત્ર વિરુદ્ધ કઠોર તપ તથા વ્રત કરે છે, જેઓ કામવાસના તથા આસક્તિ દ્વારા પ્રેરિત થાય છે, જેઓ મૂર્ખ છે અને જેઓ શરીરના ભૌતિક તત્ત્વોને તથા શરીરમાં રહેલા પરમાત્માને કષ્ટ આપે છે, તેઓ અસુર કહેવાય છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૭ ||
आहारस्त्वपि सर्वस्य त्रिविधो भवति प्रियः ।
यज्ञस्तपस्तथा दानं तेषां भेदमिमं शृणु ॥ ७ ॥
અનુવાદ
પ્રત્યેક મનુષ્ય જે આહાર પસંદ કરે છે, તે સુધ્ધાં ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણો અનુસાર ત્રણ પ્રકારનું હોય છે. એ જ બાબત યજ્ઞ, તપ તથા દાન માટે પણ સાચી છે. હવે તેમની વચ્ચે રહેલા તફાવત વિષે સાંભળ.
♣ ♣ ♣
|| શ્લોક : ૮ ||
आयुःसत्त्वबलारोग्यसुखप्रीतिविवर्धनाः ।
रस्याः स्निग्धाः स्थिरा हृद्या आहाराः सात्त्विकप्रियाः ॥८॥
અનુવાદ
જે અન્ન સત્ત્વગુણી મનુષ્યોને પ્રિય છે, તે આયુષ્ય વધારનાર, જીવન શુદ્ધ કરનાર અને બળ, સ્વાસ્થ્ય, સુખ તથા તૃપ્તિ આપનારું હોય છે. આવું અન્ન રસયુક્ત, સ્નિગ્ધ, પોષણ કરનારું તથા હૃદયને ભાવે એવું હોય છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૯ ||
कट्वम्ललवणात्युष्णतीक्ष्णरूक्षविदाहिनः ।
आहारा राजसस्येष्टा दुःखशोकामयप्रदाः ॥ ९ ॥
અનુવાદ
અતિશય કડવું, ખાટું, ખારું, ગરમ, તીખું, લુખ્ખું તથા બળતરા કરનારું અન્ન રજોગુણી મનુષ્યોને પ્રિય હોય છે. આવાં અન્ન દુઃખ, શોક તથા રોગ ઉત્પન્ન કરનારાં હોય છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૧૦ ||
यातयामं गतरसं पूति पर्युषितं च यत् ।
उच्छिष्टमपि चामेध्यं भोजनं तामसप्रियम् ॥ १० ॥
અનુવાદ
ભોજન કરવાના ત્રણ કલાક પહેલાં રાંધેલું, સ્વાદવિહીન, બગડેલું તથા દુર્ગંધ મારતું, એઠું તથા અસ્પૃશ્ય વસ્તુઓનું બનેલું ભોજન એવા લોકોને પ્રિય હોય છે કે જેઓ તમોગુણી છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૧૧ ||
अफलाकाङ्क्षिभिर्यज्ञो विधिदृष्टो य इज्यते ।
यष्टव्यमेवेति मनः समाधाय स सात्त्विकः ॥ ११ ॥
અનુવાદ
જે યજ્ઞ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કર્તવ્ય સમજીને ફળની આકાંક્ષા નહીં રાખનારા લોકો દ્વારા કરવામાં આવે છે, તે સાત્ત્વિક હોય છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૧૨ ||
अभिसन्धाय तु फलं दम्भार्थमपि चैव यत् ।
इज्यते भरतश्रेष्ठ तं यज्ञं विद्धि राजसम् ॥ १२ ॥
અનુવાદ
પરંતુ હે ભરતશ્રેષ્ઠ, જે યજ્ઞ અમુક દુન્યવી લાભ માટે કે ગર્વ ખાતર કરવામાં આવે છે, તેને તું રજોગુણી જાણ.
♣ ♣ ♣
|| શ્લોક : ૧૩ ||
विधिहीनमसृष्टान्नं मन्त्रहीनमदक्षिणम् ।
श्रद्धाविरहितं यज्ञं तामसं परिचक्षते ॥ १३ ॥
અનુવાદ
જે યજ્ઞ શાસ્ત્રોક્ત નિર્દેશોની ઉપેક્ષા કરીને, પ્રસાદ વહેંચ્યા વિના, વેદ મંત્રોના ઉચ્ચારણ વગર, પુરોહિતોને દક્ષિણા આપ્યા વિના અને શ્રદ્ધા વગર કરવામાં આવે છે, તે તામસી યજ્ઞ ગણાય છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૧૪ ||
देवद्विजगुरुप्राज्ञपूजनं शौचमार्जवम् ।
ब्रह्मचर्यमहिंसा च शारीरं तप उच्यते ॥ १४ ॥
અનુવાદ
પરમેશ્વર, બ્રાહ્મણો, ગુરુ તથા માતા–પિતા જેવા વડીલોની પૂજા કરવી અને પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય તથા અહિંસાનું પાલન કરવું એ શારીરિક તપ કહેવાય.
♣ ♣ ♣
|| શ્લોક : ૧૫ ||
अनुद्वेगकरं वाक्यं सत्यं प्रियहितं च यत् ।
स्वाध्यायाभ्यसनं चैव वाङ्मयं तप उच्यते ॥ १५ ॥
અનુવાદ
સત્ય, પ્રિય લાગે એવાં, હિતાવહ અને બીજાને ઉદ્વેગ ન પમાડનારાં વચનો બોલવાં તથા વૈદિક ગ્રંથોનો નિત્ય પાઠ કરતા રહેવું, એ વાણીનું તપ છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૧૬ ||
मनः प्रसादः सौम्यत्वं मौनमात्मविनिग्रहः ।
भावसंशुद्धिरित्येतत्तपो मानसमुच्यते ॥ १६ ॥
અનુવાદ
અને સંતોષ, સરળતા, ગાંભીર્ય, આત્મ–સંયમ તથા જીવનની શુદ્ધિ, આ સર્વ મનનાં તપ છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૧૭ ||
श्रद्धया परया तप्तं तपस्तत्त्रिविधं नरैः ।
अफलाकाङ्क्षिभिर्युक्तैः सात्त्विकं परिचक्षते ॥ १७ ॥
અનુવાદ
દુન્યવી લાભની ઇચ્છા ન કરનારા તથા કેવળ પરમેશ્વરમાં જ પરોવાયેલા મનુષ્યો દ્વારા દિવ્ય શ્રદ્ધાપૂર્વક કરેલું એ ત્રણ પ્રકારનું તપ સાત્ત્વિક કહેવાય છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૧૮ ||
सत्कारमानपूजार्थं तपो दम्भेन चैव यत् ।
क्रियते तदिह प्रोक्तं राजसं चलमध्रुवम् ॥ १८ ॥
અનુવાદ
જે તપ દંભપૂર્વક તથા સત્કાર, સન્માન તેમજ પૂજા પામવા માટે કરવામાં આવે છે, તે રાજસી (રજોગુણી) કહેવાય છે. તે ચંચળ તથા અશાશ્વત હોય છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૧૯ ||
मूढग्राहेणात्मनो यत्पीडया क्रियते तपः ।
परस्योत्सादनार्थं वा तत्तामसमुदाहृतम् ॥ १९ ॥
અનુવાદ
મૂર્ખામીને વશ થઈ આત્મ–ઉત્પીડન માટે અથવા બીજાઓનો વિનાશ કરવા કે હાનિ પહોંચાડવા માટે જે તપ કરવામાં આવે છે, તે તમોગુણવાળું હોય છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૨૦ ||
दातव्यमिति यद्दानं दीयतेऽनुपकारिणे ।
देशे काले च पात्रे च तद्दानं सात्त्विकं स्मृतम् ॥ २० ॥
અનુવાદ
જે દાન કર્તવ્ય સમજીને, કોઈ બદલાની આશા વિના, યોગ્ય સ્થાને તથા સમયે અને સુપાત્ર વ્યક્તિને અપાય છે, તે સાત્ત્વિક દાન ગણાય છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૨૧ ||
यत्तु प्रत्युपकारार्थं फलमुद्दिश्य वा पुनः ।
दीयते च परिक्लिष्टं तद्दानं राजसं स्मृतम् ॥ २१ ॥
અનુવાદ
પરંતુ જે દાન અમુક બદલાની અપેક્ષાથી અથવા કર્મફળની ઇચ્છાથી અથવા નામરજીપૂર્વક અપાય છે, તે રજોગુણી દાન કહેવાય છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૨૨ ||
अदेशकाले यद्दानमपात्रेभ्यश्च दीयते ।
असत्कृतमवज्ञातं तत्तामसमुदाहृतम् ॥ २२ ॥
અનુવાદ
અને જે દાન ગમે તેવી અપવિત્ર જગ્યાએ, અનુચિત સમયે, કોઈ કુપાત્ર માણસને અથવા પૂરતું ધ્યાન તથા આદર આપ્યા વિના અપાય છે, તે તામસી કહેવાય છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૨૩ ||
ॐतत्सदिति निर्देशो ब्रह्मणस्त्रिविधः स्मृतः ।
ब्राह्मणास्तेन वेदाश्च यज्ञाश्च विहिताः पुरा ॥ २३ ॥
અનુવાદ
સર્જનની શરૂઆતથી ૐ તત્ સત્ આ ત્રણે શબ્દો પરમ સત્યનો નિર્દેશ કરવા માટે પ્રયુક્ત કરાતા રહ્યા છે. આ ત્રણ પ્રતિકાત્મક અભિવ્યક્તિઓ બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોનું ઉચ્ચારણ કરતી વખતે તથા બ્રહ્મને સંતુષ્ટ કરવા માટે યજ્ઞો કરતી વખતે પ્રયોજવામાં આવતી હતી.
♣ ♣ ♣
|| શ્લોક : ૨૪ ||
तस्मादोमित्युदाहृत्य यज्ञदानतपःक्रियाः ।
प्रवर्तन्ते विधानोक्ताः सततं ब्रह्मवादिनाम् ॥ २४ ॥
અનુવાદ
માટે બ્રહ્મની પ્રાપ્તિ માટે યોગીજનો શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે યજ્ઞ, દાન તથા તપની સર્વ ક્રિયાઓનો શુભારંભ હંમેશાં ૐ થી કરે છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૨૫ ||
तदित्यनभिसन्धाय फलं यज्ञतपःक्रियाः ।
दानक्रियाश्च विविधाः क्रियन्ते मोक्षकाङ्क्षिभिः ॥ २५ ॥
અનુવાદ
મનુષ્ય કર્મફળની ઇચ્છા રાખ્યા વિના વિવિધ પ્રકારના યજ્ઞ, તપ તથા દાન ‘તત્ ’શબ્દ કહીને કરવાં જોઈએ. આવાં દિવ્ય કાર્યોનો ઉદ્દેશ્ય ભવબંધનમાંથી મુક્તિ પામવાનો હોય છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૨૬, ૨૭ ||
सद्भावे साधुभावे च सदित्येतत्प्रयुज्यते ।
प्रशस्ते कर्मणि तथा सच्छब्दः पार्थ युज्यते ॥ २६ ॥
यज्ञे तपसि दाने च स्थितिः सदिति चोच्यते ।
कर्म चैव तदर्थीयं सदित्येवाभिधीयते ॥ २७ ॥
અનુવાદ
પરમ સત્ય એ ભક્તિમય યજ્ઞનું લક્ષ્ય છે અને તેને ‘સત્ ‘ શબ્દથી સૂચિત કરવામાં આવે છે. હે પૃથાપુત્ર, આવા યજ્ઞનો કર્તા પણ ‘સત્ ’ કહેવાય છે અને એ જ પ્રમાણે યજ્ઞ, તપ તથા દાનનાં બધાં કર્મો પણ ‘સત્’ કહેવાય છે કે જે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૨૮ ||
अश्रद्धया हुतं दत्तं तपस्तप्तं कृतं च यत् ।
असदित्युच्यते पार्थ न च तत्प्रेत्य नो इह ॥ २८ ॥
અનુવાદ
હે પાર્થ, પરમેશ્વરમાં શ્રદ્ધા વગર યજ્ઞ, દાન કે તપરૂપે જે કંઈ કરવામાં આવે છે તે ક્ષણભંગુર હોય છે. તે અસત્ કહેવાય છે. આ અસત્ આ તેમજ આગામી જન્મ, બંનેમાં વ્યર્થ જાય છે.