Shrimad bhagvat geeta (SBG)

View All >>

અધ્યાય ૧

॥ ॐ श्री परमात्मने नमः ॥

श्रीमद्भगवद्गीता

|| અધ્યાય ૧ ||

|| અર્જુન વિષાદ યોગ ||

|| શ્લોક : ૧ ||

 

 धृतराष्ट्र उवाच |


धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सवः |
मामकाः पाण्डवाश्चैव किमकुर्वत सञ्जय || १ ||

 

અનુવાદ

 

ધૃતરાષ્ટ્ર બોલ્યા :

હે સંજય, તીર્થભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધ કરવાની ઈચ્છાથી એકત્ર થયેલા મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું?

* * *

 

|| શ્લોક : ૨ ||

 

सञ्जय उवाच ।


दृष्ट्वा तु पाण्डवानीकं व्यूढं दुर्योधनस्तदा ।
आचार्यमुपसङ्गम्य राजा वचनमब्रवीत् || २ ||

 

અનુવાદ

 

સંજય બોલ્યા :

હે રાજા, પાંડુપુત્રોની સેનાને વ્યૂહરચનામાં ગોઠવાયેલી જોઈને, રાજા દુર્યોધન, પોતાના ગુરુ પાસે ગયો અને આ પ્રમાણે વચન કહ્યાં.

* * *

 

|| શ્લોક : ૩ ||

 

पश्यैतां पाण्डुपुत्राणामाचार्य महतीं चमूम् ।
व्यूढां द्रुपदपुत्रेण तव शिष्येण धीमता || ३ ||

 

અનુવાદ

 

હે આચાર્ય, પાંડુપુત્રોની આ વિશાળ સેનાને જુઓ કે જેની વ્યૂહરચના આપણા બુદ્ધિમાન શિષ્ય એવા દ્રુપદપુત્રે બહુ નિપુણતાથી કરી છે.

* * *

 

|| શ્લોક : ૪ ||

 

अत्र शूरा महेष्वासा भीमार्जुनसमा युधि ।
युयुधानो विराटश्च द्रुपदश्च महारथ: || ४ ||

 

અનુવાદ

 

અહીં આ સેનામાં ભીમ તથા અર્જુન જેવા અનેક વીર ધનુર્ધરો છે, જેમ કે મહારથી યુયુધાન, વિરાટ તથા દ્રુપદ.

* * *

 

|| શ્લોક : ૫ ||

 

धृष्टकेतुश्चेकितान: काशिराजश्च वीर्यवान् |
पुरुजित्कुन्तिभोजश्च शैब्यश्च नरपुङ्गव: || ५  ||

 

અનુવાદ

 

તદુપરાંત ધૃષ્ટકેતુ, ચેકિતાન, કાશિરાજ, પુરુજિત, કુંતિભોજ તથા શૈબ્ય જેવા મહાન શક્તિશાળી યોદ્ધાઓ પણ છે.

* * *

 

|| શ્લોક : ૬ ||

 

युधामन्युश्च विक्रान्त उत्तमौजाश्च वीर्यवान् |
सौभद्रो द्रौपदेयाश्च सर्व एव महारथा: || ६ ||

 

અનુવાદ

 

પરાક્રમી યુધામન્યુ, અત્યંત શક્તિશાળી ઉત્તમૌજા, સુભદ્રાનો પુત્ર અનર દ્રૌપદીના પુત્રો એ બધા જ મહારથીઓ છે.

* * *

 

|| શ્લોક : ૭ ||

 

अस्माकं तु विशिष्टा ये तान्निबोध द्विजोत्तम |
नायका मम सैन्यस्य संज्ञार्थं तान्ब्रवीमि ते || ७ ||

 

અનુવાદ

 

પરંતુ હે બ્રાહ્મણશ્રેષ્ઠ, તમારી જાણ માટે હું મારી સેનાના તે નાયકો વિષે કહું છું કે જેઓ મારી સેનાને દોરવણી આપવામાં વિશેષ યોગ્ય છે.

* * *

 

|| શ્લોક : ૮ ||

 

भवान्भीष्मश्च कर्णश्च कृपश्च समितिञ्जय: |
अश्वत्थामा विकर्णश्च सौमदत्तिस्तथैव च || ८ ||

 

અનુવાદ

 

મારી સેનામાં સ્વયં આપ, ભીષ્મ, કર્ણ, કૃપાચાર્ય, અશ્વત્થામા, વિકર્ણ તથા સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા જેવા મહાપુરુષો છે કે જેઓ યુદ્ધમાં હંમેશા વિજયી રહ્યા છે.

* * *

 

|| શ્લોક : ૯ ||

 

अन्ये च बहव: शूरा मदर्थे त्यक्तजीविता: |
नानाशस्त्रप्रहरणा: सर्वे युद्धविशारदा: || ९ ||

 

અનુવાદ

 

એવા અનેક વીરો પણ છે કે જેઓ મારા માટે પોતાનું જીવન તજવા તત્પર છે. તેઓ વિવિધ પ્રકાર ના શસ્ત્રોથી સુસજ્જ છે અને યુદ્ધવિદ્યામાં નિષ્ણાંત છે.

* * *

 

|| શ્લોક : ૧૦ ||

 

अपर्याप्तं तदस्माकं बलं भीष्माभिरक्षितम् |
पर्याप्तं त्विदमेतेषां बलं भीमाभिरक्षितम् || १० ||

 

અનુવાદ

 

આપણું સૈન્યબળ અમાપ છે અને અપને સૌ પિતામહ ભીષ્મ દ્વારા પૂર્ણપણે રક્ષાયેલા છીએ, જયારે પાંડવોનું સૈન્યબળ ભીમ દ્વારા સારી રીતે રક્ષાયેલું હોવા છતાં તે સીમિત છે.

* * *

 

|| શ્લોક : ૧૧ ||

 

अयनेषु च सर्वेषु यथाभागमवस्थिता: |
भीष्ममेवाभिरक्षन्तु भवन्त: सर्व एव हि || ११ ||

 

અનુવાદ

 

આથી બધાં વ્યૂહદ્વારો પર પોતપોતાની જગ્યાએ રહેલા તમે બધાય સજાગ રહીને ભીષ્માપિતામહનું જ બધી બાજુથી રક્ષણ કરો . માટે સૈન્યવ્યૂહમાં પોતપોતાનાં મોખરાનાં સ્થાનો પર રહીને, આપ સૌ પિતામહ ભીષ્મની પૂરેપૂરી સહાયતા અવશ્ય કરશો.

* * *

 

|| શ્લોક : ૧૨ ||

तस्य सञ्जनयन्हर्षं कुरुवृद्ध: पितामह: |
सिंहनादं विनद्योच्चै: शङ्खं दध्मौ प्रतापवान् || १२ ||

 

અનુવાદ

 

ત્યારે કુરુવંશના મહાપ્રતાપી વયોવૃદ્ધ વડીલ પિતામહ ભીષ્મે, સિંહની ગર્જના જેવો ઘોષ કરનારો પોતાનો શંખ ફૂંકીને ઉચ્ચ સવારે શંખનાદ કર્યો, જેનાથી દુર્યોધન બહુ હર્ષ પામ્યો.

* * *

 

|| શ્લોક : ૧૩ ||

 

तत: शङ्खाश्च भेर्यश्च पणवानकगोमुखा: |
सहसैवाभ्यहन्यन्त स शब्दस्तुमुलोऽभवत् || १३ ||

 

અનુવાદ

 

ત્યારપછી શંખ, નગારાં, તુરાઈ તથા રણશિંગાં સહસા એકસાથે વાગવા લાગ્યાં , જેનો સંયુક્ત વાદ્યઘોષ બહુ ઘોંઘાટભર્યો હતો.

* * *

 

|| શ્લોક : ૧૪ ||

 

तत: श्वेतैर्हयैर्युक्ते महति स्यन्दने स्थितौ |
माधव: पाण्डवश्चैव दिव्यौ शङ्खौ प्रदध्मतु: || १४ ||

 

અનુવાદ

 

બીજી બાજુએ અર્થાત્ સામા પક્ષે શ્વેત અશ્વો જોડેલા વિશાળ રથમાં બિરાજમાન ભગવાન કૃષ્ણ અને અર્જુન પોતપોતાના દિવ્ય શંખ ફૂંક્યા.

* * *

 

|| શ્લોક : ૧૫ ||

 

पाञ्चजन्यं हृषीकेशो देवदत्तं धनञ्जय: |
पौण्ड्रं दध्मौ महाशङ्खं भीमकर्मा वृकोदर: || १५ ||

 

અનુવાદ

 

ભગવાન કૃષ્ણે પાંચજન્ય નામનો શંખ ફૂંક્યો, અર્જુને દેવદત્ત શંખ તથા અતિમાનુષી કર્મ કરનારા ખાઉધરા ભીમે તેનો પૌંણ્ડ્ર નામનો પ્રચંડ શંખ ફૂંક્યો.

* * *

 

|| શ્લોક : ૧૬, ૧૭, ૧૮ ||

 

अनन्तविजयं राजा कुन्तीपुत्रो युधिष्ठिर: |
नकुल: सहदेवश्च सुघोषमणिपुष्पकौ || १६ ||

काश्यश्च परमेष्वास: शिखण्डी च महारथ: |
धृष्टद्युम्नो विराटश्च सात्यकिश्चापराजित: || १७ ||

द्रुपदो द्रौपदेयाश्च सर्वश: पृथिवीपते |
सौभद्रश्च महाबाहु: शङ्खान्दध्मु: पृथक् पृथक् || १८ ||

 

અનુવાદ

 

હે રાજા, કુંતીપુત્ર યુધિષ્ઠિરે પોતાનો અનંતવિજય નામનો શંખ ફૂંક્યો અને નકુલ તથા સહદેવે સુઘોષ તથા મણિપુષ્પક નામનો શંખ ફૂંક્યો. મહાન ધનુર્ધર કાશીરાજ, મહાન યોદ્ધા શિખંડી, ધૃષ્ટદ્યુમ્ન, વિરાટ, અપરાજિત સાત્યકિ, દ્રુપદ, દ્રૌપદીના પુત્રો તથા અન્ય જેમ કે મહાબાહુ સુભદ્રા -પુત્ર વગેરે સૌએ પોતપોતાના શંખ ફૂંક્યા.

* * *

 

|| શ્લોક : ૧૯ ||

 

स घोषो धार्तराष्ट्राणां हृदयानि व्यदारयत् |
नभश्च पृथिवीं चैव तुमुलोऽभ्यनुनादयन् || १९ ||

 

અનુવાદ

 

આકાશ તેમજ પૃથ્વી પર પ્રતિધ્વનિત થતા આ વિભિન્ન ગગનભેદી શંખોના નાદે ધૃતરાષ્ટ્રના પુત્રોના હૃદયોને વિદીર્ણ કર્યા.

* * *

 

|| શ્લોક : ૨૦ ||

 

अथ व्यवस्थितान्दृष्ट्वा धार्तराष्ट्रान् कपिध्वज: |
प्रवृत्ते शस्त्रसम्पाते धनुरुद्यम्य पाण्डव: || २० ||

हृषीकेशं तदा वाक्यमिदमाह महीपते |

 

અનુવાદ

 

તે વખતે હનુમાનજીનાં ચિહ્નથી અંકિત ધ્વજવાળા રથમાં આરૂઢ થયેલા પાંડુપુત્ર અર્જુને પોતાનું ધનુષ્ય ઉઠાવ્યું અને તે બાણ છોડવા તૈયાર થયો. હે રાજન, ધૃતરાષ્ટ્રના પુત્રોને વ્યૂહમાં ગોઠવાયેલા જોઈને અર્જુને પછી ભગવાન શ્રીકૃષ્ણને આ વચન કહ્યાં.

* * *

 

|| શ્લોક : ૨૧, ૨૨ ||

 

अर्जुन उवाच | 

सेनयोरुभयोर्मध्ये रथं स्थापय मेऽच्युत || २१ || 

यावदेतान्निरीक्षेऽहं योद्धुकामानवस्थितान् |
कैर्मया सह योद्धव्यमस्मिन् रणसमुद्यमे || २२ ||

 

અનુવાદ

 

અર્જુને કહ્યું :

હે અચ્યુત, કૃપા કરી મારા રથને બંને સૈન્યોની વચ્ચે ઊભો રાખો કે જેથી અહીં ઉપસ્થિત યુદ્ધ કરવાની ઇચ્છાવાળાઓને અને આ મહાન શસ્ત્ર-સંઘર્ષમાં જેમની સાથે મારે લડવાનું છે, તેમને હું જોઈ શકું.

* * *

 

|| શ્લોક : ૨૩ ||

 

योत्स्यमानानवेक्षेऽहं य एतेऽत्र समागता: |
धार्तराष्ट्रस्य दुर्बुद्धेर्युद्धे प्रियचिकीर्षव: || २३ ||

 

અનુવાદ

 

ધૃતરાષ્ટ્રના દુર્બુદ્ધિવાળા પુત્રને પ્રસન્ન કરવાની ઇચ્છાથી, જેઓ અહીં યુદ્ધ કરવા આવ્યા છે, તેમનું મને નિરીક્ષણ કરવા દો.

* * *

 

|| શ્લોક : ૨૪ ||

 

सञ्जय उवाच |

एवमुक्तो हृषीकेशो गुडाकेशेन भारत |
सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमम् || २४ ||

 

અનુવાદ

 

સંજય બોલ્યો :

હે ભરતવંશી, અર્જુન દ્વારા આ પ્રમાણે સંબોધિત થયેલા ભગવાન કૃષ્ણે, બંને પક્ષોનાં સૈન્યોનાં મધ્ય ભાગમાં જ તે ઉત્તમ રથને ઊભો રાખ્યો.

* * *

 

|| શ્લોક : ૨૫ ||

 

भीष्मद्रोणप्रमुखत: सर्वेषां च महीक्षिताम् |
उवाच पार्थ पश्यैतान्समवेतान्कुरूनिति || २५ ||

 

અનુવાદ

 

ભીષ્મ, દ્રોણ તથા વિશ્વભરના અન્ય બધા જ રાજાઓની ઉપસ્થિતિમાં ભગવાને કહ્યું, હે પાર્થ, અહીં એકત્રિત થયેલા આ બધા કરુઓને જો.

* * *

 

|| શ્લોક : ૨૬ ||

 

तत्रापश्यत्स्थितान् पार्थ: पितृ नथ पितामहान् |
आचार्यान्मातुलान्भ्रातृ न्पुत्रान्पौत्रान्सखींस्तथा || २६ ||

श्वशुरान्सुहृदश्चैव सेनयोरुभयोरपि |

 

અનુવાદ

 

બંને પક્ષોની સેનાઓની મધ્યમાં ઊભેલા અર્જુને પોતાના કાકાઓ, દાદાઓ, આચાર્યો, મામાઓ, ભાઈઓ, પુત્રો, પૌત્રો, મિત્રો તથા સસરાઓ તેમજ શુભેચ્છકોને જોયા.

* * *

 

|| શ્લોક : ૨૭ ||

 

तान्समीक्ष्य स कौन्तेय: सर्वान्बन्धूनवस्थितान् || २७ ||

कृपया परयाविष्टो विषीदन्निदमब्रवीत् |

 

અનુવાદ

 

જ્યારે કુંતીપુત્ર અર્જુને મિત્રો તથા સંબંધીજનોની વિભિન્ન શ્રેણીઓને જોઈ, ત્યારે તે કરુણાથી અભિભૂત થઈને આ પ્રમાણે કહેવા લાગ્યો.

* * *

 

|| શ્લોક : ૨૮, ૨૯ ||

अर्जुन उवाच |

दृष्ट्वेमं स्वजनं कृष्ण युयुत्सुं समुपस्थितम्  || २८ ||

सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति |
वेपथुश्च शरीरे मे रोमहर्षश्च जायते || २९ ||

 

અનુવાદ

 

અર્જુને કહ્યું :

હે પ્રિય કૃષ્ણ, આ રીતે યુદ્ધ કરવાની ઇચ્છાવાળા મારા મિત્રો તથા સ્વજનોને મારી સામે ઉપસ્થિત થયેલા જોઈ મારાં અંગો ધ્રૂજવા લાગ્યાં છે અને મારું મુખ પણ સુકાઇ રહ્યું છે. મારા સમગ્ર શરીરે કંપ થઈ રહ્યો છે, મારા શરીરે રોમાંચ થઈ રહ્યો છે.

* * *

 

|| શ્લોક : ૩૦ ||

 

गाण्डीवं स्रंसते हस्तात्त्वक्चै व परिदह्यते |
न च शक्नोम्यवस्थातुं भ्रमतीव च मे मन: || ३० ||

 

અનુવાદ

 

મારું ગાંડીવ ધનુષ્ય મારા હાથમાંથી સરી પડે છે અને મારી ત્વચા બળી રહી છે. હું હવે અહીં વધારે સમય સ્થિર ઊભો રહી શકતો નથી. હું મારી જાતને ભૂલી રહ્યો છું અને મારું મન ભમી રહ્યું છે.

* * *

 

|| શ્લોક : ૩૧ ||

 

निमित्तानि च पश्यामि विपरीतानि केशव |
न च श्रेयोऽनुपश्यामि हत्वा स्वजनमाहवे || ३१ ||

 

અનુવાદ

 

હે કૃષ્ણ, કેશી દૈત્યના સંહારક કેશવ, મને તો માત્ર દુર્ભાગ્યનાં જ દર્શન થાય છે. આ યુદ્ધમાં મારા પોતાના જ સ્વજનોને હણવાથી, કોઈ કલ્યાણ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે એ હું જોઈ શકતો નથી.

* * *

 

|| શ્લોક : ૩૨, ૩૩ ||

 

न काङ्क्षे विजयं कृष्ण न च राज्यं सुखानि च  |
किं नो राज्येन गोविन्द किं भोगैर्जीवितेन वा || ३२ ||

येषामर्थे काङ्क्षितं नो राज्यं भोगा: सुखानि च |
त इमेऽवस्थिता युद्धे प्राणांस्त्यक्त्वा धनानि च || ३३ ||

 

અનુવાદ

 

હે પ્રિય કૃષ્ણ, હું તેનાથી કોઈ વિજય, રાજ્ય કે સુખની પણ ઇચ્છા રાખતો નથી. હે ગોવિંદ, અમને રાજ્ય, સુખ અથવા જીવનથી પણ શો લાભ થવાનો છે? કારણ કે જે લોકો માટે અમે એ સર્વ ઇચ્છીએ છીએ તેઓ બધા જ આ યુદ્ધક્ષેત્રમાં ગોઠવાયેલા છે.

* * *

 

|| શ્લોક : ૩૪, ૩૫ ||

 

आचार्या: पितर: पुत्रास्तथैव च पितामहा: |
मातुला: श्वशुरा: पौत्रा: श्याला: सम्बन्धिनस्तथा || ३४ ||

एतान्न हन्तुमिच्छामि घ्नतोऽपि मधुसूदन |
अपि त्रैलोक्यराज्यस्य हेतो: किं नु महीकृते || ३५ ||

 

અનુવાદ

 

હે મધુસૂદન, જ્યારે ગુરુજનો, પિતૃઓ, પુત્રો, પિતામહો, મામા, સસરા, પૌત્રો, સાળા તથા અન્ય બધા સગાં સંબંધીઓ તેમનાં પ્રાણ તથા ધન ત્યજવા તત્પર છે અને મારી સામે ઊભા છે ત્યારે, ભલે તેઓ મને હણી નાખે તોયે હું આ સૌનો સંહાર કરવાની શા માટે ઇચ્છા કરું? હે જીવમાત્રના પાલનહાર, બદલામાં મને આ પૃથ્વી તો શું પણ ત્રણે લોકનું રાજ્ય મળે તો પણ આ બધાની સાથે લડવા હું તૈયાર નથી.

* * *

 

|| શ્લોક : ૩૬, ૩૭ ||

 

निहत्य धार्तराष्ट्रान्न: का प्रीति: स्याज्जनार्दन |
पापमेवाश्रयेदस्मान्हत्वैतानाततायिन: || ३६ ||

तस्मान्नार्हा वयं हन्तुं धार्तराष्ट्रान्स्वबान्धवान् |
स्वजनं हि कथं हत्वा सुखिन: स्याम माधव || ३७ ||

 

અનુવાદ

 

હે જનાર્દન, ધૃતરાષ્ટ્રના પુત્રોને હણીને, અમને કઈ પ્રસન્નતા પ્રાપ્ત થવાની છે? જો અમે આવા આતતાયીઓને હણીશું , તો અમે પાપમાં જ પડીશું , માટે જ અમે ધૃતરાષ્ટ્રના પુત્રો તથા તેમના મિત્રોનો વધ કરીશું , તો તે ઉચિત થશે નહીં. હે લક્ષ્મીપતિ કૃષ્ણ, આનાથી અમને શો લાભ થવાનો છે  અને અમારા જ કુટુંબીજનોને  હણીને અમે કેવી રીતે સુખી થઇ શકીશું?

* * *

 

|| શ્લોક : ૩૮, ૩૯ ||

 

यद्यप्येते न पश्यन्ति लोभोपहतचेतस: |
कुलक्षयकृतं दोषं मित्रद्रोहे च पातकम् || ३८ ||

कथं न ज्ञेयमस्माभि: पापादस्मान्निवर्तितुम् |
कुलक्षयकृतं दोषं प्रपश्यद्भिर्जनार्दन || ३९ ||

 

અનુવાદ

 

હે જનાર્દન, લોભને વશ થયેલાં માનવાળા આ લોકો જો કે પોતાના પરિવારને હણવામાં કે મિત્રો સાથે લડવામાં કોઈ દોષ જોતા નથી, પણ કુળનો નાશ કરવામાં અપરાધ જોનારા આપણે આવાં પાપકર્મો કરવામાં શા માટે પ્રવૃત થવું જોઈએ ?

* * *

 

|| શ્લોક : ૪0 ||

 

कुलक्षये प्रणश्यन्ति कुलधर्मा: सनातना: |
धर्मे नष्टे कुलं कृत्स्नमधर्मोऽभिभवत्युत || ४० ||

 

અનુવાદ

 

કુળનો નાશ થયે સનાતન કુલપરંપરા નષ્ટ થઇ જાય છે અને એ રીતે બાકીનું કુટુંબ અધર્મમાં સપડાઈ જાય છે.

* * *

 

|| શ્લોક : ૪૧ ||

 

अधर्माभिभवात्कृष्ण प्रदुष्यन्ति कुलस्त्रिय: |
स्त्रीषु दुष्टासु वार्ष्णेय जायते वर्णसङ्कर: || ४१ ||

 

અનુવાદ

 

હે કૃષ્ણ, જ્યારે કુળમાં અધર્મનું પ્રાધાન્ય થાય છે, ત્યારે કુળની સ્ત્રીઓ દૂષિત થઈ જાય છે અને સ્ત્રીત્વનાં પતનથી કે વૃષ્ણિવંશી, અવાંછિત સંતતિ ઉત્પન્ન થાય છે.

* * *

 

|| શ્લોક : ૪૨ ||

 

सङ्करो नरकायैव कुलघ्नानां कुलस्य च |
पतन्ति पितरो ह्येषां लुप्तपिण्डोदकक्रिया: || ४२ ||

 

અનુવાદ

 

અવાંછિત પ્રજાની વૃદ્ધિ થવાથી, પરિવાર માટે તથા પારિવારિક પરંપરાઓને નષ્ટ કરનારા એમ બંને માટે નિઃસંદેહ નારકીય જીવન ઉત્પન્ન થાય છે. આવાં પતિત કુટુંબોના પૂર્વજો અધઃપતન પામે છે, કારણ કે તેમને જળ તથા પિંડદાન આપવાની ક્રિયાનો સર્વથા લોપ થઈ જાય છે.

* * *

 

|| શ્લોક : ૪૩ ||

 

दोषैरेतै: कुलघ्नानां वर्णसङ्करकारकै: |
उत्साद्यन्ते जातिधर्मा: कुलधर्माश्च शाश्वता: || ४३ ||

 

અનુવાદ

 

જે લોકો પાપકર્મો વડે કુળપરંપરાનો નાશ કરે છે અને એ રીતે અવાંછિત સંતતિને જન્મ આપે છે, તેમનાં દુષ્કર્મોથી સર્વ પ્રકારનાં સામુદાયિક કાર્યો તથા પારિવારિક કલ્યાણ કાર્યો વિનષ્ટ થઈ જાય છે.

* * *

 

|| શ્લોક : ૪૪ ||

 

उत्सन्नकुलधर्माणां मनुष्याणां जनार्दन |
नरकेऽनियतं वासो भवतीत्यनुशुश्रुम || ४४ ||

 

અનુવાદ

 

હે પ્રજાના પાલનહાર કૃષ્ણ, મેં ગુરુ-શિષ્ય પરંપરા દ્વારા સાંભળ્યું છે કે જે લોકો કુળધર્મનો નાશ કરે છે તેઓ સદા નરકમાં વાસ કરે છે.

* * *

 

|| શ્લોક : ૪૫, ૪૬ ||

 

अहो बत महत्पापं कर्तुं व्यवसिता वयम् |
यद्राज्यसुखलोभेन हन्तुं स्वजनमुद्यता: || ४५ ||

यदि मामप्रतीकारमशस्त्रं शस्त्रपाणय: |
धार्तराष्ट्रा रणे हन्युस्तन्मे क्षेमतरं भवेत् || ४६ ||

 

અનુવાદ

 

અરે, આ તે કેવું આશ્ચર્ય છે કે અમે બધા મોટું પાપકર્મ કરવા માટે તત્પર થયા છીએ. રાજ્યસુખ ભોગવવાના લોભવશ થઈને, અમે સ્વજનોને જ હણવા તૈયાર થયા છીએ. જો શસ્રધારણ કરેલા ધૃતરાષ્ટ્રના પુત્રો, નિઃશસ્ત્ર થયેલા તથા રણભૂમિમાં પ્રતિકાર ન કરનારા એવા મને હણે, તો તે મારા માટે શ્રેયસ્કર થશે.

* * *

 

|| શ્લોક : ૪૭ ||

 

सञ्जय उवाच |

एवमुक्त्वार्जुन: सङ्ख्ये रथोपस्थ उपाविशत् |
विसृज्य सशरं चापं शोकसंविग्नमानस: || ४७ ||

 

અનુવાદ

 

સંજય બોલ્યા :

રણમેદાનમાં આ પ્રમાણે કહીને, અર્જુને પોતાનાં ધનુષ્ય તથા બાણ બાજુ પર મૂકી દીધાં અને શોક સંતપ્ત મનથી રથનાં આસન પર બેસી ગયો.

* * *

 

तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु

ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे

अर्जुनविषादयोगो नाम प्रथमोऽध्यायः ॥ १ ॥

॥ જય શ્રી કૃષ્ણ ॥
——————

* * *