|| શ્લોક : ૧ ||
अर्जुन उवाच ।
किं तद् ब्रह्म किमध्यात्मं किं कर्म पुरुषोत्तम ।
अधिभूतं च किं प्रोक्तमधिदैवं किमुच्यते ॥ १ ॥
અનુવાદ
અર્જુને કહ્યું :
હે ભગવાન, હે પુરુષોત્તમ, બ્રહ્મ શું છે? આત્મા શું છે? સકામ કર્મ શું છે? આ ભૌતિક જગત શું છે? અને દેવો શું છે? કૃપા કરી, આ બધું મને સમજાવો.
* * *
|| શ્લોક : ૨ ||
अधियज्ञः कथं कोऽत्र देहेऽस्मिन्मधुसूदन ।
प्रयाणकाले च कथं ज्ञेयोऽसि नियतात्मभिः ॥ २ ॥
અનુવાદ
હે મધુસૂદન, યજ્ઞના સ્વામી કોણ છે અને તેઓ શરીરમાં કેવી રીતે રહે છે? વળી ભક્તિમાં પરોવાયેલા મનુષ્યો, અંતકાળે આપને કેવી રીતે જાણી શકે છે?
* * *
|| શ્લોક : ૩ ||
श्रीभगवानुवाच ।
अक्षरं ब्रह्म परमं स्वभावोऽध्यात्ममुच्यते ।
भूतभावोद्भवकरो विसर्गः कर्मसंज्ञितः ॥ ३ ॥
અનુવાદ
પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહ્યું :
અવિનાશી તથા દિવ્ય જીવને બ્રહ્મ કહે છે અને તેના સનાતન સ્વભાવને અધ્યાત્મ અથવા આત્મા કહે છે. જીવોનાં ભૌતિક શરીરોનો વિકાસ થવાની પ્રક્રિયા સાથે સંકળાયેલાં કાર્યોને કર્મ અથવા સકામ કર્મ કહે છે.
* * *
|| શ્લોક : ૪ ||
अधिभूतं क्षरो भावः पुरुषश्चाधिदैवतम् ।
अधियज्ञोऽहमेवात्र देहे देहभृतां वर ॥ ४ ॥
અનુવાદ
હે દેહધારીઓમાં શ્રેષ્ઠ, નિરંતર પરિવર્તનશીલ આ ભૌતિક પ્રકૃતિ અધિભૂત (ભૌતિક પ્રાગટ્ય) કહેવાય છે. સૂર્ય તથા ચંદ્ર જેવા દેવોનો જેમાં સમાવેશ થાય છે તે ભગવાનનું વિરાટરૂપ અધિદેવ કહેવાય છે અને પ્રત્યેક દેહધારીના હૃદયમાં પરમાત્મારૂપે સ્થિત હું પરમેશ્વર અધિયજ્ઞ (યજ્ઞનો સ્વામી) કહેવાઉં છું.
* * *
|| શ્લોક : ૫ ||
अन्तकाले च मामेव स्मरन्मुक्त्वा कलेवरम् ।
यः प्रयाति स मद्भावं याति नास्त्यत्र संशयः ॥ ५ ॥
અનુવાદ
જે મનુષ્ય મૃત્યુ સમયે કેવળ મારું સ્મરણ કરતો શરીર તજે છે, તે તરત જ મારી પ્રકૃતિને પામે છે. આમાં લેશમાત્ર સંદેહ નથી.
* * *
|| શ્લોક : ૬ ||
यं यं वापि स्मरन्भावं त्यजत्यन्ते कलेवरम् ।
तं तमेवैति कौन्तेय सदा तद्भावभावितः ॥ ६ ॥
અનુવાદ
હે કુંતીપુત્ર, શરીરનો ત્યાગ કરતી વખતે મનુષ્ય જે જે ભાવનું સ્મરણ કરે છે, એવા જ ભાવને તે નિશ્ચિતપણે પ્રાપ્ત કરે છે.
* * *
|| શ્લોક : ૭ ||
तस्मात्सर्वेषु कालेषु मामनुस्मर युध्य च |
मय्यर्पितमनोबुद्धिर्मामेवैष्यस्यसंशयम् || ७ ||
અનુવાદ
તેથી હે અર્જુન, તારે સદા કૃષ્ણરૂપમાં રહેલા મારું ચિંતન કરતા રહેવું અને તે સાથે જ યુદ્ધ કરવાનું તારું નિર્ધારિત કર્તવ્ય પણ કરવું જાઈએ. તારાં કાર્યોનું મને સમર્પણ કરીને અને તારાં મન તથા બુદ્ધિને મારામાં સ્થિર કરીને, તું નિશ્ચિતપણે મને પ્રાપ્ત કરીશ.
* * *
|| શ્લોક : ૮ ||
अभ्यासयोगयुक्तेन चेतसा नान्यगामिना ।
परमं पुरुषं दिव्यं याति पार्थानुचिन्तयन् ॥ ८ ॥
અનુવાદ
હે પાર્થ, જે મનુષ્ય પોતાના મનને મારું સ્મરણ કરવામાં સદા મગ્ન રાખીને અવિચળ ભાવથી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરરૂપે મારું ધ્યાન કરે છે, તે નિશ્ચિતપણે મને પ્રાપ્ત કરે છે.
* * *
|| શ્લોક : ૯ ||
कविं पुराणमनुशासितार-
मणोरणीयंसमनुस्मरेद्यः ।
सर्वस्य धातारमचिन्त्यरूप-
मादित्यवर्णं तमसः परस्तात् ॥ ९ ॥
અનુવાદ
મનુષ્ય પરમ પુરુષનું ધ્યાન સર્વજ્ઞ, પુરાતન, નિયંતા, લઘુતરથી પણ લઘુતમ, સર્વના પાલનકર્તા, સમસ્ત ભૌતિક કલ્પનાથી પર, અચિંત્ય તથા જેઓ હંમેશાં એક વ્યક્તિ છે એ તરીકે કરવું જોઈએ. તેઓ સૂર્ય સમાન તેજસ્વી છે, દિવ્ય છે અને આ ભૌતિક પ્રકૃતિથી પર છે.
* * *
|| શ્લોક : ૧૦ ||
प्रयाणकाले मनसाऽचलेन
भक्त्या युक्तो योगबलेन चैव ।
भ्रुवोर्मध्ये प्राणमावेश्य सम्यक्
स तं परं पुरुषमुपैति दिव्यम् ॥ १० ॥
અનુવાદ
મૃત્યુ સમયે જે મનુષ્ય પોતાના પ્રાણને બે ભમ્મરની વચ્ચે સ્થિર કરીને યોગબળે અવિચળ મનથી પૂર્ણ ભક્તિ સહ પરમેશ્વરના સ્મરણમાં પોતાને પરોવી દે છે, નિશ્ચિતરૂપે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને પામે છે.
* * *
|| શ્લોક : ૧૧ ||
यदक्षरं वेदविदो वदन्ति
विशन्ति यद्यतयो वीतरागाः ।
यदिच्छन्तो ब्रह्मचर्यं चरन्ति
तत्ते पदं सङ्ग्रहेण प्रवक्ष्ये ॥ ११ ॥
અનુવાદ
જેઓ વેદોના જાણકાર છે, જેઓ ૐકારનું ઉચ્ચારણ કરે છે અને જેઓ સંન્યાસાશ્રમમાં રહેલા મહાન મુનિઓ છે, તેઓ બ્રહ્મમાં પ્રવેશ કરે છે. આવી સિદ્ધિની ઇચ્છા કરનાર વ્યક્તિ બ્રહ્મચર્યવ્રતનું પાલન કરે છે. હવે હું તને આ પ્રક્રિયા પરમ પ સંક્ષેપમાં વર્ણવીશ કે જે દ્વારા કોઈ પણ મનુષ્ય મુક્તિ પ્રાપ્ત કરી શકે છે.
* * *
|| શ્લોક : ૧૨ ||
सर्वद्वाराणि संयम्य मनो हृदि निरुध्य च ।
मूर्ध्न्याधायात्मनः प्राणमास्थितो योगधारणाम् ॥ १२ ॥
અનુવાદ
સમસ્ત ઇન્દ્રિયોનાં કાર્યોથી વિરક્તિને યોગની સ્થિતિ (યોગધારણા) કહેવામાં આવે છે. ઈંન્દ્રિયોનાં બધાં દ્વારો બંધ કરવા તથા મનને હૃદયમાં અને પ્રાણને મસ્તકના શિખર પર (અર્થાત્ બ્રહ્મરંધ્રમાં) કેન્દ્રિત કરીને મનુષ્ય પોતાને યોગમાં પ્રસ્થાપિત કરે છે.
* * *
|| શ્લોક : ૧૩ ||
ओमित्येकाक्षरं ब्रह्म व्याहरन्मामनुस्मरन् ।
यः प्रयाति त्यजन्देहं स याति परमां गतिम् ॥ १३ ॥
અનુવાદ
આ યોગાભ્યાસમાં સ્થિત થયા પછી તથા અક્ષરોના પરમ સંયોજન કારનું ઉચ્ચારણ કરતા રહી, જો કોઈ મનુષ્ય પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનું ચિંતન કરે છે અને દેહનો ત્યાગ કરે છે, તો તે નિશ્ચિતપણે દિવ્યલોકમાં જાય છે.
* * *
|| શ્લોક : ૧૪ ||
अनन्यचेताः सततं यो मां स्मरति नित्यशः ।
तस्याहं सुलभः पार्थ नित्ययुक्तस्य योगिनः ॥ १४ ॥
અનુવાદ
હે પૃથાપુત્ર અર્જુન, જે મનુષ્ય અનન્ય ભાવે નિરંતર મારું સ્મરણ કરતો રહે છે, તેને માટે હું સુલભ છું કારણ કે તે મારી ભક્તિમય સેવામાં નિરંતર પ્રવૃત્ત રહે છે.
* * *
|| શ્લોક : ૧૫ ||
मामुपेत्य पुनर्जन्म दुःखालयमशाश्वतम् ।
नाप्नुवन्ति महात्मानः संसिद्धिं परमां गताः ॥ १५ ॥
અનુવાદ
મને પ્રાપ્ત કર્યા પછી, મહાત્માજનો કે જેઓ ભક્તિયોગી છે, તેઓ દુ:ખમય તેવા આ ક્ષણભંગુર જગતમાં કદાપિ પાછા આવતા નથી, કારણ કે તેમણે પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
* * *
|| શ્લોક : ૧૬ ||
आब्रह्मभुवनाल्लोकाः पुनरावर्तिनोऽर्जुन ।
मामुपेत्य तु कौन्तेय पुनर्जन्म न विद्यते ॥ १६ ॥
અનુવાદ
હે અર્જુન, આ ભૌતિક જગતમાં સર્વોચ્ચ લોકથી માંડીને નિમ્નતમ સુધીના બધા જ દુઃખોનાં સ્થાન છે કે જ્યાં વારંવાર જન્મ તથા મરણ થયા કરે છે. કુંતીપુત્ર, જે મનુષ્ય મારા ધામને પામે છે, તે કદાપિ પુનર્જન્મ પામતો નથી.
* * *
|| શ્લોક : ૧૭ ||
सहस्रयुगपर्यन्तमहर्यद् ब्रह्मणो विदुः ।
रात्रिं युगसहस्रान्तां तेऽहोरात्रविदो जनाः ॥ १७ ॥
અનુવાદ
માનવીય ગણના અનુસાર, એક હજાર યુગ મળીને બ્રહ્માજીનો એક દિવસ થાય છે વળી તેમની રાત્રિની અવધિ પણ એટલી જ હોય છે.
* * *
|| શ્લોક : ૧૮ ||
अव्यक्ताद् व्यक्तयः सर्वाः प्रभवन्त्यहरागमे ।
रात्र्यागमे प्रलीयन्ते तत्रैवाव्यक्तसंज्ञके ॥ १८ ॥
અનુવાદ
બ્રહ્માના દિવસના આરંભકાળે બધા જીવો અવ્યક્ત દશામાંથી વ્યક્ત થાય છે અને પછી જ્યારે બ્રહ્માની રાત પડે છે ત્યારે તેઓ પુનઃ અવ્યક્ત દશાને પામે છે.
* * *
|| શ્લોક : ૧૯ ||
भूतग्रामः स एवायं भूत्वा भूत्वा प्रलीयते ।
रात्र्यागमेऽवशः पार्थ प्रभवत्यहरागमे ॥ १९ ॥
અનુવાદ
વારંવાર, જ્યારે બ્રહ્માનો દિવસ ઉદય પામે છે, ત્યારે બધા જીવો પ્રગટ થાય છે, અને બ્રહ્માની રાત શરૂ થતાં જ તેઓ અસહાયપણે નાશ પામે છે.
* * *
|| શ્લોક : ૨૦ ||
परस्तस्मात्तु भावोऽन्योऽव्यक्तोऽव्यक्तात्सनातनः ।
यः स सर्वेषु भूतेषु नश्यत्सु न विनश्यति ॥ २० ॥
અનુવાદ
આ સિવાય એક અન્ય અવ્યક્ત પ્રકૃતિ છે, જે શાશ્વત છે અને આ વ્યક્ત તથા અવ્યક્ત પદાર્થથી પર છે. તે સર્વોપરી અને કદાપિ નષ્ટ ન થનારી છે. જ્યારે આ જગતમાંનું બધું જ નાશ પામે છે, ત્યારે પણ તે ભાગ તેમનો તેમ જ રહે છે.
* * *
|| શ્લોક : ૨૧ ||
अव्यक्तोऽक्षर इत्युक्तस्तमाहुः परमां गतिम् ।
यं प्राप्य न निवर्तन्ते तद्धाम परमं मम ॥ २१ ॥
અનુવાદ
જેને વેદાંતી અપ્રગટ તથા અવિનાશી કહે છે, જે પરમ ગતિ કહેવાય છે અને જેને પ્રાપ્ત કર્યા પછી કોઈને ત્યાંથી પાછા આવવું પડતું નથી, તે મારું પરમ ધામ છે.
* * *
|| શ્લોક : ૨૨ ||
पुरुषः स परः पार्थ भक्त्या लभ्यस्त्वनन्यया ।
यस्यान्तःस्थानि भूतानि येन सर्वमिदं ततम् ॥ २२ ॥
અનુવાદ
જેઓ સૌથી મહાન છે, તે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર અનન્ય ભક્તિ દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે. તેઓ પોતાના ધામમાં વિદ્યમાન રહે છે, તેમ છતાં તેઓ સર્વત્ર વ્યાપેલા છે અને તેમની અંદર બધું જ સ્થિત છે.
* * *
|| શ્લોક : ૨૩ ||
यत्र काले त्वनावृत्तिमावृत्तिं चैव योगिनः ।
प्रयाता यान्ति तं कालं वक्ष्यामि भरतर्षभ ॥ २३ ॥
અનુવાદ
હે ભરતશ્રેષ્ઠ, જે કાળે જગતમાંથી વિદાય લેતાં યોગીને પુનર્જન્મ પ્રાપ્ત થાય છે અને જે કાળે વિદાય લેતાં પુનર્જન્મ પ્રાપ્ત થતો નથી એવા વિભિન્ન કાળ વિષે હવે હું તને કહીશ.
* * *
|| શ્લોક : ૨૪ ||
अग्निर्ज्योतिरहः शुक्लः षण्मासा उत्तरायणम् ।
तत्र प्रयाता गच्छन्ति ब्रह्म ब्रह्मविदो जनाः ॥ २४ ॥
અનુવાદ
જે મનુષ્યો પરબ્રહ્મના જ્ઞાતા છે, તેઓ અગ્નિદેવના પ્રભાવ દરમ્યાન, પ્રકાશમાં, દિવસના શુભ સમયે, શુક્લપક્ષમાં અથવા સૂર્ય ઉત્તરાયણમાં હોય ત્યારે, એ છ મહિના દરમ્યાન આ જગતમાંથી દેહત્યાગ કરે છે, તેઓ એ પરબ્રહ્મને પામે છે.
* * *
|| શ્લોક : ૨૫ ||
धूमो रात्रिस्तथा कृष्णः षण्मासा दक्षिणायनम् ।
तत्र चान्द्रमसं ज्योतिर्योगी प्राप्य निवर्तते ॥ २५ ॥
અનુવાદ
ધૂમાડો, રાત્રિ, કૃષ્ણપક્ષમાં કે સૂર્ય દક્ષિણાયનમાં હોય તે છ માસમાં જે યોગી મૃત્યુ પામે છે, તે ચંદ્રલોકમાં જાય છે, પરંતુ ત્યાંથી પુનઃ પાછો આવે છે.
* * *
|| શ્લોક : ૨૬ ||
शुक्लकृष्णे गती ह्येते जगतः शाश्वते मते ।
एकया यात्यनावृत्तिमन्ययावर्तते पुनः ॥ २६ ॥
અનુવાદ
વૈદિક મતાનુસાર, આ જગતમાંથી પ્રયાણ કરવાના બે માર્ગ છે ઃ એક પ્રકાશનો (શુક્લ પક્ષ) અને બીજો અંધકારનો (કૃષ્ણ પક્ષ). જ્યારે મનુષ્ય પ્રકાશમાં પ્રયાણ કરે છે ત્યારે તે પાછો આવતો નથી, પણ જ્યારે મનુષ્ય અંધકારમાં પ્રયાણ કરે છે, ત્યારે તે પાછો આવે છે.
* * *
|| શ્લોક : ૨૭ ||
नैते सृती पार्थ जानन्योगी मुह्यति कश्चन ।
तस्मात्सर्वेषु कालेषु योगयुक्तो भवार्जुन ॥ २७ ॥
અનુવાદ
હે અર્જુન, જો કે ભક્તો આ બંને માર્ગોને જાણે છે, છતાં તેઓ મોહગ્રસ્ત થતા નથી, માટે તું સદા ભક્તિમાં સ્થિર રહે.
* * *
|| શ્લોક : ૨૮ ||
वेदेषु यज्ञेषु तपःसु चैव
दानेषु यत्पुण्यफलं प्रदिष्टम् ।
अत्येति तत्सर्वमिदं विदित्वा
योगी परं स्थानमुपैति चाद्यम् ॥ २८ ॥
અનુવાદ
જે મનુષ્ય ભક્તિમય સેવાના માર્ગનો સ્વીકાર કરે છે, તે વેદાધ્યયન, તપ, યજ્ઞ, દાન કરવાથી અથવા તાત્ત્વિક કે સકામ કર્મ કરવાથી પ્રાપ્ત થનારાં ફળોથી વંચિત રહેતો નથી. તે કેવળ ભક્તિ કરવાથી જ આ સર્વ ફળો પામે છે અને અંતે સર્વોપરી સનાતન ધામને પામે છે.
* * *
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु
ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे
अक्षरब्रह्मयोगो नामाष्टमोऽध्यायः ॥ ८ ॥
॥ જય શ્રી કૃષ્ણ ॥
——————
॥ 卐 ॥