|| શ્લોક : ૧ ||
श्रीभगवानुवाच ।
इदं तु ते गुह्यतमं प्रवक्ष्याम्यनसूयवे ।
ज्ञानं विज्ञानसहितं यज्ज्ञात्वा मोक्ष्यसेऽशुभात् ॥ १ ॥
અનુવાદ
પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા :
પ્રિય અર્જુન, તું કદાપિ મારી ઈર્ષા કરતો નથી, તેથી હું તને આ પરમ ગુહ્ય જ્ઞાન તથા સાક્ષાત્કાર વિષે જણાવીશ કે જે જાણી તું ભૌતિક અસ્તિત્વના સર્વ ક્લેશોમાંથી મુક્ત થઈ જઈશ.
♣ ♣ ♣
|| શ્લોક : ૨ ||
राजविद्या राजगुह्यं पवित्रमिदमुत्तमम् ।
प्रत्यक्षावगमं धर्म्यं सुसुखं कर्तुमव्ययम् ॥ २ ॥
અનુવાદ
આ જ્ઞાન સર્વ વિદ્યાઓનો રાજા છે, જે સર્વ રહસ્યોમાં સર્વાધિક ગુહ્ય છે. તે વિશુદ્ધતમ જ્ઞાન છે અને તે સાક્ષાત્કાર દ્વારા આત્માનો પ્રત્યક્ષ અનુભવ કરાવે છે તેથી તે ધર્મની પૂર્ણતા છે. તે અવિનાશી છે અને આચરવામાં સુખદ છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૩ ||
अश्रद्दधानाः पुरुषा धर्मस्यास्य परन्तप ।
अप्राप्य मां निवर्तन्ते मृत्युसंसारवर्त्मनि ॥ ३ ॥
અનુવાદ
હે શત્રુવિજેતા, જે મનુષ્યો ભક્તિમાં શ્રદ્ધા ધરાવતા નથી તેઓ મને પ્રાપ્ત કરી શકતા નથી. તેથી તેઓ આ ભૌતિક જગતમાં જન્મ–મરણના માર્ગે પાછા આવે છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૪ ||
मया ततमिदं सर्वं जगदव्यक्तमूर्तिना ।
मत्स्थानि सर्वभूतानि न चाहं तेष्ववस्थितः ॥ ४ ॥
અનુવાદ
આ સમગ્ર જગત મારા વડે મારા અવ્યક્ત રૂપમાં વ્યાપ્ત છે. સર્વ જીવો મારામાં છે, પરંતુ હું તેમનામાં નથી.
♣ ♣ ♣
|| શ્લોક : ૫ ||
न च मत्स्थानि भूतानि पश्य मे योगमैश्वरम् ।
भूतभृन्न च भूतस्थो ममात्मा भूतभावनः ॥ ५ ॥
અનુવાદ
તેમ છતાં મારા વડે ઉત્પન્ન બધી વસ્તુઓ મારામાં સ્થિત રહેતી નથી. મારા યોગ–ઐશ્વર્યને તો જો! જો કે હું સર્વ જીવોનો પાલનકર્તા છું અને સર્વત્ર વ્યાપ્ત છું, છતાં હું આ જગતનો અંશ નથી, કારણ કે હું જ તો સર્જનનો મૂળ સ્રોત છું.
♣ ♣ ♣
|| શ્લોક : ૬ ||
यथाकाशस्थितो नित्यं वायुः सर्वत्रगो महान् ।
तथा सर्वाणि भूतानि मत्स्थानीत्युपधारय ॥ ६ ॥
અનુવાદ
જેવી રીતે સર્વત્ર વહેનારો પ્રબળ વાયુ હંમેશાં આકાશમાં સ્થિત રહે છે, તેવી રીતે ઉત્પન્ન થયેલાં સર્વ પ્રાણીઓને મારામાં રહેલાં જાણ.
♣ ♣ ♣
|| શ્લોક : ૭ ||
सर्वभूतानि कौन्तेय प्रकृतिं यान्ति मामिकाम् ।
कल्पक्षये पुनस्तानि कल्पादौ विसृजाम्यहम् ॥ ७ ॥
અનુવાદ
હે કુંતીપુત્ર, કલ્પના અંતે સમગ્ર ભૌતિક સર્જન મારી અંદર પ્રવેશે છે અને અન્ય કલ્પના આરંભમાં, હું તેમને મારી શક્તિથી પુનઃ ઉત્પન્ન કરું છું.
♣ ♣ ♣
|| શ્લોક : ૮ ||
प्रकृतिं स्वामवष्टभ्य विसृजामि पुनः पुनः ।
भूतग्राममिमं कृत्स्नमवशं प्रकृतेर्वशात् ॥ ८ ॥
અનુવાદ
સંપૂર્ણ દેશ્ય જગત મારે અધીન છે. તે મારી ઇચ્છાથી વારંવાર આપમેળે જ પ્રગટ થયા કરે છે અને મારી જ ઇચ્છાથી અંતે વિનષ્ટ થઈ જાય છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૯ ||
न च मां तानि कर्माणि निबध्नन्ति धनञ्जय ।
उदासीनवदासीनमसक्तं तेषु कर्मसु ॥ ९ ॥
અનુવાદ
હૈ ધનંજય, આ સર્વ કર્મો મને બાંધી શકતાં નથી. હું જાણે કે ઉદાસીન રહેલો હોઉં તેમ આ સર્વ ભૌતિક કર્મોથી સદૈવ વિરક્ત રહું છું.
♣ ♣ ♣
|| શ્લોક : ૧૦ ||
मयाध्यक्षेण प्रकृतिः सूयते सचराचरम् ।
हेतुनानेन कौन्तेय जगद्विपरिवर्तते ॥ १० ॥
અનુવાદ
હે કુંતીપુત્ર, મારી શક્તિઓમાંની એક એવી આ ભૌતિક પ્રકૃતિ મારી દેખરેખ હેઠળ કાર્ય કરે છે અને સર્વ ચર તથા અચર જીવોને ઉત્પન્ન કરે છે. તેનાં શાસન હેઠળ, આ જગત વારંવાર સરજાય છે અને વિનષ્ટ થાય છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૧૧ ||
अवजानन्ति मां मूढा मानुषीं तनुमाश्रितम् ।
परं भावमजानन्तो मम भूतमहेश्वरम् ॥ ११ ॥
અનુવાદ
હું જ્યારે મનુષ્ય રૂપે અવતરું છું, ત્યારે મૂર્ખ લોકો મારો ઉપહાસ કરે છે. તેઓ સચરાચરના સર્વોપરી સ્વામી તરીકેની મારી દિવ્ય પ્રકૃતિને જાણતા નથી.
♣ ♣ ♣
|| શ્લોક : ૧૨ ||
मोघाशा मोघकर्माणो मोघज्ञाना विचेतसः ।
राक्षसीमासुरीं चैव प्रकृतिं मोहिनीं श्रिताः ॥ १२ ॥
અનુવાદ
જે લોકો આવી રીતે મોહગ્રસ્ત થયેલા છે, તેઓ આસુરી તથા નાસ્તિક વિચારો પ્રત્યે આકર્ષાય છે. આ મોહગ્રસ્ત અવસ્થામાં તેમની મુક્તિ માટેની આશા, તેમનો સકામ કર્મો અને તેમનું જ્ઞાન–સંવર્ધન એ બધાં જ વ્યર્થ થઈ જાય છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૧૩ ||
महात्मानस्तु मां पार्थ दैवीं प्रकृतिमाश्रिताः ।
भजन्त्यनन्यमनसो ज्ञात्वा भूतादिमव्ययम् ॥ १३ ॥
અનુવાદ
હે પાર્થ, મોહગ્રસ્ત નહીં થયેલા મહાત્મા–પુરુષો દૈવી પ્રકૃતિનાં રક્ષણ હેઠળ હોય છે. તેઓ સંપૂર્ણપણે ભક્તિમય સેવામાં નિમગ્ન રહે છે, કારણ કે તેઓ મને જ આદિ અવિનાશી, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે જાણે છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૧૪ ||
सततं कीर्तयन्तो मां यतन्तश्च दृढव्रताः ।
नमस्यन्तश्च मां भक्त्या नित्ययुक्ता उपासते ॥ १४ ॥
અનુવાદ
તે મહાત્માઓ મારા મહિમાનું નિત્ય કીર્તન કરતા, દેઢ સંકલ્પપૂર્વક પ્રયાસ કરતા, મને નમસ્કાર કરતા ભક્તિભાવે નિરંતર મને ભજે છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૧૫ ||
ज्ञानयज्ञेन चाप्यन्ये यजन्तो मामुपासते ।
एकत्वेन पृथक्त्वेन बहुधा विश्वतोमुखम् ॥ १५ ॥
અનુવાદ
જે અન્ય મનુષ્યો, શાન–સંવર્ધન દ્વારા યજ્ઞમાં પરોવાયેલા રહે છે, તેઓ પરમેશ્વરને એકમેવ અદ્વિતીય રૂપે, અનેક રૂપો ધરાવનારા તરીકે અને વિરાટરૂપે ભજે છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૧૬ ||
अहं क्रतुरहं यज्ञः स्वधाहमहमौषधम् ।
मन्त्रोऽहमहमेवाज्यमहमग्निरहं हुतम् ॥ १६ ॥
અનુવાદ
પરંતુ હું જ કર્મકાંડ, હું જ યજ્ઞ, પિતૃ–તર્પણ, ઔષધિ તેમજ દિવ્ય મંત્રઘોષ છું. હું જ ઘી, અગ્નિ અને આતિ છું.
♣ ♣ ♣
|| શ્લોક : ૧૭ ||
पिताहमस्य जगतो माता धाता पितामहः ।
वेद्यं पवित्रमोङ्कार ऋक्साम यजुरेव च ॥ १७ ॥
અનુવાદ
હું આ બ્રહ્માંડનો પિતા, માતા, આશ્રયદાતા તથા પિતામહ છું. હું જ્ઞાનનો વિષય, વિશુદ્ધિકર્તા તથા ૐકાર છું. હું ૠગ્વેદ, સામવેદ તથા યજુર્વેદ પણ છું.
♣ ♣ ♣
|| શ્લોક : ૧૮ ||
गतिर्भर्ता प्रभुः साक्षी निवासः शरणं सुहृत् ।
प्रभवः प्रलयः स्थानं निधानं बीजमव्ययम् ॥ १८ ॥
અનુવાદ
હું જ પરમ લક્ષ્ય, પાલનકર્તા, સ્વામી, સાક્ષી, ધામ, આશ્રયસ્થાન તથા અત્યંત પ્રિય મિત્ર છું. હું સર્જન તથા પ્રલય, સર્વનો આધાર, આશ્રય તથા અવિનાશી બીજ છું.
♣ ♣ ♣
|| શ્લોક : ૧૯ ||
तपाम्यहमहं वर्षं निगृह्णाम्युत्सृजामि च ।
अमृतं चैव मृत्युश्च सदसच्चाहमर्जुन ॥ १९ ॥
અનુવાદ
હે અર્જુન, હું જ ઉષ્ણતા આપું છું અને હું જ વરસાદને રોકી રાખું છું તથા મોકલું છું. હું અમરત્વ છું અને સાક્ષાત્ મૃત્યુ પણ હું જ છું. ચેતન તત્ત્વ તથા જડ તત્ત્વ બંને મારામાં છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૨૦ ||
त्रैविद्या मां सोमपाः पूतपापा
यज्ञैरिष्ट्वा स्वर्गतिं प्रार्थयन्ते ।
ते पुण्यमासाद्य सुरेन्द्रलोक-
मश्नन्ति दिव्यान्दिवि देवभोगान् ॥ २० ॥
અનુવાદ
જે મનુષ્યો વેદાધ્યયન કરે છે તથા સોમરસનું પાન કરે છે, તેઓ સ્વર્ગ–પ્રાપ્તિ માટે પ્રયત્ન કરીને પરોક્ષ રીતે મારી પૂજા કરે છે. તેઓ પાપકર્મોમાંથી પુણ્યમય, સ્વર્ગીય ઇન્દ્રલોકમાં જન્મ લે છે, જ્યાં તેઓ દેવ જેવો આનંદ ભોગવે છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૨૧ ||
ते तं भुक्त्वा स्वर्गलोकं विशालं
क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति ।
एवं त्रयीधर्ममनुप्रपन्ना
गतागतं कामकामा लभन्ते ॥ २१ ॥
અનુવાદ
એ એ રીતે, જ્યારે તેઓ વિશાળ સ્વર્ગીય ઇન્દ્રિયસુખ ભોગવી લે છે અને તેમનાં પુણ્યકર્મોનાં ફળ પૂરાં થઈ જાય છે, ત્યારે તેઓ આ મૃત્યુલોકમાં પાછા આવે છે. રીતે જે મનુષ્યો ત્રણ વેદોના સિદ્ધાંતોમાં દૃઢ રહીને ઇન્દ્રિય સુખ પામવા પ્રયત્ન કરે છે, તેઓ નિરંતર જન્મ તથા મૃત્યુને પ્રાપ્ત કરતા રહે છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૨૨ ||
अनन्याश्चिन्तयन्तो मां ये जनाः पर्युपासते ।
तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम् ॥ २२ ॥
અનુવાદ
પરંતુ જે લોકો અનન્યભાવે મારા દિવ્ય સ્વરૂપનું સદા ચિંતન કરતા રહી મને ભજે છે, તેમની જરૂરિયાતોની હું પૂર્તિ કરું છું તથા તેમની પાસે જે છે તેનું રક્ષણ કરું છું.
♣ ♣ ♣
|| શ્લોક : ૨૩ ||
येऽप्यन्यदेवता भक्ता यजन्ते श्रद्धयान्विताः ।
तेऽपि मामेव कौन्तेय यजन्त्यविधिपूर्वकम् ॥ २३ ॥
અનુવાદ
હે કુંતીપુત્ર, જે મનુષ્યો અન્ય દેવોના ભક્ત છે અને તેમની શ્રદ્ધાપૂર્વક પૂજા કરે છે, તેઓ વાસ્તવમાં પરોક્ષ રીતે મારી જ પૂજા કરે છે, પરંતુ તેમની તે ઉપાસના, અવિધિપૂર્વકની અર્થાત્ યોગ્ય જ્ઞાનથી રહિત હોય છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૨૪ ||
अहं हि सर्वयज्ञानां भोक्ता च प्रभुरेव च ।
न तु मामभिजानन्ति तत्त्वेनातश्च्यवन्ति ते ॥ २४ ॥
અનુવાદ
હું જ સર્વ યજ્ઞોનો એકમાત્ર ભોક્તા અને સ્વામી છું. તેથી જે મનુષ્યો મારી સાચી દિવ્ય પ્રકૃતિને ઓળખી શકતા નથી, તેઓ અધઃપતિત થાય છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૨૫ ||
यान्ति देवव्रता देवान्पितॄन्यान्ति पितृव्रताः ।
भूतानि यान्ति भूतेज्या यान्ति मद्याजिनोऽपि माम् ॥ २५ ॥
અનુવાદ
જે લોકો દેવોને પૂજે છે તેઓ દેવોમાં જન્મ પામશે, જેઓ પિતૃઓને પૂજે છે તેઓ પિતૃઓ પાસે જાય છે, જેઓ ભૂત–પ્રેતોની ઉપાસના કરે છે તેઓ તેવા જીવોમાં જ જન્મે છે, પરંતુ જેઓ મને ભજે છે તેઓ મારી સાથે જ નિવાસ કરે છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૨૬ ||
पत्रं पुष्पं फलं तोयं यो मे भक्त्या प्रयच्छति ।
तदहं भक्त्युपहृतमश्नामि प्रयतात्मनः ॥ २६ ॥
અનુવાદ
જો કોઈ મનુષ્ય પ્રેમ તથા ભક્તિપૂર્વક મને પર્ણ, ફૂલ, ફળ કે જળ અર્પણ કરે છે, તો હું તેનો સ્વીકાર કરું છું.
♣ ♣ ♣
|| શ્લોક : ૨૭ ||
यत्करोषि यदश्नासि यज्जुहोषि ददासि यत् ।
यत्तपस्यसि कौन्तेय तत्कुरुष्व मदर्पणम् ॥ २७ ॥
અનુવાદ
હે કુંતીપુત્ર, તું જે કંઈ કરે છે, જે કંઈ ખાય છે, જે કંઈ અર્પિત કરે છે અથવા દાન આપે છે અને જે તપસ્યા કરે છે, તે સર્વ મને સમર્પણ કર.
♣ ♣ ♣
|| શ્લોક : ૨૮ ||
शुभाशुभफलैरेवं मोक्ष्यसे कर्मबन्धनैः ।
संन्यासयोगयुक्तात्मा विमुक्तो मामुपैष्यसि ॥ २८ ॥
અનુવાદ
એ રીતે તું કર્મના બંધનમાંથી તથા તેનાં શુભ તથા અશુભ ફળોમાંથી મુક્ત શકીશ. આ સંન્યાસયોગમાં પોતાનાં મનને સ્થિર કરીને તું મુક્તિ પામીશ અને મને શરણાગત થઈશ.
♣ ♣ ♣
|| શ્લોક : ૨૯ ||
समोऽहं सर्वभूतेषु न मे द्वेष्योऽस्ति न प्रियः ।
ये भजन्ति तु मां भक्त्या मयि ते तेषु चाप्यहम् ॥ २९ ॥
અનુવાદ
હું ન તો કોઈનો દ્વેષ કરું છું કે ન તો કોઈનો પક્ષપાત કરું છું. હું સર્વ પ્રત્યે સમભાવયુક્ત છું. પરંતુ જે મનુષ્ય ભક્તિભાવે મારી સેવા કરે છે, તે મારો મિત્ર છે, મારામાં અવસ્થિત હોય છે અને હું પણ તેનો મિત્ર છું.
♣ ♣ ♣
|| શ્લોક : ૩૦ ||
अपि चेत्सुदुराचारो भजते मामनन्यभाक् ।
साधुरेव स मन्तव्यः सम्यग्व्यवसितो हि सः ॥ ३० ॥
અનુવાદ
અત્યંત ઘૃણાસ્પદ કર્મ કરનાર કોઈ મનુષ્ય જો ભક્તિભાવે મારી સેવામાં પરોવાયેલો રહે છે, તો તેને સાધુ માનવો જોઈએ, કારણ કે તે પોતાના નિશ્ચયમાં યોગ્ય રીતે સ્થિર થયેલો છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૩૧ ||
क्षिप्रं भवति धर्मात्मा शश्वच्छान्तिं निगच्छति ।
कौन्तेय प्रतिजानीहि न मे भक्तः प्रणश्यति ॥ ३१ ॥
અનુવાદ
તે તરત જ ધર્માત્મા બની જાય છે અને સ્થાયી શાંતિ પ્રાપ્ત કરે છે. હે કુંતીપુત્ર, નિર્ભય થઈને ઘોષણા કર કે મારા ભક્તનો કદાપિ વિનાશ થતો નથી.
♣ ♣ ♣
|| શ્લોક : ૩૨ ||
मां हि पार्थ व्यपाश्रित्य येऽपि स्युः पापयोनयः ।
स्त्रियो वैश्यास्तथा शूद्रास्तेऽपि यान्ति परां गतिम् ॥ ३२ ॥
અનુવાદ
હે પાર્થ, જે મનુષ્યો મારું શરણ ગ્રહણ કરે છે, તેઓ ભલે નિમ્ન યોનિમાં જન્મેલા–સ્ત્રીઓ, વૈશ્યો(વેપારી) તથા શૂદ્રો(શ્રમિકો) હોય, તો પણ તેઓ પરમ ગતિ પ્રાપ્ત કરે છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૩૩ ||
किं पुनर्ब्राह्मणाः पुण्या भक्ता राजर्षयस्तथा ।
अनित्यमसुखं लोकमिमं प्राप्य भजस्व माम् ॥ ३३ ॥
અનુવાદ
તો પછી ધર્માત્મા બ્રાહ્મણો, ભક્તો તથા રાજર્ષિઓ વિષે કહેવાનું જ શું હોઈ કે? માટે આ ક્ષણિક, દુ:ખમય જગતમાં જન્મીને મારી પ્રેમમય સેવામાં પોતાને પરોવી દો.
♣ ♣ ♣
|| શ્લોક : ૩૪ ||
मन्मना भव मद्भक्तो मद्याजी मां नमस्कुरु ।
मामेवैष्यसि युक्त्वैवमात्मानं मत्परायणः ॥ ३४ ॥
અનુવાદ
તારા મનને મારા નિત્ય ચિંતનમાં પરોવી દે, મારો ભક્ત થા, મને નમસ્કાર કર અને મારી જ પૂજા કર. એ રીતે મારામાં સંપૂર્ણ રીતે તન્મય થઈને, તું નક્કી મને પ્રાપ્ત કરીશ.
* * *
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु
ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे
राजविद्याराजगुह्ययोगो नाम नवमोऽध्यायः ॥ ९ ॥