|| શ્લોક : ૧ ||
अर्जुन उवाच ।
एवं सततयुक्ता ये भक्तास्त्वां पर्युपासते ।
ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः ॥ १ ॥
અનુવાદ
અર્જુને પૂછ્યું :
જેઓ સતત આપની ભક્તિમય સેવામાં લાગેલા રહે છે અને જેઓ અવ્યક્ત નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરે છે, આ બેમાંથી વધારે પૂર્ણ (સિદ્ધ) કોને માનવા?
♣ ♣ ♣
|| શ્લોક : ૨ ||
श्रीभगवानुवाच ।
मय्यावेश्य मनो ये मां नित्ययुक्ता उपासते ।
श्रद्धया परयोपेताः ते मे युक्ततमा मताः ॥ २ ॥
અનુવાદ
પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા :
જે મનુષ્યો મારા સાકાર રૂપમાં પોતાના મનને સ્થિર કરે છે અને અત્યંત શ્રદ્ધાપૂર્વક મારી પૂજા કરવામાં પરાયણ રહે છે તેઓ મારી દૃષ્ટિએ પરમ સિદ્ધ છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૩, ૪ ||
ये त्वक्षरमनिर्देश्यमव्यक्तं पर्युपासते ।
सर्वत्रगमचिन्त्यञ्च कूटस्थमचलन्ध्रुवम् ॥ ३ ॥
सन्नियम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ।
ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः ॥ ४ ॥
અનુવાદ
પરંતુ જે લોકો, વિભિન્ન ઇન્દ્રિયોને સંયમિત કરીને તથા સૌ પ્રત્યે સમભાવ રાખીને, પરમ બ્રહ્મના નિરાકાર પાસામાં તે અવ્યક્તની પુર્ણ રીતે પુજા કરે છે કે જે ઇન્દ્રિયાનુભૂતિથી પર છે, સર્વવ્યાપી છે, અચિંત્ય છે અપરિવર્તનીય છે, અચળ છે તથા સ્થિર છે, તેઓ સર્વના કલ્યાણમાં પરોવાયેલા રહીને અંતે મને પ્રાપ્ત કરે છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૫ ||
क्लेशोऽधिकतरस्तेषामव्यक्तासक्तचेतसाम् ।
अव्यक्ता हि गतिर्दुःखं देहवद्भिरवाप्यते ॥ ५ ॥
અનુવાદ
જે મનુષ્યોનાં મન પરમેશ્વરના અવ્યક્ત, નિર્વિશેષ પાસા પ્રત્યે આસક્ત હોય છે, તેમને માટે પ્રગતિ કરવાનું અત્યંત કષ્ટપ્રદ હોય છે. દેહધારીઓ માટે તે ક્ષેત્રમાં પ્રગતિ સાધવી એ હંમેશાં દુષ્કર હોય છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૬, ૭ ||
ये तु सर्वाणि कर्माणि मयि संन्यस्य मत्पराः ।
अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते ॥ ६ ॥
तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् ।
भवामि नचिरात्पार्थ मय्यावेशितचेतसाम् ॥ ७ ॥
અનુવાદ
પરંતુ જે મનુષ્યો પોતાનાં સર્વ કર્મ મારામાં અર્પિત કરીને તથા અવિચળ ભાવે ભક્તિ કરતા રહી, મારી સેવામાં લાગેલા રહી અને પોતાનાં મનને મારામાં સ્થિર કરી નિરંતર મારું ધ્યાન કરે છે, તેમના માટે હે પાર્થ, હું જન્મ–મરણરૂપી સાગરમાંથી તત્કાળ ઉદ્વાર કરનારો થાઉં છું.
♣ ♣ ♣
|| શ્લોક : ૮ ||
मय्येव मन आधत्स्व मयि बुद्धिं निवेशय ।
निवसिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः ॥ ८ ॥
અનુવાદ
પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર એવા મારામાં તારા ચિત્તને સ્થિર કર અને મારામાં જ તારી સમગ્ર બુદ્ધિને પરોવી દે. એ રીતે, તું સદા મારામાં નિવાસ કરીશ એમાં સંદેહ નથી.
♣ ♣ ♣
|| શ્લોક : ૯ ||
अथ चित्तं समाधातुं न शक्नोषि मयि स्थिरम् ।
अभ्यासयोगेन ततो मामिच्छाप्तुं धनञ्जय ॥ ९ ॥
અનુવાદ
હે પ્રિય અર્જુન, હે ધનંજય, જો તું તારા ચિત્તને અવિચળ ભાવે મારામાં સ્થિર કરી ન શકે, તો તું ભક્તિયોગના વિધિ–વિધાનોનું પાલન કર. એ રીતે, મને પામવાની ઇચ્છાને વિકસિત કર.
♣ ♣ ♣
|| શ્લોક : ૧૦ ||
अभ्यासेऽप्यसमर्थोऽसि मत्कर्मपरमो भव ।
मदर्थमपि कर्माणि कुर्वन्सिद्धिमवाप्स्यसि ॥ १० ॥
અનુવાદ
જો તું ભક્તિયોગના વિધિ–વિધાનોનું પાલન કરી ન શકે, તો મારા માટે કર્મ કરવાનો પ્રયત્ન કર, કારણ કે મારા માટે કર્મ કરવાથી તું પૂર્ણ અવસ્થાને પ્રાપ્ત કરીશ.
♣ ♣ ♣
|| શ્લોક : ૧૧ ||
अथैतदप्यशक्तोऽसि कर्तुं मद्योगमाश्रितः ।
सर्वकर्मफलत्यागं ततः कुरु यतात्मवान् ॥ ११ ॥
અનુવાદ
પરંતુ જો તું મારી આ ભાવનામાં રહી કર્મ કરવા અસમર્થ હોય, તો તું પોતાનાં સર્વ કર્મોનાં ફળોનો ત્યાગ કરી કર્મ કરવાનો તથા આત્મસ્થિત થવાનો પ્રયત્ન કર.
♣ ♣ ♣
|| શ્લોક : ૧૨ ||
श्रेयो हि ज्ञानमभ्यासाज्ज्ञानाद्ध्यानं विशिष्यते ।
ध्यानात्कर्मफलत्यागस्त्यागाच्छान्तिरनन्तरम् ॥ १२ ॥
અનુવાદ
જો તું આ પ્રક્રિયા અપનાવી ન શકે, તો જ્ઞાનોપાર્જનમાં પરોવાઇ જા. જો કે જ્ઞાન કરતાં ધ્યાન શ્રેષ્ઠ છે અને ધ્યાનથી પણ કર્મફળનો ત્યાગ શ્રેષ્ઠ છે, કારણ કે આવા ત્યાગ દ્વારા મનુષ્ય મનની શાંતિ પામી શકે છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૧૩, ૧૪ ||
अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च ।
निर्ममो निरहङ्कारः समदुःखसुखः क्षमी ॥ १३ ॥
सन्तुष्टः सततं योगी यतात्मा दृढनिश्चयः ।
मय्यर्पितमनोबुद्धिर्यो मद्भक्तः स मे प्रियः ॥ १४ ॥
અનુવાદ
જે મનુષ્ય કોઈનો દ્વેષ કરતો નથી, પરંતુ જીવમાત્રનો દયાળુ મિત્ર હોય છે, જે પોતાને સ્વામી માનતો નથી તથા મિથ્યા અહંકારથી રહિત છે, જે સુખ તથા દુઃખમાં સમાન રહે છે, જે સહિષ્ણુ છે, સદા સંતુષ્ટ રહે છે, આત્મસંયમી હોય છે તથા દૃઢ નિશ્ચયપૂર્વક મારામાં મન તથા બુદ્ધિ સ્થિર કરી ભક્તિપરાયણ રહે છે—આવો ભક્ત મને બહુ પ્રિય હોય છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૧૫ ||
यस्मान्नोद्विजते लोको लोकान्नोद्विजते च यः ।
हर्षामर्षभयोद्वेगैर्मुक्तो यः स च मे प्रियः ॥ १५ ॥
અનુવાદ
જે કોઈને કષ્ટ આપતો નથી અને જે અન્ય કોઈના કારણે અસ્વસ્થ થતો નથી, જે સુખ તથા દુઃખમાં, ભય તથા ચિંતામાં સમભાવયુક્ત રહે છે, એવો એ ભક્ત મને બહુ પ્રિય હોય છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૧૬ ||
अनपेक्षः शुचिर्दक्ष उदासीनो गतव्यथः ।
सर्वारम्भपरित्यागी यो मद्भक्तः स मे प्रियः ॥ १६ ॥
અનુવાદ
જે ભક્ત પ્રવૃત્તિઓના સામાન્ય ઘટનાક્રમ પર અવલંબિત રહેતો નથી, જે પવિત્ર, નિપુણ, ચિંતારહિત તથા સમસ્ત દુઃખોથી મુક્ત છે અને કોઈ ફળ માટે પ્રયાસ કરતો નથી, તે મને અત્યંત પ્રિય છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૧૭ ||
यो न हृष्यति न द्वेष्टि न शोचति न काङ्क्षति ।
शुभाशुभपरित्यागी भक्तिमान्यः स मे प्रियः ॥ १७ ॥
અનુવાદ
જે કદી હર્ષ પામતો નથી કે કદી શોક કરતો નથી, જે પશ્ચાતાપ કરતો નથી કે કશું ઇચ્છતો નથી અને જે શુભ તથા અશુભ બંને વસ્તુઓનો પરિત્યાગ કરે છે, તે ભક્ત મને અત્યંત પ્રિય હોય છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૧૮, ૧૯ ||
समः शत्रौ च मित्रे च तथा मानापमानयोः ।
शीतोष्णसुखदुःखेषु समः सङ्गविवर्जितः ॥ १८ ॥
तुल्यनिन्दास्तुतिर्मौनी सन्तुष्टो येन केनचित् ।
अनिकेतः स्थिरमतिर्भक्तिमान्मे प्रियो नरः ॥ १९ ॥
અનુવાદ
જે શત્રુઓ તથા મિત્રો પ્રત્યે સમાન રીતે વર્તે છે, જે માન તથા અપમાનમાં, ઠંડી તથા ગરમીમાં, સુખ તથા દુઃખમાં, કીર્તિ તથા અપકીર્તિમાં સમભાવયુક્ત રહે છે, જે દુઃસંગથી સદા અળગો રહે છે, સદા મૌન ધારણ કરે છે તથા મળે તે વસ્તુથી સંતુષ્ટ રહે છે, જે નિવાસ માટે ઘરની પરવા કરતો નથી, જે જ્ઞાનમાં દૃઢ રહે છે અને ભક્તિમાં સંલગ્ન રહે છે—આવો મનુષ્ય મને અત્યંત પ્રિય છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૨૦ ||
ये तु धर्म्यामृतमिदं यथोक्तं पर्युपासते ।
श्रद्दधाना मत्परमा भक्तास्तेऽतीव मे प्रियाः ॥ २० ॥
અનુવાદ
જેઓ આ ભક્તિયોગના અવિનાશી પંથનું અનુસરણ કરે છે અને મને જ પોતાનું સર્વોપરી ધ્યેય માની શ્રદ્ધાપૂર્વક પૂર્ણ રીતે મારામાં પરાયણ રહે છે, તેવા ભક્તો મને અતિશય પ્રિય હોય છે.