|| શ્લોક : ૧ ||
अर्जुन उवाच ।
ज्यायसी चेत्कर्मणस्ते मता बुद्धिर्जनार्दन ।
तत्किं कर्मणि घोरे मां नियोजयसि केशव ॥ १ ॥
અનુવાદ
અર્જુને કહ્યું:
હે જનાર્દન, હે કેશવ, જો તમે બુદ્ધિ સકામ કર્મ કરતાં શ્રેષ્ઠ માનતા હો, તો પછી તમે મને આ ઘોર યુદ્ધ કરવા શા માટે પ્રેરી રહ્યા છો?
* * *
|| શ્લોક : ૨ ||
व्यामिश्रेणेव वाक्येन बुद्धिं मोहयसीव मे ।
तदेकं वद निश्चित्य येन श्रेयोऽहमाप्नुयाम् ॥ २ ॥
અનુવાદ
આપણા દ્વિઅર્થી ઉપદેશોથી મારી મતિ મૂંઝાઈ ગઈ છે. તેથી કૃપા કરી મને નિશ્ચયપૂર્વક જણાવો કે આમાંથી મારે માટે સૌથી હિતાવહ શું છે?
* * *
|| શ્લોક : ૩ ||
श्रीभगवानुवाच ।
लोकेऽस्मिन् द्विविधा निष्ठा पुरा प्रोक्ता मयानघ ।
ज्ञानयोगेन साङ्ख्यानां कर्मयोगेन योगिनाम् ॥ ३ ॥
અનુવાદ
પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા:
હે નિષ્પાપ અર્જુન, મેં પૂર્વે સ્પષ્ટતા કરેલી જ છે કે આત્મ-સાક્ષાત્કાર પામવાનો પ્રયત્ન કરનારા મનુષ્યોના બે વર્ગ હોય છે. કેટલાક જ્ઞાનયોગ દ્વારા આને સમજવાનું વલણ ધરાવે છે અને બીજા કેટલાક ભક્તિયોગ દ્વારા સમજે છે.
* * *
|| શ્લોક : ૪ ||
न कर्मणामनारम्भान्नैष्कर्म्यं पुरुषोऽश्नुते ।
न च संन्यसनादेव सिद्धिं समधिगच्छति ॥ ४ ॥
અનુવાદ
મનુષ્યને કર્મનો સમૂળગો પ્રારંભ ન કરવાથી, ન તો કર્મફળથી મુક્તિ પ્રાપ્ત થાય છે અને ન તો કર્મત્યાગથી તેને પૂર્ણતા સિદ્ધ થાય છે.
* * *
|| શ્લોક : ૫ ||
न हि कश्चित्क्षणमपि जातु तिष्ठत्यकर्मकृत् ।
कार्यते ह्यवशः कर्म सर्वः प्रकृतिजैर्गुणैः ॥ ५ ॥
અનુવાદ
પ્રત્યેક વ્યક્તિને તેણે ભૌતિક પ્રકૃતિથી દ્વારા મેળવેલા ગુણો અનુસાર વિવશ થઈને કર્મ કરવું જ પડે છે; તેથી કોઈ પણ મનુષ્ય, એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી.
* * *
|| શ્લોક : ૬ ||
कर्मेन्द्रियाणि संयम्य य आस्ते मनसा स्मरन् ।
इन्द्रियार्थान्विमूढात्मा मिथ्याचारः स उच्यते ॥ ६ ॥
અનુવાદ
મનુષ્ય કર્મેન્દ્રિયોને કાબૂમાં રાખે છે, પરંતુ મનમાં ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરતો રહે છે, તે નિઃસંદેહ પોતાને છેતરે છે અને ઢોંગી કહેવાય છે.
* * *
|| શ્લોક : ૭ ||
यस्त्विन्द्रियाणि मनसा नियम्यारभतेऽर्जुन ।
कर्मेन्द्रियैः कर्मयोगमसक्तः स विशिष्यते ॥ ७ ॥
અનુવાદ
પરંતુ જો કોઈ નિષ્ઠાવાન મનુષ્ય કર્મેન્દ્રિયોને મન દ્વારા નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરે છે અને અનાસક્ત થઈને કર્મયોગ(કૃષ્ણભાવનામય કર્મ)નો આરંભ કરે છે, તો તે ઘણો ચડિયાતો છે.
* * *
|| શ્લોક : ૮ ||
नियतं कुरु कर्म त्वं कर्म ज्यायो ह्यकर्मणः ।
शरीरयात्रापि च ते न प्रसिद्ध्येदकर्मणः ॥ ८ ॥
અનુવાદ
તું તારું નિયત કર્તવ્ય-કર્મ કર, કારણ કે કર્મ નહીં કરવા કરતાં કર્મ કરવું વધુ સારું છે. કામ કર્યા વિના મનુષ્ય પોતાના દેહનો નિર્વાહ પણ કરી શકતો નથી.
* * *
|| શ્લોક : ૯ ||
यज्ञार्थात्कर्मणोऽन्यत्र लोकोऽयं कर्मबन्धनः ।
तदर्थं कर्म कौन्तेय मुक्तसङ्गः समाचर ॥ ९ ॥
અનુવાદ
વિષ્ણુ પ્રીત્યર્થે યજ્ઞ તરીકે કર્મ કરવું જોઈએ; અન્યથા આ ભૌતિક જગતમાં કર્મનાં બંધન ઉત્પન્ન થાય છે. માટે હે કૌન્તેય, તું તેમની(વિષ્ણુની) પ્રસન્નતા અર્થે નિયત કર્મ કર. એ રીતે તું સદા અનાસક્ત અને બંધનમાંથી મુક્ત રહીશ.
* * *
|| શ્લોક : ૧૦ ||
सहयज्ञाः प्रजाः सृष्ट्वा पुरोवाच प्रजापतिः ।
अनेन प्रसविष्यध्वमेष वोऽस्त्विष्टकामधुक् ॥ १० ॥
અનુવાદ
સર્જનના પ્રારંભે સમસ્ત પ્રાણીઓના સ્વામીએ વિષ્ણુ માટેના યજ્ઞ સહિત । તથા દેવોના વંશનું સર્જન કર્યું અને તેમને આશીર્વચન કહ્યાં, “તમે આ યજ્ઞથી સુખી રહો, કારણ કે એ કરવાથી તમને સુખપૂર્વક રહેવા અને મુક્તિ પામવા મનુષ્યો માટે સર્વ ઇચ્છિત વસ્તુઓ પ્રાપ્ત થઈ શકશે.”
* * *
|| શ્લોક : ૧૧ ||
देवान्भावयतानेन ते देवा भावयन्तु वः ।
परस्परं भावयन्तः श्रेयः परमवाप्स्यथ ॥ ११ ॥
અનુવાદ
યજ્ઞો દ્વારા પ્રસન્ન થઈને, દેવો તમને પણ પ્રસન્ન કરશે અને એ રીતે માનવો તથા દેવો વચ્ચેના સહકારથી સૌનો અભ્યુદય થશે.
* * *
|| શ્લોક : ૧૨ ||
इष्टान्भोगान्हि वो देवा दास्यन्ते यज्ञभाविताः ।
तैर्दत्तानप्रदायैभ्यो यो भुङ्क्ते स्तेन एव सः ॥ १२ ॥
અનુવાદ
જીવનની વિવિધ જરૂરિયાતોની પૂર્તિ કરનારા વિભિન્ન દેવો, યજ્ઞ સંપન્ન કરવાથી પ્રસન્ન થઈને તમારી બધી જરૂરિયાતોની પૂર્તિ કરશે. પરંતુ જે મનુષ્ય આ પ્રાપ્ત ઉપહારો દેવોને અર્પણ કર્યા વગર પોતે ભોગવશે, તે નક્કી ચોર જ છે.
* * *
|| શ્લોક : ૧૩ ||
यज्ञशिष्टाशिनः सन्तो मुच्यन्ते सर्वकिल्बिषैः ।
भुञ्जते ते त्वघं पापा ये पचन्त्यात्मकारणात् ॥ १३ ॥
અનુવાદ
ભગવાનના ભક્તો સર્વ પ્રકારનાં પાપમાંથી મુક્ત થઈ જાય છે, કારણ કે તેઓ યજ્ઞમાં પ્રથમ અર્પિત કરેલું ભોજન (પ્રસાદ) જ લે છે. અન્ય લોકો, જેઓ પોતાનાં જ ઇન્દ્રિયસુખ માટે ભોજન બનાવે છે, તેઓ નક્કી પાપ જ ખાય છે.
* * *
|| શ્લોક : ૧૪ ||
अन्नाद्भवन्ति भूतानि पर्जन्यादन्नसम्भवः ।
यज्ञाद्भवति पर्जन्यो यज्ञः कर्मसमुद्भवः ॥ १४ ॥
અનુવાદ
બધા દેહધારી પ્રાણીઓ અન્ન ખાઇને પોષણ પામે છે અને અન્ન વરસાદથી ઉત્પન્ન થાય છે, વરસાદ યજ્ઞ કરવાથી વરસે છે અને યજ્ઞ નિયત કર્મો કરવાથી થાય છે.
* * *
|| શ્લોક : ૧૫ ||
कर्म ब्रह्मोद्भवं विद्धि ब्रह्माक्षरसमुद्भवम् ।
तस्मात्सर्वगतं ब्रह्म नित्यं यज्ञे प्रतिष्ठितम् ॥ १५ ॥
અનુવાદ
નિયંત્રિત કર્મોનો નિર્દેશ વેદોમાં થયો છે અને વેદો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરમાંથી પ્રગટ થાય છે. પરિણામે સર્વવ્યાપી બ્રહ્મ, યજ્ઞોમાં સદૈવ અવસ્થિત છે.
* * *
|| શ્લોક ૧૬ ||
एवं प्रवर्तितं चक्रं नानुवर्तयतीह यः ।
अघायुरिन्द्रियारामो मोघं पार्थ स जीवति ॥ १६ ॥
અનુવાદ
હે પ્રિય અર્જુન, જે મનુષ્ય માનવ-સમાજમાં આ પ્રમાણે વેદો દ્વારા સ્થાપિત યજ્ઞચક્રનું પાલન નથી કરતો, તે નિશ્ચિતપણે પાપમય જીવન વ્યતીત કરે છે. આવો મનુષ્ય માત્ર ઇન્દ્રિયતૃપ્તિ માટે જ જીવિત રહીને નિરર્થક જીવન વ્યતીત કરે છે.
* * *
|| શ્લોક : ૧૭ ||
यस्त्वात्मरतिरेव स्यादात्मतृप्तश्च मानवः ।
आत्मन्येव च सन्तुष्टस्तस्य कार्यं न विद्यते ॥ १७ ॥
અનુવાદ
પરંતુ જે મનુષ્ય આત્મામાં જ આનંદ પામે છે, તથા જેનું જીવન આત્મ- સાક્ષાત્કારયુક્ત હોય છે અને જે પોતાની અંદર જ પૂર્ણપણે સંતુષ્ટ રહે છે, તેને માટે કશું કર્તવ્ય રહેતું નથી.
* * *
|| શ્લોક : ૧૮ ||
नैव तस्य कृतेनार्थो नाकृतेनेह कश्चन ।
न चास्य सर्वभूतेषु कश्चिदर्थव्यपाश्रयः ॥ १८ ॥
અનુવાદ
આત્મ-સાક્ષાત્કાર પામેલા મનુષ્યને નિયત કર્મો કરવાની ન તો જરૂર રહે છે અને ન તો આવું કર્મ ન કરવાનું કોઈ કારણ હોય છે. વળી અન્ય જીવાત્મા પર નિર્ભર રહેવાની પણ તેને જરૂર હોતી નથી.
* * *
|| શ્લોક : ૧૯ ||
तस्मादसक्तः सततं कार्यं कर्म समाचर ।
असक्तो ह्याचरन्कर्म परमाप्नोति पूरुषः ॥ १९ ॥
અનુવાદ
તેથી કર્મનાં ફળમાં આસક્ત થયા વગર મનુષ્ય પોતાનું કર્તવ્ય સમજીને નિરંતર કર્મ કરતા રહેવું જોઈએ; કારણ કે અનાસક્ત રહી કર્મ કરવાથી મનુષ્યને પરમેશ્વરની પ્રાપ્તિ થાય છે.
* * *
|| શ્લોક : ૨૦ ||
कर्मणैव हि संसिद्धिमास्थिता जनकादयः ।
लोकसङ्ग्रहमेवापि सम्पश्यन्कर्तुमर्हसि ॥ २० ॥
અનુવાદ
જનક જેવા રાજાઓએ માત્ર નિયત કર્તવ્ય કરવાથી જ, સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. માટે સાધારણ જનસમુદાયને શિક્ષિત કરવા માટે પણ તારે કર્તવ્ય કર્મ કરવું જોઈએ.
* * *
|| શ્લોક : ૨૧ ||
यद्यदाचरति श्रेष्ठस्तत्तदेवेतरो जनः ।
स यत्प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते ॥ २१ ॥
અનુવાદ
મહાપુરુષ જે જે આચરણ કરે છે, તેનું અનુસરણ સામાન્ય મનુષ્યો કરે છે અને ઉદાહરણરૂપ આચરણ દ્વારા તે જે આદર્શ પ્રસ્થાપિત કરે છે, તેનું સમગ્ર જગત અનુસરણ કરે છે.
* * *
|| શ્લોક : ૨૨ ||
न मे पार्थास्ति कर्तव्यं त्रिषु लोकेषु किञ्चन ।
नानवाप्तमवाप्तव्यं वर्त एव च कर्मणि ॥ २२ ॥
અનુવાદ
હે પૃથાપુત્ર, ત્રણે લોકમાં મારા માટે કોઈ પણ કર્મ નિયત કરેલ નથી. મને કોઈ વસ્તુનો અભાવ નથી કે નથી મારે કશું મેળવવાની જરૂર. તેમ છતાં હું નિયત કર્તવ્ય કર્મ કરવામાં કાર્યરત રહું છું.
* * *
|| શ્લોક : ૨૩ ||
यदि ह्यहं न वर्तेयं जातु कर्मण्यतन्द्रितः ।
मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः ॥ २३ ॥
અનુવાદ
જો હું નિયત કર્તવ્ય કર્મો સાવધાનીપૂર્વક ન કરું, તો હે પાર્થ, બધા મનુષ્યો જરૂર મારા માર્ગનું અનુસરણ કરશે.
* * *
|| શ્લોક : ૨૪ ||
उत्सीदेयुरिमे लोका न कुर्यां कर्म चेदहम् ।
सङ्करस्य च कर्ता स्यामुपहन्यामिमाः प्रजाः ॥ २४ ॥
અનુવાદ
જો હું નિયત કર્તવ્ય ન કરું, તો આ બધા લોકનો વિનાશ થઈ જાય. ત્યારે હું અવાંછિત જનસમુદાય (વર્ણસંકર પ્રજા) ઉત્પન્ન કરવાનું કારણ બનું અને એ રીતે સર્વ જીવોની શાંતિ નષ્ટ કરનારો બનું.
* * *
|| શ્લોક : ૨૫ ||
सक्ताः कर्मण्यविद्वांसो यथा कुर्वन्ति भारत ।
कुर्याद्विद्वांस्तथासक्तश्चिकीर्षुर्लोकसङ्ग्रहम् ॥ २५ ॥
અનુવાદ
હે ભરતવંશી, જેવી રીતે અજ્ઞાની મનુષ્યો ફળ પ્રતિ આસક્તિ રાખીને તેમનાં કર્તવ્ય કર્મો કરે છે, તેવી રીતે વિદ્વાન જનોએ સામાન્ય લોકોને સાચા માર્ગે દોરવા માટે અનાસક્ત રહી કર્મ કરવાં જોઈએ.
* * *
|| શ્લોક : ૨૬ ||
न बुद्धिभेदं जनयेदज्ञानां कर्मसङ्गिनाम् ।
जोषयेत्सर्वकर्माणि विद्वान्युक्तः समाचरन् ॥ २६ ॥
અનુવાદ
વિદ્વાન મનુષ્યોએ સકામ કર્મોમાં આસક્ત એવા અજ્ઞાની લોકોનાં મનને વિચલિત કરવાં જોઈએ નહીં, તેમજ તેમને કર્મનો ત્યાગ કરવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ નહીં, પરંતુ ભક્તિભાવપૂર્વક કર્મમાં વ્યસ્ત રહેવા પ્રેરણા આપવી જોઈએ (કે જેથી ધીરે ધીરે કૃષ્ણભાવનામૃતનો વિકાસ થઈ શકે).
* * *
|| શ્લોક : ૨૭ ||
प्रकृतेः क्रियमाणानि गुणैः कर्माणि सर्वशः ।
अहङ्कारविमूढात्मा कर्ताहमिति मन्यते ॥ २७ ॥
અનુવાદ
જીવ મિથ્યા અહંકારના પ્રભાવથી મોહગ્રસ્ત થઈને, પોતાની જાતને સમગ્ર કાર્યોનો કર્તા માની લે છે, પણ હકીકતમાં ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણો દ્વારા તે થતાં હોય છે.
* * *
|| શ્લોક : ૨૮ ||
तत्त्ववित्तु महाबाहो गुणकर्मविभागयोः ।
गुणा गुणेषु वर्तन्त इति मत्वा न सज्जते ॥ २८ ॥
અનુવાદ
હે મહાબાહુ, જે મનુષ્ય પરમ સત્યનું જ્ઞાન ધરાવે છે, તે ભક્તિમય કાર્ય અને સકામ કર્મ વચ્ચેના તફાવતને સારી રીતે જાણીને પોતાની જાતને ઇન્દ્રિયતૃપ્તિમાં વ્યસ્ત કરતો નથી.
* * *
|| શ્લોક : ૨૯ ||
प्रकृतेर्गुणसम्मूढाः सज्जन्ते गुणकर्मसु ।
तानकृत्स्नविदो मन्दान्कृत्स्नविन्न विचालयेत् ॥ २९ ॥
અનુવાદ
ભૌતિક પ્રકૃતિના ગુણોથી મોહગ્રસ્ત થયેલા અજ્ઞાનીજનો, દુન્યવી કાર્યોમાં પૂરેપૂરા પરોવાઇ જાય છે અને તેમાં આસક્ત થાય છે. તેમનાં કાર્યો તેમના જ્ઞાનના અભાવના કારણે ઉતરતી કક્ષાનાં છે, તેમ છતાં જ્ઞાની મનુષ્યે તેમને તેમાંથી વિચલિત કરવા જોઈએ નહીં.
* * *
|| શ્લોક : ૩૦ ||
मयि सर्वाणि कर्माणि संन्यस्याध्यात्मचेतसा ।
निराशीर्निर्ममो भूत्वा युध्यस्व विगतज्वरः ॥ ३० ॥
અનુવાદ
માટે હે અર્જુન, તારાં સર્વ કર્મો મને સમર્પિત કરીને, મારાં પૂર્ણ જ્ઞાનથી યુક્ત થઈને, લાભની ઇચ્છા રાખ્યા વિના, સ્વામિત્વનો દાવો કર્યા વિના તથા આળસરહિત થઈને તું યુદ્ધ કર.
* * *
|| શ્લોક : ૩૧ ||
ये मे मतमिदं नित्यमनुतिष्ठन्ति मानवाः ।
श्रद्धावन्तोऽनसूयन्तो मुच्यन्ते तेऽपि कर्मभिः ॥ ३१ ॥
અનુવાદ
જે મનુષ્યો મારા આદેશો પ્રમાણે પોતાનાં કર્તવ્યો કરે છે અને ઈર્ષારહિત થઈને શ્રદ્ધાપૂર્વક આ ઉપદેશોનું પાલન કરે છે, તેઓ સકામ કર્મનાં બંધનમાંથી મુક્ત થઈ જાય છે.
* * *
|| શ્લોક : ૩૨ ||
ये त्वेतदभ्यसूयन्तो नानुतिष्ठन्ति मे मतम् ।
सर्वज्ञानविमूढांस्तान्विद्धि नष्टानचेतसः ॥ ३२ ॥
અનુવાદ
પરંતુ જે માણસો ઈર્ષાવશ થઈને આ ઉપદેશોની ઉપેક્ષા કરે છે અને તેનું નિયમિત આચરણ કરતા નથી, તેમને સર્વ જ્ઞાનથી રહિત થયેલા, મુર્ખ બનેલા તેમજ આજ્ઞાન તથા બંધનનો ભોગ બનેલા ગણવા જોઈએ.
* * *
|| શ્લોક : ૩૩ ||
सदृशं चेष्टते स्वस्याः प्रकृतेर्ज्ञानवानपि ।
प्रकृतिं यान्ति भूतानि निग्रहः किं करिष्यति ॥ ३३ ॥
અનુવાદ
જ્ઞાની મનુષ્ય પણ પોતાની પ્રકૃતિ પ્રમાણે જ કાર્ય કરે છે, કારણ કે દરેક મનુષ્ય ત્રણ ગુણો દ્વારા પ્રાપ્ત કરેલી પ્રકૃતિનું જ અનુસરણ કરે છે. તો પછી દમન કરવાથી શું મળી શકે?
* * *
|| શ્લોક : ૩૪ ||
इन्द्रियस्येन्द्रियस्यार्थे रागद्वेषौ व्यवस्थितौ ।
तयोर्न वशमागच्छेत्तौ ह्यस्य परिपन्थिनौ ॥ ३४ ॥
અનુવાદ
બદ્ધ જીવો દ્વારા ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે આસક્તિ અને દ્રેષ અનુભવવામાં આવે છે, પરંતુ મનુષ્ય ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયોના નિયંત્રણ હેઠળ આવવું જોઈએ નહીં, કારણ કે તે આત્મ-સાક્ષાત્કારના માર્ગમાં અવરોધક હોય છે.
* * *
|| શ્લોક : ૩૫ ||
श्रेयान्स्वधर्मो विगुणः परधर्मात्स्वनुष्ठितात् ।
स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावहः ॥ ३५ ॥
અનુવાદ
પોતાનાં નિયત કર્તવ્ય દોષયુક્ત હોય તો પણ પૂરાં કરવાં એ બીજા મનુષ્યોનાં સારી રીતે કરેલાં કર્તવ્ય કર્મો કરતાં વધુ શ્રેયસ્કર છે. પોતાનાં કર્તવ્ય કર્મો કરવામાં મરણ થાય, તો તે પણ અન્યનાં કર્તવ્ય કર્મમાં પ્રવૃત્ત થવા કરતાં વધારે સારું છે, કારણ કે અન્યના માર્ગને અનુસરવું ભયાવહ હોય છે.
* * *
|| શ્લોક : ૩૬ ||
अर्जुन उवाच ।
अथ केन प्रयुक्तोऽयं पापं चरति पूरुषः ।
अनिच्छन्नपि वार्ष्णेय बलादिव नियोजितः ॥ ३६ ॥
અનુવાદ
અર્જુને કહ્યું :
હે વૃષ્ણિવંશી, જાણે કે બળજબરીથી તેમાં પરોવાયો હોય તેમ, મનુષ્ય ઇચ્છતો ન હોવા છતાં પાપ કર્મમાં શાથી પ્રેરાય છે?
* * *
|| શ્લોક : ૩૭ ||
श्रीभगवानुवाच ।
काम एष क्रोध एष रजोगुणसमुद्भवः ।
महाशनो महापाप्मा विद्ध्येनमिह वैरिणम् ॥ ३७ ॥
અનુવાદ
પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા :
હે અર્જુન, આનું કારણ રજોગુણથી ઉત્પન્ન થયેલ એ કામ જ છે, જે પછીથી ક્રોધનું રૂપ ધારણ કરે છે અને જે આ જગતનો સર્વભક્ષી, મહાપાપી શત્રુ છે.
* * *
|| શ્લોક : ૩૮ ||
धूमेनाव्रियते वह्निर्यथादर्शो मलेन च ।
यथोल्बेनावृतो गर्भस्तथा तेनेदमावृतम् ॥ ३८ ॥
અનુવાદ
જેવી રીતે અગ્નિ ધુમાડાથી, દર્પણ ધૂળથી અથવા ભ્રૂણ ગર્ભાશયથી આવૃત રહે છે, તેવી રીતે જીવાત્મા આ કામ વડે વિભિન્ન માત્રામાં આવૃત રહે છે.
* * *
|| શ્લોક : ૩૯ ||
आवृतं ज्ञानमेतेन ज्ञानिनो नित्यवैरिणा ।
कामरूपेण कौन्तेय दुष्पूरेणानलेन च ॥ ३९ ॥
અનુવાદ
એ રીતે જ્ઞાની જીવાત્માની શુદ્ધ ચેતના કામરૂપી સનાતન શત્રુ દ્વારા ઢંકાઇ જાય છે અને આ કામ કદાપિ સંતુષ્ટ થતો નથી તથા અગ્નિની જેમ બળતો રહે છે.
* * *
|| શ્લોક : ૪૦ ||
इन्द्रियाणि मनो बुद्धिरस्याधिष्ठानमुच्यते ।
एतैर्विमोहयत्येष ज्ञानमावृत्य देहिनम् ॥ ४० ॥
અનુવાદ
ઇન્દ્રિયો, મન તથા બુદ્ધિ એ આ કામનાં નિવાસ સ્થાનો છે. તેમના દ્વારા આ કામ, જીવાત્માના વાસ્તવિક જ્ઞાનને ઢાંકી દે છે અને તેને મોહિત કરે છે.
* * *
|| શ્લોક : ૪૧ ||
तस्मात्त्वमिन्द्रियाण्यादौ नियम्य भरतर्षभ ।
पाप्मानं प्रजहि ह्येनं ज्ञानविज्ञाननाशनम् ॥ ४१ ॥
અનુવાદ
માટે હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન, શરૂઆતમાં જ ઇન્દ્રિયોનું નિયમન કરીને પાપના આ મહાન પ્રતીક(કામ)નું દમન કર અને જ્ઞાન તથા આત્મ-સાક્ષાત્કારના વિનાશકર્તાનો વધ કર.
* * *
|| શ્લોક : ૪૨ ||
इन्द्रियाणि पराण्याहुरिन्द्रियेभ्यः परं मनः ।
मनसस्तु परा बुद्धिर्यो बुद्धेः परतस्तु सः ॥ ४२ ॥
અનુવાદ
કર્મેન્દ્રિયો જડ પદાર્થ કરતાં ચડિયાતી છે, મન ઇન્દ્રિયો કરતાં ઉચ્ચતર છે, બુદ્ધિ મનથી પણ વધારે ઉચ્ચતર છે અને તે (આત્મા) બુદ્ધિથી પણ વધુ શ્રેષ્ઠતર છે.
* * *
|| શ્લોક : ૪૩ ||
एवं बुद्धेः परं बुद्ध्वा संस्तभ्यात्मानमात्मना ।
जहि शत्रुं महाबाहो कामरूपं दुरासदम् ॥ ४३ ॥
અનુવાદ
એ રીતે હે મહાબાહુ અર્જુન, મનુષ્ય પોતાને ભૌતિક ઇન્દ્રિયો, મન તથા બુદ્ધિથી પર જાણીને અને મનને વિવેયુક્ત આધ્યાત્મિક બુદ્ધિ(કૃષ્ણભાવનામૃત)થી સ્થિર કરીને આધ્યાત્મિક શક્તિ વડે આ સદા અતૃપ્ત કે અસંતોષી કામરૂપી શત્રુને જીતી લેવો જોઈએ.
* * *
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु
ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे
कर्मयोगो नाम तृतीयोऽध्यायः ॥ ३॥