|| શ્લોક : ૧, ૨, ૩ ||
श्रीभगवानुवाच ।
अभयं सत्त्वसंशुद्धिर्ज्ञानयोगव्यवस्थितिः ।
दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम् ॥ १ ॥
अहिंसा सत्यमक्रोधस्त्यागः शान्तिरपैशुनम् ।
दया भूतेष्वलोलुप्त्वं मार्दवं ह्रीरचापलम् ॥ २ ॥
तेजः क्षमा धृतिः शौचमद्रोहो नातिमानिता ।
भवन्ति सम्पदं दैवीमभिजातस्य भारत ॥ ३ ॥
અનુવાદ
પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા :
હે ભરતપુત્ર, નિર્ભયતા, આત્મશુદ્ધિ, આધ્યાત્મિક જ્ઞાનનું સંવર્ધન, દાન, આત્મસંયમ, યજ્ઞપરાયણતા, વેદાધ્યયન, તપશ્ચર્યા, સાદાઇ, અહિંસા, સત્યતા, ક્રોધવિહિનતા, ત્યાગ, શાંતિ, છિદ્રાન્વેષણમાં અરુચિ, જીવમાત્ર પર દયા, નિર્લોભીપણું, સૌમ્યતા, લજ્જા, નિશ્ચય, તેજ, ક્ષમા, ધૈર્ય, પવિત્રતા, ઈર્ષ્યાથી મુક્તિ તથા માનની ઇચ્છાથી મુક્તિ, આ સર્વ દિવ્ય ગુણો છે કે જે દૈવી પ્રકૃતિવાળા દેવતુલ્ય પુરુષોમાં જોવામાં આવે છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૪ ||
दम्भो दर्पोऽभिमानश्च क्रोधः पारुष्यमेव च ।
अज्ञानं चाभिजातस्य पार्थ सम्पदमासुरीम् ॥ ४ ॥
અનુવાદ
હે પાર્થ, દંભ, દર્પ, અભિમાન, ક્રોધ, કઠોરતા તથા અજ્ઞાન—આ આસુરી પ્રકૃતિવાળા માણસોના ગુણો છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૫ ||
दैवी सम्पद्विमोक्षाय निबन्धायासुरी मता ।
मा शुचः सम्पदं दैवीमभिजातोऽसि पाण्डव ॥ ५ ॥
અનુવાદ
દિવ્ય ગુણો મોક્ષ તરફ લઈ જનારા હોય છે અને આસુરી ગુણો બંધનકારક હોય છે. હે પાંડુપુત્ર, તું ચિંતા કરીશ નહીં, કારણ કે તું દિવ્ય ગુણો સાથે જ જન્મેલો છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૬ ||
द्वौ भूतसर्गौ लोकेऽस्मिन्दैव आसुर एव च ।
दैवो विस्तरशः प्रोक्त आसुरं पार्थ मे शृणु ॥ ६ ॥
અનુવાદ
હે પાર્થ, આ જગતમાં સર્જન પામેલા જીવો બે પ્રકારના હોય છે. એક દૈવી કહેવાય છે અને બીજો આસુરી કહેવાય છે. મેં અગાઉ તને દૈવી ગુણો વિસ્તારથી સમજાવ્યા છે. હવે મારી પાસેથી આસુરી ગુણો વિષે સાંભળ.
♣ ♣ ♣
|| શ્લોક : ૭ ||
प्रवृत्तिं च निवृत्तिं च जना न विदुरासुराः ।
न शौचं नापि चाचारो न सत्यं तेषु विद्यते ॥ ७ ॥
અનુવાદ
જે લોકો આસુરી છે તેઓ જાણતા નથી કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તેઓમાં નથી પવિત્રતા, નથી ઉચિત આચરણ કે નથી સત્ય જોવા મળતું.
♣ ♣ ♣
|| શ્લોક : ૮ ||
असत्यमप्रतिष्ठं ते जगदाहुरनीश्वरम् ।
अपरस्परसम्भूतं किमन्यत्कामहैतुकम् ॥ ८ ॥
અનુવાદ
તેઓ કહે છે કે આ જગત મિથ્યા છે, તેનો કોઈ આધાર નથી અને તેનું નિયમન કરનાર કોઈ ભગવાન નથી. તેમનું કહેવું છે કે તે કામેચ્છાથી ઉત્પન્ન થયેલું છે અને કામ સિવાય તેનું બીજું કોઈ કારણ નથી.
♣ ♣ ♣
|| શ્લોક : ૯ ||
एतां दृष्टिमवष्टभ्य नष्टात्मानोऽल्पबुद्धयः ।
प्रभवन्त्युग्रकर्माणः क्षयाय जगतोऽहिताः ॥ ९ ॥
અનુવાદ
આવા નિષ્કર્ષોને અનુસરનારા આત્મજ્ઞાન ગુમાવી દીધેલા બુદ્ધિહીન આસુરી લોકો એવા અહિતકર તથા ભયાવહ કાર્યોમાં પરોવાયેલા રહે છે કે જે જગતના વિનાશ માટે હોય છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૧૦ ||
काममाश्रित्य दुष्पूरं दम्भमानमदान्विताः ।
मोहाद्गृहीत्वासद्ग्राहान्प्रवर्तन्तेऽशुचिव्रताः ॥ १० ॥
અનુવાદ
કદાપિ સંતુષ્ટ ન થનારા કામનો આશ્રય લઈને તથા ગર્વના મદમાં તથા મિથ્યા પ્રતિષ્ઠામાં ડૂબેલા આસુરી લોકો આ રીતે મોહગ્રસ્ત થઈને હંમેશાં ક્ષણભંગુર વસ્તુઓ દ્વારા અપવિત્ર કર્મનું વ્રત લેતા હોય છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૧૧, ૧૨ ||
चिन्तामपरिमेयां च प्रलयान्तामुपाश्रिताः ।
कामोपभोगपरमा एतावदिति निश्चिताः ॥ ११ ॥
आशापाशशतैर्बद्धाः कामक्रोधपरायणाः ।
ईहन्ते कामभोगार्थमन्यायेनार्थसञ्चयान् ॥ १२ ॥
અનુવાદ
તેઓ એવો વિશ્વાસ ધરાવે છે કે ઇન્દ્રિયોની તૃપ્તિ એ જ માનવ સભ્યતાની મુખ્ય જરૂરિયાત છે. એ રીતે અંતકાળ સુધી તેમને અપાર ચિંતા રહે છે. તેઓ લક્ષાધિ ચિંતાઓની જાળમાં બંધાયેલા રહીને અને કામ તથા ક્રોધમાં ડૂબેલા રહીને ઇન્દ્રિયતૃપ્તિ માટે અનૈતિક સાધનો દ્વારા ધનસંગ્રહ કરે છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૧૩, ૧૪, ૧૫ ||
इदमद्य मया लब्धमिमं प्राप्स्ये मनोरथम् ।
इदमस्तीदमपि मे भविष्यति पुनर्धनम् ॥ १३ ॥
असौ मया हतः शत्रुर्हनिष्ये चापरानपि ।
ईश्वरोऽहमहं भोगी सिद्धोऽहं बलवान्सुखी ॥ १४ ॥
आढ्योऽभिजनवानस्मि कोऽन्योऽस्ति सदृशो मया ।
यक्ष्ये दास्यामि मोदिष्य इत्यज्ञानविमोहिताः ॥ १५ ॥
અનુવાદ
આસુરી મનુષ્યો વિચારે છે, “આજે મારી પાસે આટલું ધન છે અને મારી યોજનાઓ દ્વારા હું વળી વધારે ધન મેળવીશ. હાલમાં મારી પાસે આટલું છે અને ભવિષ્યમાં તે વધીને વધારે થઈ જશે. તે મારો શત્રુ છે અને મેં તેને મારી નાખ્યો છે અને મારા બીજા શત્રુઓ પણ માર્યા જશે. હું બધી વસ્તુઓનો સ્વામી છું. હું ભોક્તા છું. હું સિદ્ધ છું, શક્તિશાળી અને સુખી છું. હું સૌથી વધુ ધનવાન છું તથા મારી આજુબાજુ મારા કુળવાન સંબંધીઓ છે. કોઈ અન્ય મારા જેવો બળવાન તથા સુખી નથી. હું યજ્ઞો કરીશ, હું દાન આપીશ અને એ રીતે આનંદ માણીશ.’ આ પ્રમાણે આવા મનુષ્યો મોહમાં ફસાયેલા હોય છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૧૬ ||
अनेकचित्तविभ्रान्ता मोहजालसमावृताः ।
प्रसक्ताः कामभोगेषु पतन्ति नरकेऽशुचौ ॥ १६ ॥
અનુવાદ
આ પ્રમાણે વિવિધ ચિંતાઓથી ઉદ્વિગ્ન થયેલા અને મોહજાળના બંધનમાં ફસાયેલા, તેઓ ઇન્દ્રિયભોગમાં અત્યંત આસક્ત બને છે તથા નરકમાં પડે છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૧૭ ||
आत्मसम्भाविताः स्तब्धा धनमानमदान्विताः ।
यजन्ते नामयज्ञैस्ते दम्भेनाविधिपूर्वकम् ॥ १७ ॥
અનુવાદ
પોતાને જ શ્રેષ્ઠ માનનારા સદા ઉદ્ધત રહેતા, ધન–સંપત્તિ તથા મિથ્યાભિમાનથી મોહગ્રસ્ત થયેલા લોકો કોઈ વિધિ–વિધાનનું પાલન કર્યા વગર કેટલીક વખત નામ માત્ર માટે ગર્વથી યજ્ઞ કરે છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૧૮ ||
अहङ्कारं बलं दर्पं कामं क्रोधं च संश्रिताः ।
मामात्मपरदेहेषु प्रद्विषन्तोऽभ्यसूयकाः ॥ १८ ॥
અનુવાદ
મિથ્યા અહંકાર, બળ, દર્પ, કામ તથા ક્રોધથી મોહિત થઈને આસુરી મનુષ્યો પોતાના શરીરમાં તથા બીજાઓના શરીરોમાં સ્થિત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની ઈર્ષા કરે છે, તથા વાસ્તવિક ધર્મની નિંદા કરતા રહે છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૧૯ ||
तानहं द्विषतः क्रूरान्संसारेषु नराधमान् ।
क्षिपाम्यजस्रमशुभानासुरीष्वेव योनिषु ॥ १९ ॥
અનુવાદ
જે લોકો ઈર્ષાળુ તથા ક્રૂર છે અને નરાધમ છે તેમને હું વિભિન્ન આસુરી યોનિઓમાં મૂકીને નિરંતર ભવસાગરમાં નાખ્યા કરું છું.
♣ ♣ ♣
|| શ્લોક : ૨૦ ||
आसुरीं योनिमापन्ना मूढा जन्मनि जन्मनि ।
मामप्राप्यैव कौन्तेय ततो यान्त्यधमां गतिम् ॥ २० ॥
અનુવાદ
હે કુંતીપુત્ર, આવા મનુષ્યો આસુરી યોનિમાં વારંવાર જન્મ ગ્રહણ કરીને ક્યારેય મારા સુધી પહોંચી શકતા નથી. તેઓ ક્રમશઃ અત્યંત અધમ જીવનની ગતિને પામે છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૨૧ ||
त्रिविधं नरकस्येदं द्वारं नाशनमात्मनः ।
कामः क्रोधस्तथा लोभस्तस्मादेतत्त्रयं त्यजेत् ॥ २१ ॥
અનુવાદ
આ નરકનાં ત્રણ દ્વાર છે—કામ, ક્રોધ અને લોભ. દરેક શાણા મનુષ્ય તેમનો ત્યાગ કરવો જોઈએ, કારણ કે તેમનાથી આત્માનું પતન થાય છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૨૨ ||
एतैर्विमुक्तः कौन्तेय तमोद्वारैस्त्रिभिर्नरः ।
आचरत्यात्मनः श्रेयस्ततो याति परां गतिम् ॥ २२ ॥
અનુવાદ
હે કુંતીપુત્ર, જે મનુષ્ય આ નરકનાં ત્રણ ધારોથી બચી ગયેલો હોય છે, આત્મ–સાક્ષાત્કાર માટે કલ્યાણકારી કાર્ય કરે છે અને પછી ક્રમશઃ પરમ ગતિ પામે છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૨૩ ||
यः शास्त्रविधिमुत्सृज्य वर्तते कामकारतः ।
न स सिद्धिमवाप्नोति न सुखं न परां गतिम् ॥ २३ ॥
અનુવાદ
જે મનુષ્ય શાસ્ત્રોના આદેશોની અવહેલના કરે છે અને પોતાની ધૂનમાં આવે તેમ મનસ્વી વર્તન કરે છે, તે નથી સિદ્ધિ પામતો, નથી સુખ પામતો કે નથી કે પરમ ગતિ પામતો.
♣ ♣ ♣
|| શ્લોક : ૨૪ ||
तस्माच्छास्त्रं प्रमाणं ते कार्याकार्यव्यवस्थितौ ।
ज्ञात्वा शास्त्रविधानोक्तं कर्म कर्तुमिहार्हसि ॥ २४ ॥
અનુવાદ
તેથી મનુષ્ય શાસ્ત્રોના નિયમનો પરથી સમજવું જોઈએ કે શું કર્તવ્ય છે અને શું કર્તવ્ય નથી. આવા નિયમો અને નિયંત્રણો જાણીને મનુષ્ય એવી રીતે કર્મ કરવું જોઈએ કે જેથી તે ક્રમે ક્રમે ઉન્નતિ પામી શકે.