|| શ્લોક : ૧ ||
श्रीभगवानुवाच ।
मय्यासक्तमनाः पार्थ योगं युञ्जन्मदाश्रयः ।
असंशयं समग्रं मां यथा ज्ञास्यसि तच्छृणु ॥ १ ॥
અનુવાદ
પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા :
હે પૃથાપુત્ર, હવે સાંભળ કે તું કેવી રીતે મારી ભાવનાથી પૂર્ણ રહી અને મનને મારામાં અનુરક્ત કરીને યોગાભ્યાસ કરતો રહી મને સંપૂર્ણપણે સંદેહરહિત થઈ જાણી શકીશ.
* * *
|| શ્લોક : ૨ ||
ज्ञानं तेऽहं सविज्ञानमिदं वक्ष्याम्यशेषतः ।
यज्ज्ञात्वा नेह भूयोऽन्यज्ज्ञातव्यमवशिष्यते ॥ २ ॥
અનુવાદ
હવે, હું તને પૂર્ણરૂપે ઇન્દ્રિયગમ્ય તથા દિવ્ય એમ બંને જ્ઞાન વિષે કહીશ. આ જાણ્યા પછી, તારે જાણવા યોગ્ય કશું જ બાકી રહેશે નહીં.
* * *
|| શ્લોક : ૩ ||
मनुष्याणां सहस्रेषु कश्चिद्यतति सिद्धये ।
यततामपि सिद्धानां कश्चिन्मां वेत्ति तत्त्वतः ॥ ३ ॥
અનુવાદ
હજારો મનુષ્યોમાંથી કોઈ એક સિદ્ધિ પામવા પ્રયત્ન કરે છે અને આ પ્રમાણે સિદ્ધિ પ્રાપ્ત કરનારામાંથી ભાગ્યે જ કોઈ એક, મને વાસ્તવમાં જાણે છે.
* * *
|| શ્લોક : ૪ ||
भूमिरापोऽनलो वायुः खं मनो बुद्धिरेव च ।
अहङ्कार इतीयं मे भिन्ना प्रकृतिरष्टधा ॥ ४ ॥
અનુવાદ
પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ તથા અહંકાર–એ આઠ મારી વિભિન્ન ભૌતિક શક્તિઓ છે.
* * *
|| શ્લોક : ૫ ||
अपरेयमितस्त्वन्यां प्रकृतिं विद्धि मे पराम् ।
जीवभूतां महाबाहो ययेदं धार्यते जगत् ॥ ५ ॥
અનુવાદ
વળી હે મહાબાહુ અર્જુન, આ નિકૃષ્ટ શક્તિ ઉપરાંત, મારી એક અન્ય ચડિયાતી પરા શક્તિ પણ છે કે જે જીવોની બનેલી છે અને જે ભૌતિક પ્રકૃતિ સાથે સંઘર્ષ કર્યા કરે છે અને તેનાં સંસાધનોનો ઉપભોગ કરે છે.
* * *
|| શ્લોક : ૬ ||
एतद्योनीनि भूतानि सर्वाणीत्युपधारय ।
अहं कृत्स्नस्य जगतः प्रभवः प्रलयस्तथा ॥ ६ ॥
અનુવાદ
સર્વ સર્જાયેલા જીવોનો ઉદ્ભવ આ બંને શક્તિઓમાં રહેલો છે. આ જગતમાં જે કંઈ ભૌતિક અને આધ્યાત્મિક છે, તે સર્વની ઉત્પત્તિ તથા વિનાશરૂપ મને જ જાણ.
* * *
|| શ્લોક : ૭ ||
मत्तः परतरं नान्यत्किञ्चिदस्ति धनञ्जय ।
मयि सर्वमिदं प्रोतं सूत्रे मणिगणा इव ॥ ७ ॥
અનુવાદ
હે ધનંજય, મારાથી શ્રેષ્ઠ એવું કોઈ તત્વ (સત્ય ) નથી. જેવી રીતે મોતી દોરામાં ગુંથાયેલાં રહે છે, તેવી રીતે સર્વ કાંઈ મારા આધારે રહેલું છે.
* * *
|| શ્લોક : ૮ ||
रसोऽहमप्सु कौन्तेय प्रभास्मि शशिसूर्ययोः ।
प्रणवः सर्ववेदेषु शब्दः खे पौरुषं नृषु ॥ ८ ॥
અનુવાદ
હે કુંતીપુત્ર અર્જુન, હું પાણીમાં સ્વાદ છું, સૂર્ય તથા ચંદ્રનો પ્રકાશ છું. વૈદિક મંત્રોમાં ૐકાર છું, હું આકાશમાં શબ્દ તથા મનુષ્યોમાં સામર્થ્ય છું.
* * *
|| શ્લોક : ૯ ||
पुण्यो गन्धः पृथिव्यां च तेजश्चास्मि विभावसौ ।
जीवनं सर्वभूतेषु तपश्चास्मि तपस्विषु ॥ ९ ॥
અનુવાદ
હું પૃથ્વીની આદ્ય સુગંધ તથા અગ્નિની ઊષ્ણતા છું, હું જીવમાત્રનું જીવન તથા તપસ્વીઓનું તપ છું.
* * *
|| શ્લોક : ૧૦ ||
बीजं मां सर्वभूतानां विद्धि पार्थ सनातनम् ।
बुद्धिर्बुद्धिमतामस्मि तेजस्तेजस्विनामहम् ॥ १० ॥
અનુવાદ
હે પૃથાપુત્ર, જાણી લે કે હું જ સર્વ જીવોનું આદિ બીજ છું, બુદ્ધિમાનોની બુદ્ધિ છું અને સર્વ શક્તિશાળી પુરુષોનું તેજ છું.
* * *
|| શ્લોક : ૧૧ ||
बलं बलवतां चाहं कामरागविवर्जितम् ।
धर्माविरुद्धो भूतेषु कामोऽस्मि भरतर्षभ ॥ ११ ॥
અનુવાદ
હું બળવાનોનું કામ તથા વાસના રહિત બળ છું. હે ભરતશ્રેષ્ઠ અર્જુન, ધર્મના સિદ્ધાંતોની વિરૂદ્ધનું ન હોય તેવું જાતીય જીવન હું જ છું.
* * *
|| શ્લોક : ૧૨ ||
ये चैव सात्त्विका भावा राजसास्तामसाश्च ये ।
मत्त एवेति तान्विद्धि न त्वहं तेषु ते मयि ॥ १२ ॥
અનુવાદ
તું જાણી લે કે સર્વ ભાવ, પછી તે સત્ત્વગુણી હોય, રજોગુણી હોય કે તમોગુણી હોય, તે બધા જ મારી શક્તિ દ્વારા પ્રગટ થયેલા છે. એક રીતે હું સર્વ કાંઈ છું, પરંતુ સ્વતંત્ર છું. હું ભૌતિક પ્રકૃતિના ગુણોને અધીન નથી, બલ્કે તેઓ મારે અધીન છે.
* * *
|| શ્લોક : ૧૩ ||
त्रिभिर्गुणमयैर्भावैरेभिः सर्वमिदं जगत् ।
मोहितं नाभिजानाति मामेभ्यः परमव्ययम् ॥ १३ ॥
અનુવાદ
ત્રણ ગુણો (સત્ત્વ, રજ તથા તમ) દ્વારા મોહ પામેલું આ સમગ્ર જગત ગુણાતીત તથા અવિનાશી એવા મને જાણતું નથી.
* * *
|| શ્લોક : ૧૪ ||
दैवी ह्येषा गुणमयी मम माया दुरत्यया ।
मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते ॥ १४ ॥
અનુવાદ
ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણોની બનેલી મારી આ દૈવી માયાને જીતવી અત્યંત દુષ્કર છે, પરંતુ જેઓ મને શરણાગત થઈ જાય છે, તેઓ તેને સરળતાથી પાર કરી જાય છે.
* * *
|| શ્લોક : ૧૫ ||
न मां दुष्कृतिनो मूढाः प्रपद्यन्ते नराधमाः ।
माययापहृतज्ञाना आसुरं भावमाश्रिताः ॥ १५ ॥
અનુવાદ
જે મનુષ્યો તદન મૂર્ખ છે, જેઓ મનુષ્યોમાં અધમ છે, જેમનું જ્ઞાન માયા વડે હરાઇ ગયું છે અને જેઓ અસુરોની નાસ્તિક પ્રકૃતિ ધરાવનારા છે, એવા દુષ્ટો, મારું શરણ ગ્રહણ કરતા નથી.
* * *
|| શ્લોક : ૧૬ ||
चतुर्विधा भजन्ते मां जनाः सुकृतिनोऽर्जुन ।
आर्तो जिज्ञासुरर्थार्थी ज्ञानी च भरतर्षभ ॥ १६ ॥
અનુવાદ
હે ભરતશ્રેષ્ઠ, ચાર પ્રકારના પુણ્યશાળી મનુષ્યો મારી ભક્તિમય સેવા કરે છે– દુ:ખી, અર્થાર્થી, જિજ્ઞાસુ અને જે પરમ સત્યના જ્ઞાનની શોધમાં છે તે.
* * *
|| શ્લોક : ૧૭ ||
तेषां ज्ञानी नित्ययुक्त एकभक्तिर्विशिष्यते ।
प्रियो हि ज्ञानिनोऽत्यर्थमहं स च मम प्रियः ॥ १७ ॥
અનુવાદ
આમાંનો જે પૂર્ણજ્ઞાની છે અને શુદ્ધ ભક્તિમાં તલ્લીન રહે છે, તે સર્વશ્રેષ્ઠ છે, કારણ કે હું તેને અત્યંત પ્રિય છું અને તે મને પ્રિય છે.
* * *
|| શ્લોક : ૧૮ ||
उदाराः सर्व एवैते ज्ञानी त्वात्मैव मे मतम् ।
आस्थितः स हि युक्तात्मा मामेवानुत्तमां गतिम् ॥ १८ ॥
અનુવાદ
આ બધા ભક્તો નિઃસંદેહ ઉદાર મનવાળા મનુષ્યો છે, પરંતુ જે મનુષ્ય મારા જ્ઞાનમાં સ્થિત થયેલો છે, તેને હું મારા પોતાના આત્મા સમાન ગણું છું. તે મારી દિવ્ય સેવામાં તન્મય રહેતો હોવાથી, તે સર્વોચ્ચ તથા સર્વથા સંપૂર્ણ ધ્યેય એવા મને નિશ્ચિતરૂપે પ્રાપ્ત કરે છે.
* * *
|| શ્લોક : ૧૯ ||
बहूनां जन्मनामन्ते ज्ञानवान्मां प्रपद्यते ।
वासुदेवः सर्वमिति स महात्मा सुदुर्लभः ॥ १९ ॥
અનુવાદ
અનેક જન્મ–જન્માંતરો પછી જે મનુષ્યને ખરેખર જ્ઞાન થાય છે, તે મને સર્વ કારણોના કારણ જાણી મારે શરણે આવે છે. આવો મહાત્મા અતિ દુર્લભ હોય છે.
* * *
|| શ્લોક : ૨૦ ||
कामैस्तैस्तैर्हृतज्ञानाः प्रपद्यन्तेऽन्यदेवताः ।
तं तं नियममास्थाय प्रकृत्या नियताः स्वया ॥ २० ॥
અનુવાદ
જેમની બુદ્ધિ ભૌતિક ઇચ્છાઓ દ્વારા હરાઇ ગઈ છે, તેઓ દેવોના શરણે જાય છે અને તેઓ પોતપોતાના સ્વભાવ પ્રમાણે પૂજાનાં વિશિષ્ટ વિધિ–વિધાનોને અનુસરે છે.
* * *
|| શ્લોક : ૨૧ ||
यो यो यां यां तनुं भक्तः श्रद्धयार्चितुमिच्छति ।
तस्य तस्याचलां श्रद्धां तामेव विदधाम्यहम् ॥ २१ ॥
અનુવાદ
શુદ્ધ હું જીવમાત્રના હૃદયમાં પરમાત્મારૂપે વિદ્યમાન છું. કોઈ દેશી સ્વનિ દેવની પૂજા કરવા ઇચ્છે છે, ત્યારે હું તરત જ તેની શ્રદ્ધાને સ્થિર કરું છું, કે જેથી તે મનુષ્ય જ્યારે કોઈ મનુષ્ય તે વિશિષ્ટ દેવની આરાધના કરી શકે.
* * *
|| શ્લોક : ૨૨ ||
स तया श्रद्धया युक्तस्तस्याराधनमीहते ।
लभते च ततः कामान्मयैव विहितान्हि तान् ॥ २२ ॥
અનુવાદ
આવી શ્રદ્ધાથી યુક્ત થયેલો તે, અમુક દેવની કૃપા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે અને પોતાની ઇચ્છાની પૂર્તિ કરે છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે આ બધા લાભ મારા થકી જ પ્રાપ્ત થાય છે.
* * *
|| શ્લોક : ૨૩ ||
अन्तवत्तु फलं तेषां तद्भवत्यल्पमेधसाम् ।
देवान्देवयजो यान्ति मद्भक्ता यान्ति मामपि ॥ २३ ॥
અનુવાદ
અલ્પ બુદ્ધિવાળા મનુષ્યો દેવોની પૂજા કરે છે અને તેમને મળનારાં ફળ સીમિત તથા અસ્થાયી હોય છે. દેવોને પૂજનારા લોકો દેવલોકમાં જાય છે, પરંતુ મારા ભક્તો તો મારા પરમ ધામને જ પામે છે.
* * *
|| શ્લોક : ૨૪ ||
अव्यक्तं व्यक्तिमापन्नं मन्यन्ते मामबुद्धयः ।
परं भावमजानन्तो ममाव्ययमनुत्तमम् ॥ २४ ॥
અનુવાદ
મને પૂર્ણ રીતે નહીં જાણનારા બુદ્ધિહીન મનુષ્યો માને છે કે હું, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, કૃષ્ણ પહેલાં નિરાકાર હતો અને હવે મેં આ વ્યક્તિત્વને ધારણ કર્યું છે. તેમનાં અલ્પ જ્ઞાનને કારણે, તેઓ મારી અવિનાશી તથા સર્વોપરી પ્રકૃતિને જાણતા નથી.
* * *
|| શ્લોક : ૨૫ ||
नाहं प्रकाशः सर्वस्य योगमायासमावृतः ।
मूढोऽयं नाभिजानाति लोको मामजमव्ययम् ॥ २५ ॥
અનુવાદ
હું મૂર્ખ તથા અલ્પબુદ્ધિવાળા માણસો સમક્ષ કદી પોતાને પ્રગટ કરતો નથી. તેમને માટે હું મારી અંતરંગ શક્તિ દ્વારા આવૃત રહું છું અને તેથી તેઓ જાણતા નથી કે હું અજન્મા તથા અવિનાશી છું.
* * *
|| શ્લોક : ૨૬ ||
वेदाहं समतीतानि वर्तमानानि चार्जुन ।
भविष्याणि च भूतानि मां तु वेद न कश्चन ॥ २६ ॥
અનુવાદ
હે અર્જુન, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે હું જે કંઈ ભૂતકાળમાં થયેલું છે, જે વર્તમાનમાં થઈ રહ્યું છે, અને જે હવે થવાનું છે તે બધું જ જાણું છું. હું સર્વ જીવોને જાણું છું પરંતુ મને કોઈ જાણતું નથી.
* * *
|| શ્લોક : ૨૭ ||
इच्छाद्वेषसमुत्थेन द्वन्द्वमोहेन भारत ।
सर्वभूतानि सम्मोहं सर्गे यान्ति परन्तप ॥ २७ ॥
અનુવાદ
હે ભારત, હે શત્રુવિજેતા, સર્વ જીવો જન્મ લઈને ઇચ્છા તથા દ્વેષથી ઉત્પન્ન થતા દ્વન્દ્વોથી મોહગ્રસ્ત થઈને આસક્તિ (મોહ)ને પામે છે.
* * *
|| શ્લોક : ૨૮ ||
येषां त्वन्तगतं पापं जनानां पुण्यकर्मणाम् ।
ते द्वन्द्वमोहनिर्मुक्ता भजन्ते मां दृढव्रताः ॥ २८ ॥
અનુવાદ
જે મનુષ્યોએ પૂર્વ જન્મમાં તથા આ જન્મમાં પુણ્યકર્મો કર્યાં છે અને જેમના પાપકર્મો સમૂળગાં નષ્ટ થયાં છે, તેઓ મોહના દ્વન્દ્વોથી મુક્ત થઈ જાય છે અને મારી સેવામાં દૃઢ નિશ્ચયપૂર્વક પરોવાઇ જાય છે.
* * *
|| શ્લોક : ૨૯ ||
जरामरणमोक्षाय मामाश्रित्य यतन्ति ये ।
ते ब्रह्म तद्विदुः कृत्स्नमध्यात्मं कर्म चाखिलम् ॥ २९ ॥
અનુવાદ
જે બુદ્ધિશાળી મનુષ્યો જરા તથા મરણમાંથી મુક્ત થવા પ્રયત્નશીલ રહે છે, તેઓ મારી ભક્તિનો આશ્રય ગ્રહણ કરે છે. તેઓ દિવ્ય કર્મો વિષે પૂર્ણપણે જાણે છે.
* * *
|| શ્લોક : ૩૦ ||
साधिभूताधिदैवं मां साधियज्ञं च ये विदुः ।
प्रयाणकालेऽपि च मां ते विदुर्युक्तचेतसः ॥ ३० ॥
અનુવાદ
જે મનુષ્યો મને પરમેશ્વરને મારી પૂર્ણ ચેતનામાં રહીને મને જગતનો, દેવોનો તથા યજ્ઞની સર્વ પદ્ધતિઓનો નિયામક જાણે છે, તેઓ પોતાના મૃત્યુ સમયે પણ મને ભગવાન તરીકે જાણી તથા સમજી શકે છે.
* * *
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु
ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे
ज्ञानविज्ञानयोगो नाम सप्तमोऽध्यायः ॥ ७ ॥
॥ જય શ્રી કૃષ્ણ ॥
——————
॥ 卐 ॥